રથયાત્રાઃ ભક્તને દર્શન આપવા તેના આંગણે પહોંચતા જય જગન્નાથ

Saturday 18th July 2015 05:12 EDT
 
 

ભક્તજનો ભગવાનના દર્શન કરવા બારેમાસ મંદિરમાં જાય છે, પરંતુ અષાઢી બીજ (આ વર્ષે ૧૮ જુલાઇ)નું પર્વ એવું છે જ્યારે ભગવાન જગન્નાથજી ખુદ મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભક્તજનોને મળે છે અને તેમના ખબરઅંતર જાણે છે. આથી જ ભક્તજનોને અષાઢી બીજના પર્વનો આતુરતાભર્યો ઇંતઝાર હોય છે. આ દિવસે ગામ-નગર-શહેર ‘જય રણછોડ માખણચોર...’ના નારાથી ગાજી ઉઠે છે. 
આ પર્વે ધર્મનગરી જગન્નાથ પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે અને લાખો ભક્તો તેમાં જોડાઇને, દર્શનનો લાભ લઇને અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. રથયાત્રા પુરીમાં દસકાઓથી યોજાય છે જ્યારે અમદાવાદમાં આ વર્ષે ૧૩૮મી રથયાત્રા યોજાશે.
ભાઇ-બહેન એકસાથે કેમ?
જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે. શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે.
પ્રતિમા અપૂર્ણ કેમ?
પૌરાણિક કથા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, અને તે હતી યોગ્ય શિલ્પીની શોધ.
કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ ૨૧ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ.
રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં.
મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, ‘હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો.’
નારદજીને વરદાન
જગન્નાથની રથયાત્રામાં શ્રીકૃષ્ણની સાથે રાધાજી કે રુક્મિણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે અન્ય એક પૌરાણિક કથા જાણીએ.
એક વાર દ્વારિકામાં શ્રીકૃષ્ણ રુક્મિણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે-રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રીકૃષ્ણે પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા. રુક્મિણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે. આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પ્રભુ તેને ભૂલી શક્યા નથી.
રાધાજીની શ્રીકૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતાં હશે તેમ સમજીને બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે. પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે, ‘ઠીક છે, પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભાં રાખો, કોઈ પણ અંદર ન આવવું જોઈએ, પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય!’
માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું.
થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે, સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી. જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવવિહવળ થઈ ગયાં. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત્ થઈ ગયાં.
નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ રૂપનાં મેં દર્શન કર્યાં છે, તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશાં સુશોભિત રહે...’ અને પ્રભુએ નારદજીને વરદાન આપતાં તથાસ્તુ કહ્યું.
અમદાવાદની રથયાત્રા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વર્ષે નીકળનારી રથયાત્રા એ અમદાવાદની ૧૩૮મી રથયાત્રા હશે. રથયાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે. આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે. તેની સાથે યાત્રામાં જોડાયેલાં શરણગારેલા હાથીઓ, સજાવેલી ટ્રકો, વિવિધ કરતબો કરતાં અખાડાના યુવાનો અને ભજનમંડળીઓનું પણ વિશેષ આકર્ષણ રહે છે. પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો વિશેષ રિવાજ છે. આ ખેસ પણ કેટલાંય દિવસો પહેલાં બનાવવાના શરૂ કરી દેવાય છે. રથયાત્રામાં હજારો મણ ફણગાવેલા મગ, બોર, જાંબુ અને કેરીની પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જ્યારે મોસાળ સરસપુર ખાતે પધારે છે, ત્યારે તેમનું મોસાળું કરાય છે. તેમને વસ્ત્રો, સોનાનાં ઘરેણાં વગેરે ભેટ અપાય છે. સરસપુર ખાતે ભક્તોના જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરાય છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે ગુજરાતનાં ઘણાં નાનાં-મોટાં ગામડાંઓ અને શહેરોમાં રથયાત્રા યોજાય છે અને નગરયાત્રાએ નીકળતાં શ્રી જગન્નાથજીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter