ઈસ્લામિક મહિનાઓનો પ્રારંભ ચંદ્રદર્શનથી થાય છે. પ્રતિવર્ષ જે તે ઈસ્લામિક તારીખ ૧૦થી ૧૨ દિવસ વહેલી આવે છે. કારણ કે અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે, જ્યારે મુસ્લિમ હિજરી વર્ષ લગભગ ૩૫૪ દિવસનું ગણાય છે. હિજરી વર્ષનો પ્રથમ મહિનો મોહર્રમથી શરૂ થાય છે. આ જ હિજરી વર્ષનો નવમો મહિનો એટલે રમઝાન માસ. જેના સમગ્ર મહિનાના રોઝા (ઉપવાસ) પ્રત્યેક પુખ્ત વયના મુસલમાન સ્ત્રી-પુરૂષ ઉપર ફર્જ કરાયા છે. બિમાર, અશક્ત કે ગર્ભવતી સ્ત્રીને કેટલીક છૂટછાટ છે. જેમાં અમુક પ્રસંગે પાછળથી ઉપવાસ કરવા જરૂરી છે. તો બદલામાં ગણત્રીનું દાન ગરીબોને આપવાનું હોય છે. રોઝા પાંચ સ્તંભો પૈકી એક અગત્યનું ફરજ કર્તવ્ય ગણાય છે.
રમઝાન માસની પવિત્રતા અને મહાત્મ્ય પવિત્ર ધર્મ પુસ્તક કુર્આન સાથે વિશેષ સંકળાયેલું છે. આ પુસ્તક જગત માટે પ્રેરણારૂપ છે. કુર્આન અલ્લાહની વાણી છે જે પયગંબર મુહમ્મદ (સલ.) ઉપર જિબ્રેઈલ નામના ફરિશ્તા દ્વારા ઉતારાયું હતું. સમગ્ર કુર્આન ‘લ્વહે મહફૂઝ’ નામની જગ્યાએ સુરક્ષિત કરી આસમાન ઉપર અલ્લાહે આ રમઝાન માસમાં ઉતાર્યું હતું. એની અગત્યતારૂપે જ રમઝાન માસમાં રાત્રિના જે વધારાની નમાઝ જેને તરાવીહ કહેવાય છે, તેમાં આખું કુર્આન પઢવાની પ્રણાલી છે. તદુપરાંત વ્યક્તિગત ધોરણે સ્ત્રી-પુરુષો-બાળકો કુર્આનનું પઠન કરતાં નજરે પડે છે.
રોઝા કે ઉપવાસનો મહિમા એ પણ છે કે એ દ્વારા માનવી પોતાના વિચારો અને જીવનશૈલી ઉપર નિયંત્રણ કરી અલ્લાહની આજ્ઞાપાલન દ્વારા એની સમિપતા અને ધન્યતા મેળવવા પ્રયાસ કરે છે. એક માસની તાલીમને સમગ્ર આયુષ્યમાં સુટેવો તરીકે ગ્રહણ કરી શકવાની સમર્થતા કેળવે છે. ભૂખ્યા-તરસ્યા રહેવું જ પૂરતું નથી. એમાં હમદર્દી, લાગણી, સભ્યતા, અન્ય પ્રત્યે સમભાવ, સદાચાર, ધૈર્ય દાખવવાનો ઉદ્દેશ પણ છે. સામાન્ય પરિભાષામાં મુસલમાનોના ઉપવાસ એટલે પરોઢથી લઈને સૂર્યાસ્ત સુધી ભૂખ્યા-તરસ્યા રહેવું એવું મનાય છે પરંતુ એથી વિશેષ કે વ્યક્તિ નઠારા કામોથી દૂર રહી મનેચ્છાઓને વશ કરી સદકર્મો કરવા તરફ સફળતા પ્રાપ્ત કરી શકે. આમ તો દરેક ધર્મ અને અનુયાયીઓ ઉપવાસ કરતા હોય છે તેનું સ્વરૂપ દિવસો અને રૂઢીમાં ફેરફાર હોય છે. તેમાં પણ આત્માની શુદ્ધિનો મૂળ હેતુ સમાયેલો હોય છે. તેથી જ માનવી શિયાળાની ઠંડીના ટૂંકા કે પછી ઉનાળાની ગરમીમાં લાંબા રોઝાઓ રાખવા માટે તત્પર હોય છે. પછી તે ગરીબ હોય કે તવંગર... રોઝા આધ્યાત્મિક્તા તરફ દોરી જાય છે. રમઝાન અલ્લાહ તરફથી અનેરી ભેટ છે.
રમઝાન માસના છેલ્લાં દસેક દિવસ કેટલાક લોકો ઈબાદતો અને બંદગીમાં વધુ સમય પસાર કરી એકએક પળ પુણ્ય કમાવવામાં વિતાવવા ઈચ્છે છે તેથી મસ્જીદમાં રોકાય છે એને ‘એતિકાફ’ કહેવાય છે. કેટલાક મુસલમાનો આ સમયે સાઉદી અરબ મક્કા ઉમરાની યાત્રાએ જાય છે. અહીં બ્રિટનમાં ચાલુ સાલે ૧૯ કલાક જેટલાં લાંબા ઉપવાસો કરવાના હોય છે. ભારતમાં ૧૫ કલાકના રોઝાઓ પછી વધારાની તરાવીહની બંદગીની નમાઝ પઢે છે જેમાં પણ દોઢેક કલાકનો સમય પસાર થાય છે. એટલે ટૂંકી રાત્રિના કારણે ઉપવાસ સૂર્યાસ્ત વખતે છોડ્યા પછી અને બીજા ઉપવાસ પરોઢના સમયે પ્રારંભ વચ્ચે સમય ખૂબ ઓછો રહેતો હોય છે.
એક માહિતી અનુસાર દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરૂ દ્વારા દુનિયાભરમાં જ્યાં પણ વ્હોરા સમાજ વસતો હોય ત્યાં રમઝાન માસ દરમિયાન એક જ પ્રકારની વાનગીઓનું જમણવાર હોય એવી આજ્ઞા કરી છે. જેથી ઊંચ-નીચનો ભેદ ન રહે.
રમઝાન માસ પૂરો થતાં ઈદ ઉલ ફિત્ર મનાવાય છે, જે અલ્લાહનો આભાર વ્યક્ત કરી, ઈદની નમાઝ પઢે છે. વધારાનું સદક એ ફિત્ર નામનું દાન આપી ગરીબો પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવે છે. ઈદની નમાઝમાં સમગ્ર શહેરના લોકો ભેગા થઈ ઈદની નમાઝ અદા કરે છે જેમાં ભાઈચારો, એકતા, સમાનતા અને આજ્ઞાપાલનના દર્શન થાય છે. એકબીજાને મળી ઈદની મુબારકબાદી પાઠવે છે. શક્તિ અનુસાર વસ્ત્રો પરિધાન કરે છે. ઈદનો પર્વ એટલે ખુશીનો દિવસ, આ નિમિત્તે ઉપવાસ કરવો પણ નિષેધ છે. પરંતુ એ ખુશીમાં પરવરદિગારે દર્શાવેલા આદર્શોનું પાલન થાય એ જરૂરી લેખાય છે.
રમઝાન મુબારક - ઈદ મુબારક