રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ) કરવાનો આદેશ આપવામાં આવેલો છે. ઉપવાસથી માણસમાં આત્મસંયમ આવે છે. પાપો નષ્ટ થાય છે. દુષ્ટ વિચારોથી મન આત્માને કલુષિત થતા અટકાવવાનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ ગણાવી શકાય છે. પવિત્ર મહિનો હોવાથી સામાન્ય જીવનવ્યવહારથી અલગ પ્રકારના આધ્યાત્મિક માહોલના દર્શન જોવા મળે છે. મુસ્લિમ આલમમાં આખો મહિનો ચમક-દમક રહે છે. સમગ્ર આયુષ્યમાં આત્માની દુષ્વૃત્તિ અર્થે આ જ રીતના પ્રયોગો કરવાની ટેવ પાડવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થાય છે.
ઈસ્લામ ધર્મ અનુસાર કેટલાક નિયમો અને કર્તવ્યોને સમય સાથે પૂરા કરવાના હોય છે. જેને મૂળભૂત ગણવામાં આવ્યા છે. જેમાં (૧) અલ્લાહનું અસ્તિત્વ અને હઝરત મુહમ્મદ (સલ.)ને પયગંબર માનવા, (૨) દિવસ દરમિયાન પાંચ સમયની નમાઝ અદા કરવી, (૩) રોઝા, (૪) ઝકાતનું દાન આપવું અને (૫) હજયાત્રા. આ બધા જ દાયિત્વ નિભાવવા જરૂરી લેખાય છે. જેમાંથી નમાઝ, રોઝા અને અલ્લાહનું અસ્તિત્વ પુખ્ત વયના તમામ સ્ત્રી-પુરુષોને ફરજિયાત લાગુ પાડવામાં આવ્યું છે. જ્યારે હજ અને ઝકાત માત્ર ઈસ્લામની ગણતરી અનુસાર ધનવાન ગણાતી વ્યક્તિ ઉપર જ લાગુ પાડવામાં આવ્યું છે.
આ રોઝા (ઉપવાસ) પરોઢથી લઈ સૂર્યાસ્ત સુધી કરવામાં આવે છે. જેમાં અન્ન-જળનો ત્યાગ કરવામાં આવે છે. આમ નર્યા નકોરડા ઉપવાસ કરવામાં આવે છે. એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહીં, રાત્રે પણ મસ્જિદોમાં વધારાની સળંગ તરાહવીહની નમાઝ પઢવામાં આવે છે. જેમાં સમગ્ર માસ દરમિયાન ઓછામાં ઓછું એક વાર ધર્મપુસ્તક કુર્આનનું પઠન કરવામાં આવે છે. પોતાના ભૂતકાળમાં કરેલી ભૂલો-પાપોનું પ્રાયશ્ચિત કરીને ભવિષ્યમાં પોતાના વ્યવહારોમાં સુધારો કરવાની તાલીમ પ્રાપ્ત કરે છે. શાંતિ, એકતા અને પરસ્પર સમજણ વિકસાવે છે. હમદર્દી અને દયાભાવ પણ મૂળમાં રહેલા છે.
મુસ્લિમોની જેમ અગાઉના લોકોને પણ રોઝા-ઉપવાસ રાખવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે ઉપવાસ માત્ર મુસ્લિમોનો જ નવો આદેશ છે એવું નથી, પરંતુ સમગ્ર માનવજાતમાં પવિત્રતા અને સદાચાર પ્રેરિત કરવા યુગો જૂનું આચરણ છે. વાસ્તવમાં તમામ ધાર્મિક સમુદાયોમાં ઇચ્છિત પવિત્રતા સિદ્ધ કરવા માટે ઉપવાસની પોતપોતાની અલગ રીત હોય છે. વાસ્તવમાં કુર્આનમાં જણાવ્યા અનુસાર ઉપવાસ સાર્વત્રિક અને સનાતન ધાર્મક પરંપરા છે. રમઝાન સાથે ત્રીજું તત્વ આંતરધર્મીય જોડાણનું છે. ક્યારેક મુસલમાનોના અન્ય ધર્મી મિત્રો કે પાડોશીઓ પણ રોજા રાખતા હોય છે.
આમ, પોતાની વિવિધ બંદગીઓ દ્વારા સર્જનહારની સમીપ થવાની સાથે સમાજ અને માનવીની પણ નજીક પહોંચે છે. બ્રિટનમાં લાંબા ઉનાળાના અઢારેક કલાકના રોઝા થઈ જાય છે. રમઝાન માસ પૂરો થતાં જ બીજા દિવસે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. ત્યારે ઈદની નમાઝ, ભેટ આપવી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવે છે. જેમાં પણ એક માનવીય ગુણો જોવા મળે છે. સાચા અર્થમાં વ્યક્તિગત અને સામૂહિક આમૂલ પરિવર્તન લાવી શકાય છે. તમામ વાચકોને રમઝાન મુબારક અને ઈદ મુબારક.