શિવ-પાર્વતીના પુત્ર એવા ગણેશજી દરેક કાર્યમાં પ્રથમ પૂજાય છે. કોઈ પણ માંગલિક કાર્યના આરંભમાં જેમનું પૂજન કે સ્મરણ કરવાનો પ્રાચીન કાળથી રિવાજ છે એવા દુંદાળા દેવનો ઉત્સવ દર વર્ષે ભાદરવા સુદ ચોથથી શરૂ કરીને ચૌદસ (આ વર્ષે ૧૭થી ૨૭ સપ્ટેમ્બર) સુધી ધામધૂમથી ઊજવાય છે.
ગણપતિ મંગલ દેવતા છે, ગણ+પતિ=ગણપતિ એટલે સર્વેનું પાલન કરનાર દેવ, જેને આપણે ઉમાપુત્ર, ગજાનન, વિનાયક, ગણેશ, એકદંત, વક્રદંત, લંબોદર વગેરે અનેક નામોથી પૂજીએ છીએ. તેઓ ભગવાન શંકરના ગણોના મુખ્ય અધપિતિ છે, તેથી તેમને ગણપતિ કે ગણેશ કહેવામાં આવે છે. પંચદેવની ઉપાસનામાં જેમનું આગવું સ્થાન છે એવા ગણેશજીને પ્રણામ હો. જે વિઘ્નરૂપી અંધકારને દૂર કરે છે, જેમની દૃષ્ટિ અપાર કરુણાના સાગરથી ભરેલી છે, જેમને પાર્વતી અને ગંગાજી બે માતાઓ છે, જે ચાર ભુજાઓવાળા છે, જેમને સૂંઢ સાથે પાંચ હાથ છે, સપ્તવર્ણના વૃક્ષની સુગંધી જેના મદમાં રહેલી છે, જે આઠ મૂર્તિવાળા સદાશિવના પુત્ર છે અને જે નિષ્કપટ છે તેમને ભજવાથી આપણા જીવનના સર્વે વિઘ્નોનો નાશ થાય છે.
ગણપતિનું ધ્યાન શિવજીએ ત્રિપુરાસુરને જીતવા માટે, વિષ્ણુ ભગવાને છળકપટથી બલિને બાંધવા માટે, કમળમાંથી જન્મેલા બ્રહ્માએ સર્વ ભુવનોનું સર્જન કરવા માટે, શેષનારાયણે પૃથ્વીને ધારણ કરવા માટે, પાર્વતી જગદંબાએ મહિષાસુરનો સંહાર કરવા માટે, તેમ જ પાંચ બાણવાળા કામદેવે વિશ્વને જીતવા માટે ધર્યું તે શિવ-પાર્વતીના આ પુત્ર દરેક કાર્યમાં પ્રથમ પૂજાય છે.
કોઇ પણ કાર્ય ગણેશજીની કૃપા વગર પૂર્ણ થતું નથી. ભૂત, ભૌતિક સર્વ ગણોના અધપિતિ હોઇ તે ગણેશ કહેવાય છે. રિદ્ધિ-સિદ્ધિ બે શક્તિ તેમની પત્નીઓ છે અને શુભ તથા લાભ તેમના પુત્રો છે. તેમનું મુખ હાથીનું છે તે મંગલરૂપ ગણાય છે અને મોટું પેટ તે આનંદસૂચક છે. ગણપતિના બાહ્ય સ્વરૂપનું વર્ણન કરીએ તો તેમની ઝીણી આંખ સૂક્ષ્મતા ગ્રહણ કરવાની શક્તિ અને તેમના મોટા કાન બીજા કોઇ બોલે તે ગણકારવું નહીં અને સારું કાર્ય કરવું તેવો સંદેશ આપે છે. મોટું પેટ કોઇની વાત બીજાને કહેવી નહીં તેવો સ્થિતપ્રજ્ઞતાનો બોધ આપે છે. દાંત સુંદરતાનું પ્રતીક છે. વાહન ઉંદર બીજા પર આધાર ન રાખતાં પોતાનો ખોરાક પોતે શોધી લે એ જ પ્રમાણે જીવનમાં કોઇ પણ કાર્ય માટે બીજાને આધારે ન રહેવું તે સમજાવે છે. પૃથ્વીની પ્રદક્ષિણા માતા-પિતાની આગળ-પાછળ ફરીને પૂરી કરનાર મંગલમૂર્તિ શ્રી ગણેશ વિદ્વતા અને બુદ્ધિનું પ્રતીક છે.
એક વાર શિવ-પાર્વતી અંત:પુરમાં હોવાથી ગણેશને દ્વારની ચોકી કરવા રાખ્યા એટલામાં પરશુરામજી આવ્યા. અંદર જતા ગણેશજીએ રોક્યા, લડાઇ થઇ એમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો તેથી એકદંત પણ કહેવાય છે. એમના ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. તેમને લાલ રંગ અતિ પ્રિય છે. ગણપતિનો વર્ણ લાલ છે. તેઓની પૂજામાં લાલ વસ્ત્ર, લાલ ફૂલ અને રક્તચંદન વપરાય છે. લાલ રંગને કારણે વાતાવરણમાં તેમના ભક્તો મૂર્તિ તરફ વધારે પ્રમાણમાં આકૃષ્ટ થાય છે અને મૂર્તિ જાગૃત થવામાં પણ મદદરૂપ થાય છે.
પુરાણમાં એક કથા અનુસાર એક વાર ચંદ્રે તેમનું શારીરિક સ્વરૂપ જોઇને મશ્કરી કરી. ગણપતિજીએ ચંદ્રને શાપ આપ્યો કે આજથી કોઇ પણ તારું મોઢું જોશે નહીં. ચંદ્રને એકલવાયુ જીવન જીવવું અશક્ય લાગ્યું અને ગણેશજીની સ્તુતિ કરી, તપશ્વર્યા કરી તેમને પ્રસન્ન કર્યા. ગણેશજીએ શાપમાં પૂરી મુક્તિ આપવી અશક્ય હોવાથી કહ્યું કે, ‘ગણેશચતુર્થીના દિવસે કોઇ પણ તારા દર્શન કરશે નહીં, પણ સંકટ ચતુર્થીએ તારા દર્શન કર્યા વિના જમશે નહીં.’
ગણેશપૂજનમાં દૂર્વા ખાસ મહત્વની છે. દૂ: એટલે દૂર અને અવમ્ એટલે નજીક લાવે તે. દૂર રહેલા ગણેશને ભક્તો નજીક લાવે તે દૂર્વા છે. ચારે યુગમાં તેમના ચાર અવતારોનું ભવિષ્ય પુરાણમાં વર્ણન છે. સતયુગમાં કશ્યપ અને અદિતિના ઘરે તેમનો જન્મ થયો અને આ અવતારમાં તેઓએ દેવાન્તક અને નરાન્તક રાક્ષસોને મારી નાખીને ધર્મપરિત્રાણ કર્યું. ત્રેતાયુગમાં ઉમાના પેટે ભાદરવા સુદ ચોથે ગણેશના નામે જન્મ લીધો.
આ અવતારમાં તેઓએ સિંધુ દૈત્યને નાશ કર્યો અને બ્રહ્મદેવની કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે વિવાહ કર્યો. દ્વાપર યુગમાં ફરી પાર્વતીના પેટે જન્મ લીધો, પણ જન્મથી કદરૂપા હોવાથી તેમને વનમાં મૂકી દીધા અને પરાશર મુનિએ તેમનો ઉછેર કર્યો. આ ગણેશે સિંદુરાસુરનો વધ કરીને તેણે બંદી બનાવેલા અનેક રાજાઓને મુક્ત કર્યા. આ જ અવતારમાં ગણેશે વરેણ્ય નામના પોતાના ભક્તને ગણેશગીતાના રૂપમાં શાશ્વત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. કળિયુગમાં ધૂમકેતુ અથવા ધૂમ્રવર્ણ નામનો ગણપતિનો ચોથો અવતાર થવાનો છે અને તેઓ દુર્જનોનો નાશ કરવાના છે એવું ભવિષ્ય પુરાણમાં વર્ણન છે.
ભાદરવા સુદ ચોથના દિવસે તેમની પૂજા-ઉપાસના ઘરે ઘરે જોવા મળે છે. ગણેશોત્સવની ઉજવણીનો આરંભ મહારાષ્ટ્રના રાષ્ટ્રીય નેતા બાલ ગંગાધર ટિળકે કર્યો હતો. લોકો એકત્ર થાય, તેમનામાં ધર્મભાવના અને રાષ્ટ્રભાવના વધે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ ઉત્સવ આજે સમગ્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં જ્યાં પણ ભારતીયો જઇ વસ્યા છે ત્યાં સુધી તેના ઉમંગ-ઉલ્લાસ પહોંચ્યા છે. ગણેશ-ચતુર્થીના ગણેશજીનું સ્થાપન કરીને દોઢ દિવસથી માંડીને દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે.