વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમ. આમ વસંત પંચમી વર્ષનો શ્રેષ્ઠ અને પૂર્ણ દિવસ છે.
શા માટે વિશેષ મહત્ત્વ?
ભારતીય સમયગણના પ્રમાણે ચન્દ્ર માસનો મહા માસ, તેમાં વધતા ચન્દ્રના (સુદ) પખવાડિયાની પાંચમી તિથિ એટલે કે મહા સુદ પાંચમનો દિવસ સહુથી પવિત્ર માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસથી ઋતુઓની રાણી કહેવાતી વસંત ઋતુનો આરંભ થાય છે. વસંતને ઋતુઓની રાણી અમસ્તી કહેવામાં આવી નથી. શ્રીમદ્ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું એટલે કે આ ઋતુ સ્વયં ભગવાન જેવી શ્રેષ્ઠ અને પવિત્ર છે. વળી આપણી સમયગણના પ્રમાણેના પચાંગમાં પાંચમની તિથિને પૂર્ણા કહેવાઈ છે. આ તિથિ સ્વયંપૂર્ણ છે. શ્રેષ્ઠ પવિત્ર ઋતુ અને સ્વયં તિથિ હોય તો એ દિવસનું મહત્ત્વ સ્વાભાવિક જ અદકેરું રહેવાનું. આથી જ આપણા સમાજમાં વસંત પંચમીનું પર્વ સૌથી મહત્ત્વનું ગણાય છે અને તેને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
સર્વ રીતે શ્રેયસ્કર અને શ્રેષ્ઠ હોવાથી આપણી સંસ્કૃતિમાં ધર્મશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અધ્યાત્મ, કલા, શિક્ષણ તથા વિદ્યાની ઉપાસના માટે વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આપણે ત્યાં બારેય ચંદ્ર માસના નામ નક્ષત્ર ઉપરથી આવ્યા છે. કૃત્તિકા નક્ષત્ર ઉપરથી કારતક એમ મઘા નક્ષત્ર ઉપરથી માઘ (મહા). માઘ માસની મહત્તા દર્શાવવા લોકભાષામાં મહા નામ પ્રચલિત છે. જ્યોતિષશાસ્ત્રમાં વસંત પચંમીનો દિવસ વધુ શુભ મનાય છે. આમ છતાં ગુરુ અને શુક્રનો લોપ (અસ્ત) હોય ત્યારે વિવાહ, વાસ્તુ અને જનોઈ મુહુર્ત હોતા નથી.
વસંત પંચમીના દિવસે હમેશાં મીન રાશિમાં ચંદ્ર હોય છે. કાલિકા પુરાણમાં જણાવ્યા મુજબ મહાદેવની તપશ્રર્યાનો બંગ કરવા માટે બ્રહ્માએ કામદેવનું સર્જન કર્યું. કામદેવે એક સહાયકની માગણી કરી બ્રહ્માજીએ નિઃશ્વાસ મૂક્યો. આ નિઃશ્વાસમાંથી વસંતદેવનો જન્મ થયો. આમ વસંત પંચમી એટલે કામદેવના સહાયક વસંતદેવનો જન્મદિવસ. મહાદેવનું તપોભંગ કરવા જતાં કામદેવ ભસ્મીભૂત થયા. કામદેવની પત્ની રતિ તથા દેવોની પ્રાર્થનાથી મહાદેવે કામદેવને સજીવન કર્યા, પરંતુ કોઈ પણ અંગ વિના. ‘અનંગ’ તરીકે.
ખેડૂત ભાઈઓમાં કહેવત છે કે ‘મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો’ હોય તે સારી બાબત છે. એટલે કે મહા માસમાં વાદળ હોય તે સારી નિશાની છે. આ વાદળ મેઘગર્ભનું સૂચન કરે છે. એ પછી ચૈત્ર માસ નિર્મળ, વાદળા વિનાનો ચોખ્ખો હોય તે આગામી ચોમાસા માટે આવકારદાયક ગણાય.
વસંતનું આગમન
ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતના આગમનની છડી પોકારતો દિવસ. વસંત ઋતુમાં જમીનના તળનું પાણી વનસ્પતિને નવપલ્લિત કરે છે. પંજાબમાં વસંત પંચમીના દિવસે મેળાઓ યોજાય છે. તામિલનાડુના શિવ મંદિરોમાં કામદહનના ઉત્સવ ઉજવાય છે. ગુજરાતમાં કામદહન ઉત્સવની પ્રથા નથી. વૈષ્ણવ મંદિરોમાં લાલજીને ‘વાસંતી’ વાઘા પહેરાવાય છે. લાલજીની સાથે સાથે કામદેવ. રતિ તથા વસંતનું પૂજન થાય છે. વસંત પંચમીના દિવસને શ્રી પંચમી મદન પંચમી તથા સરસ્વતી પંચમી પણ કહે છે.
મહા સરસ્વતી દેવી વિદ્યા, વિવેક, ઞ્જાન, સંગીત, લલિતકળાઓના અધિષ્ઠાત્રી છે. આજે તેમનો જન્મદિવસ મનાવાય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ વિક્રમ સંવત ૧૮૮૨ (ઇસ્વી સન ૧૮૨૬) મહા સુદ પાંચમને દિવસે પૂર્ણ સ્વરૂપે તૈયાર થયેલો તેથી વસંત પંચમીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતી કહે છે. વસંત પંચમી સચ્ચિદાનંદ સંપ્રદાયના આચાર્ય સુંદરસાહેબ જન્મદિવસ પણ છે.
શાસ્ત્રોક્ત પૂજનવિધિ
વસંત પંચમીએ વસંત, કામ અને અર્થનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. અને ત્રણેયનો આધાર મા સરસ્વતી ઉપર રહેલો છે. તેથી આ દિવસે સરસ્વતીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવે છે. પૂજામાં માતાની કૃપા મેળવવા માટે શુદ્ધ તથા પવિત્ર આસન હોવું અનિવાર્ય છે. ત્યારપછી પૂજા સામગ્રીનું પણ અનિવાર્ય મહત્ત્વ છે. વસંત પંચમીના દિવસે પ્રાતઃ કાળે ઊઠીને તલ અથવા કોપરાનું તેલ અને ચણાના લોટનું મિશ્રણ કરી ઉબટન બનાવો. આખા શરીરે ઉબટન લગાવી લો અને બરાબર માલિશ કરો. ત્યારપછી સ્નાન કરી લો. ત્યારપછી સ્વચ્છ પીતાંબર પહેરી લો. હવે ઉત્તમ વેદી પર વસ્ત્ર પાથરો અને અક્ષત ચોખા વડે અષ્ટદલ (આઠ પાંખડીવાળું) કમળ બનાવો. તેના અગ્રભાગ પર ગણેશજીની સ્થાપના કરો. પૃષ્ઠ એટલે કે પાછલના ભાગે વસંતની સ્થાપના કરો. (ઘઉં અને જુવારના જ્વારા ઉગાડીને તેને જળભરેલા તાંબાના લોટામાં ઊભા સંસ્થાપિત કરવાથી વસંતની રચના થાય છે)
ગણેશજી અને વસંતની સ્થાપના કર્યા પછી ગણેશજીની પૂજા કરી લો. ત્યારપછી પાછળ સ્થાપિત કરેલા વસંતના માધ્યમથી રતિ અને કામદેવની પૂજા કરી લો. પૂજા વિધિ માટે તેમનું મન સ્મરણ કરીને પુષ્પ અર્પણ કરવા.
શાસ્ત્રોમાં વિધાન છે કે વસંત પંચમીએ વિષ્ણુપૂજનનું પણ મહત્ત્વ છે. કળશની સ્થાપના કરીને ગણેશ, સૂર્ય, વિષ્ણુ તથા મહાદેવની પૂજા પણ કરી શકાય. ત્યારપછી વીણાવાદિની મા સરસ્વતિની પૂજા અવશ્ય કરવી જોઈએ.