મહા સુદ પાંચમ (આ વર્ષે ૧૦ ફેબ્રુઆરી)નો દિવસ એટલે કે વસંતપંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ. આપણે ત્યાં વ્યક્તિના જીવનમાં સુખસમૃદ્ધિનું આગમન થાય છે, વ્યક્તિ બે પાંદડે થાય છે ત્યારે લોકો કહે છે કે તેના જીવનમાં વસંત આવી છે. અને જ્યારે માનવીના જીવનમાંથી સુખસમૃદ્ધિ ઓછાં થાય છે, સંપત્તિ ઓછી થાય છે ત્યારે લોકો કહે છે કે તેના જીવનમાં પાનખર બેઠી છે. આમ હિન્દુ સંસ્કૃતિમાં પરાપૂર્વથી વસંતને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે.
પૃથ્વી પરનાં માનવજીવન, પ્રાણીજીવન તથા વનસ્પતિજીવનમાં આવતા ચઢાવ-ઉતારને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે તેવો સ્પષ્ટ ખ્યાલ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે. પ્રકૃતિના આ સિદ્ધાંતોને સમજવા આપણાં પૂર્વજોએ વિશેષ પ્રયત્નો કર્યા. જેમાં સારી સફ્ળતા પણ મેળવી. સૂર્ય- ચંદ્રની વિવિધ ગતિ-સ્થિતિનો અભ્યાસ એટલે ખગોળશાસ્ત્ર. સૂર્ય-ચંદ્રની વિવિધ પ્રકારની ગતિ- સ્થિતિની પૃથ્વીના માનવજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનમાં થતી અસરોનો અભ્યાસ એટલે જ્યોતિષ શાસ્ત્ર.
ભારતીય સંસ્કૃતિમાં મહા માસની સુદ પાંચમનો પવિત્ર દિવસ એટલે વસંતપંચમીનું પર્વ. ભારતીય સંસ્કૃતિમાં ધર્મશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અધ્યાત્મ, કલા, શિક્ષણ તથા વિદ્યાની ઉપાસના માટે વસંતપંચમીનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે ત્યાં બારેય ચંદ્રમાસના નામ નક્ષત્ર ઉપરથી આવ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. પંચાંગમાં પાંચમ તિથિ એટલે પૂર્ણા તિથિ છે.
કૃતિકા નક્ષત્ર ઉપરથી કારતક, મૃગશીર્ષ ઉપરથી માગશર એમ મઘા નક્ષત્ર ઉપરથી માઘ માસનું નામ રાખેલ છે. માઘ માસની મહત્તા દર્શાવવા લોક ભાષામાં મહા નામ પ્રચલિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં વસંતપંચમીનો દિવસ વધુ શુભ મનાય છે. આમ છતાં ગુરુ અને શુક્રનો લોપ (અસ્ત) હોય ત્યારે વિવાહ, વાસ્તુ અને જનોઇના મુહૂર્ત હોતા નથી. વસંતપંચમીના દિવસે ચંદ્ર હંમેશાં મીન રાશિમાં હોય છે.
‘કાલિકાપુરાણ’માં જણાવ્યા મુજબ મહાદેવની તપશ્ચર્યાનો ભંગ કરવા માટે બ્રહ્માએ કામદેવનું સર્જન કર્યું. કામદેવે એક સહાયકની માગણી કરી. બ્રહ્માજીએ નિઃશ્વાસ મૂક્યો. આ નિઃશ્વાસમાંથી વસંતદેવનો જન્મ થયો. આમ વસંતપંચમી એટલે કામદેવના સહાયક વસંતદેવનો જન્મદિવસ. મહાદેવનું તપોભંગ કરવા જતાં કામદેવ ભસ્મીભૂત થયા. કામદેવની પત્ની રતિ તથા દેવોની પ્રાર્થનાથી મહાદેવે કામદેવને સજીવન કર્યા, પરંતુ કોઇ પણ અંગ વિના – ‘અનંગ’ તરીકે.
આપણા ખેડૂત ભાઇઓમાં કહેવત છે કે ‘મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો’ હોય તે સારી બાબત છે. એટલે કે મહા માસમાં વાદળ હોય તે સારી નિશાની છે. આ વાદળ મેઘગર્ભનું સૂચન કરે છે. અને ચૈત્ર માસ નિર્મળ - વાદળા વિનાનો - ચોખ્ખો હોય તે આગામી ચોમાસા માટે આવકારદાયક ગણાય.
ઋતુચર્યા મુજબ વસંતપંચમી એટલે વસંતના આગમનની છડી પોકારતો દિવસ. વસંત ઋતુમાં જમીનના તળનું પાણી વનસ્પતિને નવપલ્લવિત કરે છે. પંજાબમાં વસંતપંચમીના દિવસે મેળાઓ યોજાય છે. તામિલનાડુના શિવ મંદિરોમાં કામદહનના ઉત્સવ ઉજવાય છે. ગુજરાત સહિત વિશ્વભરના વૈષ્ણવ મંદિરોમાં લાલજીને ‘વાસંતી’ વાઘા પહેરાવાય છે. લાલજીની સાથે સાથે કામદેવ, રતિ તથા વસંતનું પૂજન થાય છે.
વસંતપંચમીના દિવસને શ્રી પંચમી, મદનપંચમી તથા સરસ્વતિપંચમી પણ કહે છે. સરસ્વતિ દેવી વિદ્યા, વિવેક, જ્ઞાન, સંગીત, લલિત કલાઓનાં અધિષ્ઠાત્રી છે. આ પર્વ તેમનો જન્મદિવસ મનાય છે.
વસંત પંચમીના દિવસનું સાંસ્કૃતિક મહત્ત્વ
• સ્વામિનારાયણ સંપ્રદાયનો પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ વિક્રમ સંવત ૧૮૮૨ (ઇસ્વી સન ૧૮૨૬) મહા સુદ પાંચમને દિવસે પૂર્ણ સ્વરૂપે તૈયાર થયેલી તેથી વસંતપંચમી એટલે શિક્ષાપત્રી જયંતી.
• સચ્ચિદાનંદ સંપ્રદાયના આચાર્ય સુંદરસાહેબનો જન્મદિવસ.
• સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ.
• બીએપીએસ મંદિર-દિલ્હી અને મહેળાવ મુકામે પાટોત્સવ. અટલાદરામાં સમૈયો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી મુકામે સ્વામિનારાયણ મંદિરમાં સમૈયો.
• કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીનો પાટોત્સવ – ઉંઝા.
• સમસ્ત માંડલિયા રાવલ વિપ્ર પરિવારોના કુળદેવી ખંભલાવ્ય માતાજીનો પાટોત્સવ, માંડલ (જિ. અમદાવાદ).
• રબારી માલધારી સમાજના પૂજનીય ચેહર ભવાની (કેસર ભવાની)નો પાટોત્સવ.
• વૈષ્ણવ મંદિર શ્રી મદન મોહનજી (પોરબંદર)નો પાટોત્સવ.