દૈવી શક્તિના આસુરી શક્તિ પરના વિજયનો દિન એટલે દશેરા (આ વર્ષે 5 ઓક્ટોબર). અનેક મહાત્માઓએ આ દિવસે વિજય મેળવ્યો અને દશમી વિજયાદશમી બની ગઈ. આ દિવસે દુષ્ટતાના પ્રતીક જેવા રાવણના પૂતળાને ઠેર ઠેર બાળવામાં આવે છે જે અસત્ય સામે સત્યનો વિજય દર્શાવે છે. આ તિથિએ દુર્ગામાતા ઉપરાંત અનેક શૂર અને વીર માનવીઓએ, વિજય મેળવેલો હોવાથી કે વિજય પ્રાપ્ત કરવાનું મુહૂર્ત તે દિવસે કરેલું હોવાથી ‘વિજયાદશમી’ એ અત્યંત સુયોગ્ય નામ છે. શ્રી રામચંદ્રજીએ રાવણ પર વિજય મેળવવા આ દિવસે પ્રસ્થાન કર્યું હતું.
દશમી દશહરા નામે ઓળખાઈ. પાંડવોને શમીવૃક્ષ પર વિજય મેળવ્યો. છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબને પરાજિત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું. ઔરંગઝેબને ત્રાહિમામ્ પોકારાવી હિંદુ ધર્મની રક્ષા કરી. આમ આ દિવસ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. નવરાત્રિને અંતે આવતી વિજયાદશમીને દિવસે દુર્ગામાતા-જગદંબાએ મહિષાસુર ઉપર વિજય મેળવ્યો એટલે એ વિજયાદશમી કહેવાઈ.
શમીપૂજન પાછળ પણ એક કથા છે. વિશ્વજિત યજ્ઞ કરી સર્વસ્વનું દાન કરી ચૂકેલા રઘુરાજા પાસે જ્યારે વરતન્તુ શિષ્ય કૌત્સ પોતાના ગુરુને દક્ષિણા આપવા માટે ૧૪ કરોડ સુવર્ણ મુદ્રાઓ પ્રાપ્ત કરવા આવ્યો ત્યારે તે સમયે તેમની પાસે કશું નહોતું. આમ છતાં પણ દાન ધર્મભાવવાળા રઘુરાજાએ ધનપ્રાપ્તિ માટેના પ્રયાસ માટે થોડો સમય માંગતાં કૌત્સને ત્રણ દિવસ માટે રોકાઈ જવાની વિનંતી કરી. દાનાર્થે ધનપ્રાપ્તિ માટે ઇન્દ્ર પર ચડાઈ કરીને રઘુરાજાએ ધન મેળવવાની જે પેરવી કરી તેનો ઇન્દ્રને ખ્યાલ આવ્યો અને પોતાના ભંડારી કુબેરી પાસે રાજાનો ખજાનો ભરાવી દીધો. આમાંથી ૧૪ કોટિ સુવર્ણ મુદ્રા કૌત્સ ગુરુદક્ષિણા આપવા માટે લઈ ગયો. બાકીના ધનનો ગામ બહાર આવેલા શમીવૃક્ષ નીચે ઢગલો કરાવીને તે ધન પ્રજાજનો પાસે લુંટાવ્યું, તે દિવસ દશેરાનો હતો. આથી જ આજે પણ લોકો દશેરાને દિવસે શમીપૂજન કરીને તેનાં પાંદડાંને સોનું ગણીને લૂંટે છે અને બીજાને આપે પણ છે.
યોગાનુયોગ આ જ રામના રાજ્યભિષેકનો દિવસ અને આ જ દિવસે એમનું વનપ્રસ્થાન પણ થયું. ત્યારબાદ સીતાજીને છોડવ્યાં તે પણ આ જ દિવસે. આપણી દશ ઇન્દ્રિયો રાવણમાં વિકૃત સ્વરૂપે હતી. તેથી રાવણનો સંહાર કરીને તથા ઇન્દ્રિયો પર વિજય મેળવીને તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.
ભારતમાં આજે પણ નવરાત્રિ પર્વ દરમિયાન ઠેર ઠેર રામલીલા થાય છે, ને દસમા દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. દિલ્હી અને વારાણસી પાસે ગંગાની પેલે પાર આવેલા રામનગરમાં ભજવાતી રામલીલા ખરેખર અદ્ભૂત હોય છે. દુષ્ટ વ્યક્તિના પ્રતીકરૂપે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. આમ તો માણસમાત્રમાં રામ અને રાવણ વસે છે. તેઓ ક્યારેક સંઘર્ષનો માગ અપનાવે છે. કોઈનામાં રામ વધારે અને રાવણ ઓછો તો કોઈનામાં રાવણ વધારે ને રામ ઓછા જોવા મળે છે.
વિજયાદશમીએ થતાં શુભ પ્રસ્થાન અંગે શાસ્ત્રોમાં પણ કેટલાંક વર્ણનો છે. શુભ કાર્યોની શરૂઆત માટે ઉત્તમ મનાતા આ દિવસે પાછલા પહોરે શમીપૂજન કરવું. જયની ઇચ્છાવાળાઓએ ગામનો સીમાડો આ દિવસે ઓળંગવો. શમીના મૂળની તથા દિક્પાલોની હૃદયપૂર્વક પૂજા કરવી. સૂર્યવંશી રાજા રામચંદ્રનું ધ્યાન ધરવું, પ્રજાજનોને બક્ષિસ આપીને પ્રસન્ન કરવા. વિદ્યાર્થીઓએ પણ વિદ્યાની આરાધના કરતાં કરતાં દિવસો પસાર કરવા. આળસ અને અજ્ઞાન ત્યજીને કલમની પૂજા કરવી. આ રીતે સાચી આરાધના થાય.
આપણે પણ અજ્ઞાન અને આળસને બાળીને નવા જીવનની શરૂઆત કરીએ. શ્રી રામે તો રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, પણ આપણે વિદ્યાર્થીઓએ તો પોતાની અંદર વસતા રાવણ સામે યુદ્ધ કરવાનું છે. આ થાય તો જ વિજયાદશમીની ખરી ઉજવણી કરી કહેવાય.
દશેરા એટલે ભક્તિ અને શક્તિનો પવિત્ર દિવસ. દઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે જ દશેરા. શૌર્ય, વીરતા અને પરાક્રમના ત્રિવેણી સંગમ જેવા આ દશેરાને આપણે ખૂબ જ માણીએ.