વિશ્વંભરી સ્તુતિ

નવરાત્રિવિશેષ (26 સપ્ટેમ્બર - 5 ઓક્ટોબર)

Sunday 25th September 2022 04:17 EDT
 
 

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યોગ તણો બળાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી ભરેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.
રે રે ભવાની બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

શીખે સુણે રસિક છંદ જે એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી! ભવ દુઃખ કાપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter