વિશ્વના પ્રથમ સ્થપતિઃ ભગવાન વિશ્વકર્માજી

Tuesday 04th February 2025 11:30 EST
 
 

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી થોડે દૂર ઈલોરાની પ્રાચીન પ્રાચીન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ જેમણે ધ્યાનથી જોઈ હશે એમને ખબર હશે કે, આ ગુફાઓ પૈકીની ગુફા નંબર દસમાં વિશ્વકર્માજીની એક વિશાળ પ્રતિમા છે. આથી આ ગુફા શિલ્પીઓ અને સલાટો માટે તીર્થસ્થળ જેવી મનાય છે. તેઓ અહીં નિયમિત રીતે આ ગુફાઓને જોવા તથા અભ્યાસ કરવા હેતુ આવે છે. મહા સુદ તેરસ (આ વર્ષે 10 ફેબ્રુઆરી) એટલે વિશ્વના પ્રથમ સ્થપતિ એવા વિશ્વકર્માજીની જન્મજયંતી. આ દિવસે પૃથુ રાજા સન્મુખ વિશ્વકર્માજી અવતર્યા હોવાથી ભારતના વિવિધ પ્રાંતોમાં આ દિવસ ‘વિશ્વકર્મા જયંતી’ તરીકે ખૂબ ઉત્સાહથી ઊજવાય છે.
આપણાં અગત્યના પુરાણો પૈકીના એક એવા ‘વિષ્ણુપુરાણ’ના પહેલા અંશમાં વિશ્વકર્માજીને દેવતાઓના શિલ્પકાર તરીકે સ્વીકારીને, તેઓને શિલ્પાવતારના રૂપમાં સન્માન અપાયું છે. આપણાં શિલ્પગ્રંથોમાં વિશ્વકર્માજીને સૃષ્ટિના કર્તા કહેવાયા છે. તો ‘સ્કંદપુરાણ’માં તેઓને દેવભવનોના મહાન નિર્માતા કહેવાયા છે. આપણી પ્રાચીન માન્યતાઓ તો ત્યાં સુધી કહે છે કે, વિશ્વકર્માજી શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર પણ માર્ગનું નિર્માણ કરી શકતા હતા. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં મળતા ઉલ્લેખ મુજબ કહેવાય છે કે, સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જવાળાઓનો સંહાર પણ વિશ્વકર્માજીએ કર્યો જ હતો. માન્યતા છે કે, તેઓ પૃથુ રાજા પાસે વૃદ્ધ અવસ્થામાં પ્રગટ થયા હતા એટલે તેઓ વૃદ્ધ કાયામાં જોવા મળે છે. તેઓ હંસ ઉપર બિરાજમાન છે અને સર્વસૃષ્ટિના ધરતા છે તથા તેઓ શુભ મુકુટ ધારણ કરે છે અને તેમના ચાર હાથોમાં અનુક્રમે કંબાસૂત્ર, જલપાત્ર. પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરેલા જોવા મળે છે.
ભગવાન વિશ્વકર્માને આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય તરીકેની પ્રતિષ્ઠા મળેલી છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમને ઓળખીએ છીએ. એક માન્યતા અનુસાર તેઓ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથમાં પ્રગટ થયા હતા અને આ તેઓનો બીજો અવતાર હતો. મહાભારતની કથા અનુસાર, તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વળી, વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ‘ત્વષ્ટા’ તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્માજીના દસ અવતારો થયા હોવાની પણ માન્યતા પ્રવર્તે છે.
તેઓ વાસ્તુશાસ્ત્ર અને માનવના જીવન માટેના ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા પણ કહેવાય છે. વૈદિક દેવતાના રૂપમાં માન્ય એવા વિશ્વકર્માજીનું પૌરાણિક સ્વરૂપ ઘણું અલગ છે. સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક એવા વિશ્વકર્માજી વાસ્તુના અઢાર ઉપદેશકોમાં પ્રમુખ છે.
વિશ્વના સૌથી પ્રથમ શિલ્પગ્રંથો ‘વિશ્વકર્મીય ગ્રંથો’ વિશ્વકર્માના મતોના જીવંત ગ્રંથ તરીકે આજે પણ એટલા જ ઉપકારક છે. દક્ષિણ અને ઉત્તર એમ બે શૈલીના આ ગ્રંથોમાં માત્ર વાસ્તુશાસ્ત્ર જ નહીં, પરંતુ રથ બનાવવા, રત્નોની જાણકારી મેળવવી, રત્નોનો ઉપયોગ કરવો વગેરેનું જ્ઞાન સમાયેલું છે. વિશ્વકર્મા દેવોના સ્થપતિ ગણાય છે. તેઓએ સ્વયં બહ્મા પાસેથી વાસ્તુવિદ્યાનું જ્ઞાન મેળવ્યું હતું.
સૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ વિશ્વકર્માજી ઓળખાય છે. એક મત અનુસાર, આઠમા વસુ પ્રભાસ ઋષિ તેઓના પિતા હતા તો માતા દેવગુરુ બૃહસ્પતિના બહેન યોગસિદ્ધિ હતાં. એ રીતે જોઈએ તો વિશ્વકર્મા બૃહસ્પતિના ભાણેજ થયા કહેવાય. દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા વિશ્વકર્માજી ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ પણ ગણાય છે. તેઓ સર્વ દેવોના આચાર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ કહેવાય છે.
સૃષ્ટિના સર્જનમાં તેઓનું બહુ મોટું પ્રદાન છે. તેઓ સર્વ કલાઓના જનક ગણાય છે. શિલ્પકલા, સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદનિર્માણકલા જેવી તમામ કલા વિશ્વકર્માને જ આભારી છે. તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણથી લઇને દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે. પુષ્પક વિમાનનું નિર્માણ પણ તેમણે જ કર્યાનું મનાય છે. ઈન્દ્ર, યમ, વરુણ વગેરે માટે વિશાળ સભાઓનું નિર્માણ પણ તેઓ દ્વારા જ કરાયું હતું. પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ વિશ્વકર્માજીના હાથે થયાનું મનાય છે. વિશ્વકર્માજીએ જ શિવજીની કૈલાસપુરી અને ઇન્દ્રની અમરાવતીનું નિર્માણ કર્યું હતું. શ્રીકૃષ્ણના કહેવાથી વૃંદાવનની રચના પણ વિશ્વકર્માએ જ કરી હતી. કહેવાય છે કે, નલ-નીલ તેમના અંશાવતાર હતા, જેઓએ પ્રભુ શ્રીરામ માટે રામેશ્વર પાસે સેતુબંધનું નિર્માણ કર્યું હતું. વિશ્વકર્માએ સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી પર અનેક રચનાઓ કરી છે. દેવો માટે સ્વર્ગની રચના, ઇન્દ્ર માટે ઇન્દ્રાસનનું નિર્માણ, અર્જુન માટે ગાંડીવનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યાનું શાસ્ત્રો અને પુરાણો કહે છે.
કહેવાય છે કે, પ્રહલાદના પુત્રી વિરોચના દેવી સાથે વિશ્વકર્માજીના લગ્ન થયા હતા. જગતના કલ્યાણ અર્થે તેઓએ મનુ (લુહાર), મય (સુથાર), ત્વષ્ટા (કંસારા), શિલ્પી (કડિયા) અને દેવજ્ઞ (સોની) એમ પાંચ પુત્રો ઉત્પન્ન કરેલા. વાસ્તુ તેઓનો દત્તક પુત્ર હતો અને જગતને કન્યાદાનનું મહત્ત્વ સમજાવવા તેઓએ પોતાના હાથની હથેળીઓ ઘસીને રત્નાદેવી, બર્હિસ્મતિ, ચિત્રાંગદા અને કસેરુ નામે ચાર પુત્રીઓ ઉત્પન્ન કરેલી. વિશ્વકર્માએ પૃથ્વી પર નદીઓ, સરોવરો, તળાવ, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી. વિવિધ કામો અને વિવિધ ઓજારો બનાવવાની કળા પણ તેમણે જ જગતને સૌથી પહેલા શીખવી હતી.
તેઓ માતાની કૂખેથી જમ્યા નહોતા એવો મત પણ છે. દંતકથા અનુસાર માયા દેવીએ ઈંડાનું સર્જન કર્યું. 1000 વર્ષ પાણીમાં રહ્યા પછી એમાંથી વિશ્વકર્મા બહાર આવ્યા હતા. બીજી કથા અનુસાર કશ્યય ઋષિએ દક્ષ પ્રજાપતિને તેર પુત્રી પરણાવી અને તેમના જે પુત્રો થયા તે ‘સૂર્યો’ કહેવાયા. આ સૂર્યોમાં સૌથી મોટા ઇન્દ્ર, બીજા મનુ અને ત્રીજા ‘ત્વષ્ટ્રા’ એટલે કે વિશ્વકર્મા થયેલા. એક વખત દેવ-દૈત્યોના યુદ્ધમાં શિવજી અને અંધક નામના રાક્ષસ વચ્ચે ભીષણ યુદ્ધ થયેલું. જેમાં બન્નેના પરસેવામાંથી વિકરાળ કાયા ધરાવતો પુરુષ ઉત્પન્ન થયેલો. જેનાથી ગભરાયેલા બન્ને પક્ષ બચવા માટે વિશ્વકર્મા પાસે જાય છે. જેથી વિશ્વકર્મા એ વિકરાળ આકૃતિને ‘વાસ્તુ’ નામ આપીને, દત્તક લઈ પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. આજે આપણે નવા મકાનનું નિર્માણ કરીએ છીએ ત્યારે જે ‘વાસ્તુપૂજન’ કરીએ છીએ, એ આ ‘વાસ્તુ’ની યાદમાં જ કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter