આખરે વેલેન્ટાઈન ડે નજીક આવી ગયો છે અને દરેક જણ પોતાના સ્નેહીજન માટે શેની ખરીદી કરવી તે વિચારવામાં વ્યસ્ત છે. આ ઉત્સવ સેન્ટ વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી સંતની શહીદીની યાદમાં ઉજવાય છે. પ્રેમ અને મિત્રતાની લાગણીઓને ઉજવતો આ આંતરરાષ્ટ્રીય તહેવાર છે.
વર્તમાનમાં ઉજવાતા આ ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહ્યું નથી. આજે વેલેન્ટાઈન ડે ધર્મનિરપેક્ષતા અને વૈશ્વિક વિશિષ્ટતાનો પર્યાય બની રહ્યો છે અને તમામ સંપ્રદાય અને કોમ્યુનિટીના લોકો તેને ઉજવે છે. વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં ધ્યાન ખેંચતું પરિબળ એ છે કે તેમાં માત્ર રોમાન્ટિક પ્રેમ સુધી સીમિત નહિ રહેતા તમામ પ્રકારના પ્રેમની ઉજવણી કરાય છે. આથી, લોકો તેમના પેરન્ટ્સ, શિક્ષકો, ભાઈબહેનો, મિત્રો, સ્વીટહાર્ટ્સ અથવા તેમની નિકટ રહેલા કોઈ પણ વ્યક્તિ સાથે ગ્રીટિંગ્સ-શુભેચ્છાની આપ-લે કરે છે. વેલેન્ટાઈન ડે આમ તો આપણા પરિવારો, મિત્રો અને રોમાન્ટિક પાર્ટનર્સ માટે પ્રેમ, સ્નેહ અને કાળજી દર્શાવવાનો પ્રસંગ છે પરંતુ, આજે તેમાંથી પરિવારો અને મિત્રોની બાદબાકી થઈ ગઈ છે અને માત્ર પ્રેમીજનો રહી ગયા છે.
આ ઉત્સવનો આરંભ ઈસુની ત્રીજી સદીમાં રોમમાં વસતા પાદરી વેલેન્ટાઈનની સાથે થાય છે. તે સમયે રોમમાં સમ્રાટ ક્લોડિયસ બીજાનું શાસન હતું. સમ્રાટને વિશાળ સૈન્ય બનાવવું હતું અને તેમાં પુરુષો જોડાય તેવો તેનો આગ્રહ હોવાથી વેલેન્ટાઈનને તે પસંદ ન હતો. ઘણા પુરુષો પોતાની પત્નીઓ અને પરિવારોને પાછળ રાખી યુદ્ધોમાં લડવા જવા ઈચ્છતા ન હતા પરિણામે, ઘણા લોકો સૈન્યમાં જોડાયા નહિ. આનાથી રોષે ભરાયેલા સમ્રાટને વિચિત્ર વિચાર આવ્યો કે જો પુરુષો લગ્ન જ ન કરે તો તેમને લશ્યરમાં જોડાવામાં કોઈ વાંધો કે વિરોધ હોઈ શકે નહિ. તેણે દેશમાં નવા લગ્નો યોજવાની પરવાનગી નહિ આપવાનો નિર્ણય કર્યો. દેશના યુવાનોને આ નવો કાયદો ક્રૂર અને મૂર્ખામીપૂર્ણ લાગ્યો. વેલેન્ટાઈન પાદરી હોવાથી તેનું કામ યુવાન યુગલોના લગ્ન કરાવવાનું હતું. સમ્રાટ ક્લોડિયસ બીજાએ પોતાનો આ કાયદો પસાર કરાવ્યા પછી પણ વેલેન્ટાઈને ગુપ્ત રીતે લગ્નો કરાવવાનું ચાલુ જ રાખ્યું. તે દંપતીઓને મિણબત્તીથી પ્રકાશિત નાના રુમ્સમાં લઈ જતો જ્યાં તેઓ લગ્નવિધિના શબ્દોનો ધીમો ઉચ્ચાર કરતા હતા. આની સાથે જ કોઈ પણ ક્ષણે આવીને તેમની ધરપકડ કરી શકે તેવા સૈનિકોના પદચાપ સાંભળવા કાન સરવા રાખતા હતા.
વેલેન્ટાઈન એક દિવસે પકડાઈ જતા તેમને જેલમાં પૂરવામા આવ્યા અને તેમને મોતની સજા કરાશે તેમ કહી પણ દેવાયું. આ પછી તો ઘણા યુવા લોકો પાદરીની મુલાકાત લેવા જેલમાં આવતા હતા. તેઓ જેલની બારીના સળિયામાંથી પાદરી પર પુષ્પો અને ચીઠ્ઠીઓ ફેંકતા હતા. ઈતિહાસ કહે છે કે પુરુષો અને સ્ત્રીઓ પણ તેઓ પ્રેમમાં માનતા હોવાની જાણ વેલેન્ટાઈનને થાય તેમ ઈચ્છતા હતા. તેમની મુલાકાત લેનારી એક યુવા મહિલા પ્રિઝન ગાર્ડની દીકરી હતી. તેણે વેલેન્ટાઈનનો ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરી હતી. સમ્રાટની અવગણના કરી ગુપ્ત લગ્નો કરાવવામાં વેલેન્ટાઈને યોગ્ય જ કર્યું હતું તેમાં તે સહમત હતી. એક દિવસે વેલેન્ટાઈને તેની આ સ્ત્રીમિત્રને તેની મિત્રતા અને વફાદારી બદલ આભાર વ્યક્ત કરતી ચીઠ્ઠી મોકલી હતી. વેલેન્ટાઈને તેના પર સહી કરી હતી કે, ‘લવ ફ્રોમ યોર વેલેન્ટાઈન’.
વેલેન્ટાઈનના વીરોચિત મૃત્યુ પછી ધર્મગુરુ પોપે 14 ફેબ્રુઆરીનો દિવસ મુદુહૃદયી સંત વેલેન્ટાઈનને યાદ રાખવા માટે જાહેર કર્યો હતો. આજે વેલેન્ટાઈન્સ ડે પ્રેમની ઉજવણીનું પ્રતીક અને આપણા સ્નેહીજનો માટે વિવિધ પ્રકારની ભેટો ખરીદવામાં અઢળક નાણા ખર્ચવાનો દિવસ બની ગયો છે.
વાસ્તવમાં, વેલેન્ટાઈન્સ ડે આનંદિત રહેવાનો અને તમે જેમને પ્રેમ કરતા હો અને કાળજી-પરવા રાખતા હો તેમની સાથે વીતાવવાનો છે.
વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ તેની આ કથા છે.