સંવત ૨૦૭૨ પોષ સુદ પૂનમ (આ વર્ષે ૨૩ જાન્યુઆરી) એટલે માતા અંબાજીનો પ્રાગટ્યદિવસ. શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતા આ મંગલ દિને પુનર્વસુ અને પુષ્પ નક્ષત્રનો સુભગ સમન્વય રચાયો છે. આ દિવસે પૂર્ણિમાનો ચંદ્ર ૧૬ કળાએ ખીલશે અને ભાવિક ભક્તો મંત્રો દ્વારા મા અંબાની આરાધના, ઉપાસના કરીને અનેક પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મેળવશે.
ગુજરાતના મિની તિરુપતિ સમાન પવિત્ર તીર્થધામ અંબાજીમાં પોષ સુદ પૂનમના રોજ ભવ્ય જલસો યોજાયો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. લાખો ભક્તો માનાં દર્શન કરી ચમત્કારિક રીતે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મેળવે છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતી એક માત્ર શક્તિપીઠ છે.
શક્તિપીઠમાં હૃદયસમાન અંબાજી
મા આંબાનાં પ્રાગટયના પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે બે કથા મુખ્ય છે. આમાંથી એક કથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞાનું આયોજન કર્યું હતું. આ યજ્ઞામાં બધા દેવોને નિમંત્રણ આપ્યું હતું, પણ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાને ત્યાં યજ્ઞા છે તેવા સમાચાર સંભાળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી-દેવી પિતાને ત્યાં પહોંચી ગયાં. પિતાને ત્યાં યોજાયેલા મહાયજ્ઞામાં ભગવાન શિવને આમંત્રણ ન આપતાં અને પિતાને મોઢે પતિ શંકરની નિંદા સાંભળતાં તેમણે યજ્ઞાકુંડમાં પડી પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે અંતર્દષ્ટિથી સતિ-દેવીનો નિશ્ચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘૂમવા લાગ્યા. શિવજીના પ્રકોપથી આખી સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ શિવને પ્રસન્ન કરી પોતાનાં ચક્રથી સતીનાં શરીરના ભાગો પૃથ્વી પર વેરાવી દીધા. સતીના દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયાં, તે બાવન સ્થળ એક એક શક્તિપીઠ તેમ જ ભૈરવના સ્વરૂપમાં સ્થિર રહ્યાં.
ચૂડામણી તંત્રમાં આ બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આરાસુર અંબાજીમાં મા સતીનો હૃદયનો ભાગ પડયો હતો, ભાગવતમાં ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણની માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુર અંબાજીનાં સ્થળે થઈ હતી અને એ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીનાં સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યાં હતાં.
આ મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. અત્યારનું સ્થાનિક મંદિર ૧૨૦૦ વર્ષ પુરાણું જણાય છે. ગુજરાત સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.
બીજી કથા પ્રમાણે, અંબાજી માતાનો પ્રાગટયદિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આસો અને ચૈત્રી નવરાત્રિ તો ખરી જ પરંતુ પોષ સુદ પૂનમ અગાઉ અષ્ટમીથી પૂનમ સુધી માતાજીના ઉપાસકો નવરાત્રિ પર્વ તરીકે મનાવી આરાધના કરે છે. આ દિવસો દરમિયાન માતાજીના ભક્તો (શાક્ત ઉપાસકો) માત્ર શાકભાજી સિવાય કંઈ આરોગતા નથી. અંબાજી મંદિરમાં શાકોત્સવ માતાજીના પ્રાગટ્ય દિવસે મનાવાય છે. જેમાં વિવિધ શાકભાજી, ફળો, પકવાન સહિત ભાવતા ભોજનનો અન્નકૂટ ભાવપૂર્વક રીતે માતાજીને ધરાવાય છે.
અંબાજીમાં ભવ્ય જલસો
પોષી પૂનમે આદ્યશક્તિ અંબાજી માતાના પ્રાગટય દિનની ભજવ્ય ઊજવણી થાય છે. શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સમિતિ સમગ્ર આયોજન થાય છે. જેમાં સવારે સાત વાગે ધજા અને માતાજીનાં શસ્ત્રો સાથે માઇભક્તો માતાજીના મૂળ સ્થાન ગબ્બર સ્થાનકે અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈ આવે છે. જ્યાં ઉપસ્થિત હજારો ભાવિકો મા અંબાના જયઘોષ સાથે તેને વધાવી લે છે. આ પછી મા અંબાની નગરયાત્રા શરૂ થાય છે. શક્તિદ્વારથી શણગારેલી બગીમાં માતાજીની છબી સાથે જ્યોત અને હાથી ઉપર માતાજીની પ્રતિમાને બિરાજમાન કરીને ધામધૂમથી ગામના રાજમાર્ગો ઉપર પરિક્રમા કરાવાય છે. આમ માતાજી સાક્ષાત્ ભક્તોને દર્શન આપવા નીકળે છે.
સોનાથી સુશોભિત બનેલા માતાજીના મંદિરને આ દિવસે રોશનીથી ઝગમગાવાય છે. રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવે છે. ઢોલ-નગારા, બેન્ડવાજા, રાજસ્થાનના ઘૂમર નૃત્ય સાથે માતાજીની શાહી સવારી ભક્તોના માનસમાં યાદગાર સંભારણા તરીકે અંકિત થઈ જાય છે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે સુખડીનો પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવે છે.
૫૧ શક્તિપીઠ
• હિંગળાજ માતા - કરાચી (પાકિસ્તાન) • નૈનાદેવી મંદિર - બિલાસપુર (હિમાચલ પ્રદેશ) • સુનંદા - બાંગ્લાદેશ • મહામાયા - પહલગાંવ (કાશ્મીર) • જ્વાલાજી (અંબિકા) - કાંગડા (હિમાચલ પ્રદેશ) • ત્રિપુર માલિની - જલંધર (પંજાબ) • અંબાજી - આરાસુર, અંબાજી (ગુજરાત) • મહાશિરા - પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ) • દાક્ષાયની - માનસરોવર (કૈલાસ) • વિમલા - ઉત્કલ (ઓડિશા) • ગંડકી ચંડી - પોખરા (નેપાળ) • દેવી બાહુલા - પશ્ચિમ બંગાળ • મંગલ ચંદ્રિકા - પશ્ચિમ બંગાળ • ત્રિપુરસુંદરી - ત્રિપુરા • ભવાની - બાંગ્લાદેશ • ભ્રામરી - પશ્ચિમ બંગાળ • કામાખ્યા - ગુવાહાટી (આસામ) • જુગાડયા - પશ્ચિમ બંગાળ • કાલીપીઠ - કોલકતા • લલિતા- અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) • જયંતી - બાંગ્લાદેશ • વિમલા મુકુટ - પશ્ચિમ બંગાળ • મણિકર્ણી - વારાણસી (ઉત્તર પ્રદેશ) • શ્રવણી - તામિલનાડુ • સાવિત્રી - હરિયાણા • ગાયત્રી - અજમેર (રાજસ્થાન) • મહાલક્ષ્મી - બાંગ્લાદેશ • કાંચી - પશ્ચિમ બંગાળ • કાલી - મધ્ય પ્રદેશ • નર્મદા - અમરકંટક (મધ્ય પ્રદેશ) • શિવાની - ઉત્તર પ્રદેશ • ઉમા - ઉત્તર પ્રદેશ • નારાયણી- તામિલનાડુ • વારાહી - ગુજરાત • અર્પણ - બાંગ્લાદેશ • શ્રી સુંદરી - આંધ્ર પ્રદેશ • કપાલીની - પશ્ચિમ બંગાળ • ચંદ્રભાગા - પ્રભાસ, સોમનાથ (ગુજરાત) • અવંતિ - ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) • ભ્રામરી - નાસિક (મહારાષ્ટ્ર) • વિશ્વેશ્વરી - આંધ્ર પ્રદેશ • રત્નાવલી - પશ્ચિમ બંગાળ • અંબિકા - ભરતપુર(રાજસ્થાન) • મિથિલા - ભારત-નેપાળ બોર્ડર • નલહાટી - પશ્ચિમ બંગાળ • જયદુર્ગા - અજ્ઞાત • મહિષર્મિદની - પશ્ચિમ બંગાળ • યશોરેશ્વરી - બાંગ્લાદેશ • ફુલ્લરા - પશ્ચિમ બંગાળ • નંદિની - પશ્ચિમ બંગાળ • ઇન્દ્રક્ષી - શ્રીલંકા