ફાગણ સુદ તેરસ (આ વર્ષે 16 માર્ચ)નો દિવસ એટલે જૈનો માટે મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રાનો પાવન દિવસ. આ પાવન દિવસે લાખોની સંખ્યામાં ભાવકો આ ગિરિરાજને છ ગાઉની વિશાળ પ્રદક્ષિણા યાત્રા કરે છે.
જૈન પરંપરામાં શત્રુંજય ગિરિરાજ શાશ્વત તીર્થ છે. આ પાવન ગિરિરાજના સ્પર્શમાત્રથી જીવ ભવ્ય છે, એ સમજાય છે. ગિરિરાજની છઠ કરીને સાત યાત્રા અર્થાત્ બે ઉપવાસ કરીને સાત યાત્રા કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. દર વર્ષે હજારો આરાધકો અતિ કઠિન છઠ કરીને સાત યાત્રાની સાધના કરે છે. ગિરિરાજની નવ્વાણું યાત્રાનાં આરાધકો પણ દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં હોય છે.
છ ગાઉની યાત્રાનો ક્રમ આ પ્રમાણે છે. તળેટીથી ચડતાં ચડતાં શ્રી આદિનાથ દાદાના દર્શન કર્યા પછી પાછા રામપોળ આવી ત્યાંથી દેવકીષટ્નંદનની દેરીમાં પગલાંના દર્શન કરી પશ્ચિમ બાજુ જવાય છે. જ્યાં લાંબો અને ઊંચો-નીચો પર્વતીય રસ્તો છે. ત્યાંથી આગળ ઉલખાકુંડ (ઉલકા કુંડ) પાસે શ્રી ઋષભદેવ પ્રભુનાં પગલાં છે. બાજુમાં એક પોલાણ છે. પૂર્વે દાદાનું નમણ જળ અહીં જમીનમાંથી લેવામાં આવતું હતું એવું કહેવાય છે. આગળ વધતાં ચિલ્લણ તળાવડી આવે છે. ત્યાં શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં પગલાં છે. લોકોક્તિ અનુસાર શ્રી નંદિષેણ મુનિવરે દર્શનાર્થીઓને આશાતના ન થાય તે માટે ‘અજિત-શાંતિ સ્તવ’ની રચના કરી હતી. સ્તવના પ્રભાવથી સામ-સામે રહેલી દેરી આજુબાજુમાં આવી ગઇ હતી. ગિરિરાજ શ્રી શત્રુંજયનો અપૂર્વ મહિમા છે. અનેકાનેક કથા આ ગિરિરાજ સાથે સંકળાયેલી છે, પરંતુ આપણે છ ગાઉની યાત્રા અંતર્ગત આવતા બે પાવન સ્થાનો - ચિલ્લણ તળાવડી અને ભાડવાજીના ડુંગરની કથા જોઈએ.
ચિલ્લણ તળાવડીનો ઈતિહાસ છે કે ગણધર શ્રી સુધર્માસ્વામીજીના શિષ્ય લબ્ધિધારી મહાતપસ્વી શ્રી ચિલ્લણ મુનિવર છ’રી પાલક સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરતાં અહીં પધારે છે. કાળઝાળ ગરમીનાં કારણે સમસ્ત સંઘ તૃષાતુર થાય છે. મહાતપસ્વી શ્રી ચિલ્લણ મુનિવરનાં તપના પ્રભાવે અહીં સરોવર પ્રગટ થાય છે. આ સરોવર ચિલ્લણ તળાવડી તરીકે વિખ્યાત છે. સૌ યાત્રિકો અહીં કાઉસગ્ગ સાધના કે ધ્યાન સાધના કરે છે. અહીંથી આગળ જતાં ભાડવાજીનો ડુંગર આવે છે.
ભાડવાજીના પર્વત પરથી શ્રીકૃષ્ણના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્નને ફાગણ સુદ તેરસના પાવન દિવસે સાડા આઠ કરોડ મુનિવરો સાથે મોક્ષની પ્રાપ્ત થઇ હતી અને તેઓ સિદ્ધિપદને પામ્યા. પૂર્વે આ પર્વતનું નામ સદ્ભદ્ર હતું. આજે એ ભાડવાજી તરીકે વિખ્યાત છે. ત્યાં શાંબ અને પ્રદ્યુમ્નના પગલાં છે. છ ગાઉની યાત્રાનો મહિમા વિશેષરૂપે ભાડવાજીના ડુંગરને આભારી છે.
ભાડવાજીના ડુંગરથી નીચે સિદ્ધવડ તરફ ઊતરાય છે, જ્યાં ‘શ્રી ઋષભદેવ પરમાત્મા’ની ચરણપાદુકા છે. અહીં આ પાવન યાત્રા પરિપૂર્ણ થાય છે. જે શત્રુંજય જઈ શકતાં નથી તેઓ ધોળકા સ્થિત કલિકુંડ તીર્થમાં સ્થાપિત શત્રુંજય તીર્થ તથા મુંબઇ પાસે શાહપુર તીર્થ આદિની યાત્રા કરે છે.
યાત્રા કર્યાં પછી શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ‘પાલ’નું આયોજન થાય છે. પાલ એટલે સર્વ યાત્રિકોની ભોજન દ્વારા વિશિષ્ટ ભક્તિ. અનેક જૈનો અને જૈન સંઘો ઉદાર હૈયે સર્વ યાત્રિકોની સુંદર ભક્તિ કરે છે. આ દિવસે દહીં-થેપલાંની ભક્તિ વિશેષ થતી હોવાથી આને ‘થેપલાં તેરસ’ પણ કહેવાય છે. છ ગાઉની યાત્રા માટે સંપૂર્ણ ભારતમાંથી તો લાખો જૈનો આવે જ છે, સાથે સાથે વિદેશથી પણ અનેક જૈનો ખાસ આ ફાગણફેરીની યાત્રા કરવા આવે છે.