શરદપૂનમની રઢિયાળી રાત

Wednesday 16th October 2024 03:00 EDT
 
 

જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા ‘શરદ પૂર્ણિમા’નું પર્વ આપે છે. જ્યોતિર્મય અને અમૃત સમી શીતળ ચાંદની રેલાવતા ચંદ્રદેવ પાસે આપણી પ્રાર્થના હોયઃ તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય... (અંધારામાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમૃત ભણી લઈ જા). ઋગ્વેદમાં પણ ચંદ્રમા પાસે ઈન્દ્રદેવ માટે અમૃત વરસાવવાની યાચના કરાઈ છેઃ ‘ઈન્દ્રાય ઈન્દો પરિસ્ત્રવ’. આપણા વૈદિક ઋષિઓએ જેના આધારે સમગ્ર સૃષ્ટિ ટકી રહી છે એવાં કુદરતનાં ચંદ્ર, સૂર્ય, જળ, વાયુ જેવા તત્વોને દેવોનું સ્વરૂપ આપ્યું. બીજના ચંદ્રનાં દર્શન-પૂજન પણ મંગલકારી મનાયાં. ચંદ્ર-સૂર્ય તો પ્રકાશપૂંજ પરમાત્માનાં સ્વરૂપો છે. જીવનમાં સૂર્યની ઉષ્ણ ઊર્જા (ઉષ્મા) પર જોઈએ અને ચંદ્રની શીળી આહલાદક ચાંદની પણ જોઈએ. પ્રકાશનાં આવાં બંને સ્વરૂપોના સેવનથી જીવન જ્યોત ઝળહળી ઊઠે.
કલાધર ચંદ્રમા શરદપૂનમ (આ વર્ષે 16 ઓક્ટોબર)ની રાત્રે પૂર્ણ માત્રામાં, સોળેય કળાઓથી ખીલીને ગગનમંડળમાં અને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવીને નવેય ખંડને અજવાળી મૂકે છે. ચંદ્રની સોળ કળા એટલે ચંદ્રના સોળ પ્રકારના કિરણો અને તેની શીતળ શક્તિઓ - ચંદ્રિકા, કાન્તિ, જ્યોત્સના, શ્રી, અમૃતા વગેરે એની સોળ કળાઓ છે. એવી ચાંદની (કૌમુદી)માં સ્નાન કરીને પ્રકૃતિ હસી રહે છે. જળાશયોમાં કુમુદ જેવાં પુષ્પો ખીલી ઊઠે છે. આવી રઢિયાળી રાતે સૌંદર્ય અને કલાથી મઢેલી કુદરતની કવિતા રચાય છે. ગગનમંડળની ગાગરડી રચાય છે, પરંતુ શરદપૂનમની ચાંદનીમાં મધરાત સુધી પણ સ્નાન કરવાનું, ચાંદનીનું અમૃત પીવાનું આપણે ભૂલતાં જઈએ છીએ.
કાકાસાહેબ કાલેલકર કહે છે કે ‘શરદપૂનમ એ કુદરતનું કાવ્ય અનુભવવાનો દિવસ છે. આ દિવસે લક્ષ્મીજી બધે ફરે છે. લક્ષ્મી એટલે ધનદોલત નહીં, પણ નિસર્ગની શોભા... તારાઓ વચ્ચે વિરાજતા ચંદ્રની શોભા અને એના ચાંદરણાની હૃદય ઉપર થતી જાદુઇ અસર.’ ચંદ્ર તો અમૃત આપનાર છે, તેથી જ તે ‘સુધાંશુ’ કે ‘સુધાકર’ કહેવાય છે. ચંદ્ર કિરણોનો એવો પ્રભાવ છે કે એના સ્પર્શથી સર્વત્ર ચૈતન્ય વ્યાપે છે. શરદપૂનમના પૂર્ણ ચંદ્રનાં કિરણોના સેવનથી શરીરથી અને વ્યાધિઓ શમી જાય છે.
વળી, આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે, એનાં કિરણોનો પ્રભાવ વધી જાય છે. આ કારણે જ સમુદ્રમાં પૂનમે મોટી ભરતી આવે છે. સમુદ્ર ઉછળી ઉછળીને ચંદ્રમાને ચૂમવા જાણે અધીરો બને છે. શરદપૂનમની ચાંદનીના સિંચનથી વનસ્પતિમાં આયુર્વેદિક ઔષધિય ગુણો પ્રગટે છે. ચંદ્ર તો ઔષધિઓ (વનસ્પતિઓ)નો સ્વામી ગણાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ગીતામાં કહે છેઃ પુષ્ણામિ ઔષધિઃ સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ અર્થાત્ ‘હું ચંદ્ર (સોમ) બની બધી વનસ્પતિને પુષ્ટ કરીને, તેમને ઓસડ જેવી ગુણકારી બનાવી દઉં છું. શરદપૂનમની રાતે સોયમાં સો વાર દોરો પરોવીએ તો અંધાપો ન આવે, એવી પણ માન્યતા છે.
ચંદ્ર નિસ્તેજ થઈ જાય તો આખી સૃષ્ટિ નિષ્પ્રાણ, ચેતનહીન બની જાય એવી પુરાણકથા છે. દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓનાં લગ્ન ચંદ્ર સાથે થયાં. ચંદ્ર રોહિણી ઉપર વિશેષ પ્રેમ રાખતો અને બીજી કન્યાઓની ઉપેક્ષા કરતો, એ જાણીને ગુસ્સે થયેલા દક્ષે જમાઈરાજ ચંદ્રને ક્ષયરોગી થવાનો શાપ આપ્યો, તેથી ચંદ્ર નિસ્તેજ થઈ ગયો. અમૃતસમા કિરણોના અભાવથી સમગ્ર સંસાર નિષ્પ્રાણ જેવો થઈ ગયો. અંતે ચંદ્રે સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં આવી, શિવજીને પ્રસન્ન કરીને, શુક્લ પક્ષમાં પ્રકાશવાનું વરદાન મેળવ્યું. શિવજીએ પણ ચંદ્ર-કિરણોનો પ્રભાવ અનુભવી ચંદ્ર (સોમ)ને મસ્તકે સ્થાન આપ્યું. શિવજી ‘ચંદ્રમૌલીશ્વર’ કે ‘સોમનાથ’ બની ગયા. ખગોળશાસ્ત્ર પ્રમાણે દક્ષની આ 27 કન્યાઓ તે 27 નક્ષત્રો છે. ચંદ્ર-નક્ષત્ર-તારાઓનું આ ભ્રમણ તાલ-લયબદ્ધ ચાલ્યા કરે છે. શરદપૂનમની નિરવ શાંતિમાં બ્રહ્માંડનું આ સંગીત કાન દઈને સાંભળીએ તો એમાં બ્રહ્મનાદની અનુભૂતિ થાય. ચંદ્રની સોળેય કલાઓ ખીલી હોય, એવી શરદપૂનમની રાત તો રાસ-ગરબા, ગીત-સંગીત અને કવિતા જેવી અનેક કલાઓની અભિવ્યક્તિનો રૂડો અવસર બની રહે છે.
નવરાત્રિનું મહાપર્વ શરદપૂનમે શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા સાથે જોડાય છે. શરદપૂર્ણિમાની ચાંદનીભરી મદભરી રાતે શ્રીકૃષ્ણ વૃંદાવનમાં યમુનાતટે વાંસળી વગાડે છે. વ્રજની ગોપીઓને મન શ્રીકૃષ્ણ તો આંખલડીના ચંદ્રતારક છે. તેથી ગોપીઓ ત્યાં દોડી આવે છે. શ્રીકૃષ્ણ ગોપીઓનો રાસ રચાય છે. આજે પણ શરદપૂર્ણિમાની નારીઓ સોળેય શણગાર સજીને ચાંદરણા પાથરેલી ધરતી ઉપર રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.
‘શરદપૂનમની રાતડી, ચંદ્ર ચઢ્યો આકાશ રે,
મારા વ્હાલે રમાડ્યા રાસ રે...’
શરદપૂનમની રાતે સમુદ્રની છીપલીનું જળ ચંદ્રકિરણોના સ્પર્શથી મોતી બની જાય છે, તેથી આ પૂનમ ‘માણેકઠારી’ તરીકે પણ ઓળખાય છે. આ પૂનમે રાત્રે લક્ષ્મીપૂજન કરીને જાગરણ કરાતું હોવાથી તે ‘કોજાગરી’ પણ કહેવાય છે. માતાજીનું પ્રાગટ્ય પૂનમે થયેલું, તેથી તેમનાં દર્શન કરવા માઈભક્તો અંબાજી-બહુચરાજી જેવા સ્થાનકોએ ઊમટી પડે છે, માતાજીના માંડવી સાથેના ગરબા પણ કઢાય છે. છ ઋતુઓમાં નીતર્યાં સૌંદર્યની શરદઋતુ તો શ્રેષ્ઠ ગણાઈ છે. તેથી ‘શતમ્ જીવમ્ શરદઃ’ એમ સો વર્ષ જીવવાના આશીર્વાદ અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter