શિવ આરાધનાનું મહાપર્વ ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ સુદ એકમ (આ વર્ષે ૨૧ જુલાઇથી) થયો છે જ્યારે પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસ (આ વર્ષે ૧૯ ઓગસ્ટ)ના રોજ થશે. શ્રાવણ માસના આરાધ્ય દેવ ભગવાન શિવજી-મહાદેવજી છે. ભગવાન શિવ એ શુદ્ધ જ્ઞાનના દેવ છે. પ્રાણાયામ અને શ્વાસ ઉચ્છ્વાસ સાથે સંકળાયેલ સ્વરોદયશાસ્ત્ર - સ્વર વિજ્ઞાનના પ્રણેતા ભગવાન શિવજી ગણાય છે.
ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રમાસના પ્રયોજનમાં ખગોળ-આકાર સ્થિતિનો મુખ્ય આધાર છે. ૨૭ નક્ષત્રો પૈકી ૧૨ નક્ષત્રોને આધારે ચંદ્રમાસનાં નામ અપાયા છે. જેમ કે, (૧) કારતક-કૃતિકા, (૨) માગશર-મૃગશિર્ષ, (૩) પોષ-પુષ્ય, (૪) માઘ-મઘા, (૫) ફાગણ-ઉત્તરા ફાલ્ગુની (૬) ચૈત્ર-ચિત્રા, (૭) વૈશાખ-વિશાખા, (૮) જેઠ-જયેષ્ઠા, (૯) અષાઢ-ઉત્તરાષાઢા, (૧૦) શ્રાવણ-શ્રવણ, (૧૧) ભાદરવો-ઉત્તરા ભાદ્રપદ અને (૧૨) આસો-અશ્વિની નામકરણ. આમ, શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસ નામકરણ થયું છે. આ નામકરણ પાછળ શુદ્ધ ગણિત અને ખગોળીય સ્થિતિનું રહસ્ય છે. શ્રાવણ માસ દરમિયાન રાત્રિના સમયે શ્રવણ નક્ષત્ર સતત હાજરી પુરાવે છે. જો આકાશ સાફ-સ્વચ્છ હોય તો શ્રવણ નક્ષત્રનો નજારો માણવા મળી શકે છે.
ઋતુચક્ર સાથે પર્વ-તહેવારોની સુસંગતતા જળવાઈ રહે તે હેતુથી ભારતીય પંચાંગ પદ્ધતિમાં અધિક માસનું પ્રયોજન છે. તેથી શ્રાવણ માસ ચોમાસાના મધ્ય ભાગમાં જ આવે છે. આ મહિનો આરોગ્યની વિશેષ કાળજી લેવા માટે છે. વરસાદી માહોલને કારણે લોકોની અન્ય પ્રવૃત્તિઓ - પ્રવાસ ઓછાં હોય છે. પાચનશક્તિ મંદ પડે છે તેથી ઉપવાસનું આગવું મહત્ત્વ છે. આરોગ્યને ઉપવાસ સાથે ગાઢ સંબંધ છે એ તો આધુનિક વિજ્ઞાનમાં પણ સાબિત થઇ ચૂક્યું છે. અષાઢ વદ અમાસ (આ વર્ષે ૨૦ જુલાઇ)થી કારતક સુદ અગિયારસ - દેવ ઊઠી એકાદશી - તુલસી વિવાહ (આ વર્ષે ૨૬ નવેમ્બર) દરમિયાનના ૧૦૦ દિવસ આરાધના કરવા યોગ્ય બની રહે છે. આ દિવસોમાં પણ શ્રાવણ માસના ૩૦ દિવસ તો ધર્મશાસ્ત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
શિવપૂજાનું વિશેષ મહત્ત્વ
શ્રાવણ માસના દરેક સોમવારે શિવપૂજાની વિશિષ્ટ પદ્ધતિ અને આગવું મહત્ત્વ જોવા મળે છે. આપણે શ્રાવણ માસના દરેક સોમવાર અનુસાર જોઇએ તો,
• પ્રથમ સોમવારે ચોખા (ડાંગર)થી • બીજા સોમવારે તલથી (ખાસ કરીને કાળા તલથી) • ત્રીજા સોમવારે મગથી અને • ચોથા સોમવારે જવથી શિવપૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. મોટે ભાગે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે પરંતુ ક્યારેક પાંચ સોમવાર હોય છે. આ સમયે પાંચમા - છેલ્લા સોમવારે સત્તુ (સાથવા)થી શિવપૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. પંચાંગ ગણિત મુજબ પાંચ સોમવાર હોય છે ત્યારે મોટા ભાગે સોમવતી અમાસ હોય છે તેથી તે દિવસે શિવપૂજાનું મહત્ત્વ ખાસ વધી જાય છે.
શ્રાવણમાં અન્ય વારનું મહાત્મ્ય
પવિત્ર શ્રાવણ માસમાં દરેક રવિવારે આદિત્ય પૂજનનું મહત્ત્વ છે. સૂર્યનારાયણની ભક્તિ અને પૂજા કરવાથી માનવીને આરોગ્ય અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. દરેક મંગળવારે મંગળાગૌરી પૂજનનો મહિમા છે. જેમાં ખાસ કરીને પાર્વતીજીની પૂજા કરાય છે. આ પ્રથા સમાજમાં નારીને-સ્ત્રીવર્ગને આદરથી જોવાનો સંદેશ આપે છે. દર બુધવારે બુધ પૂજન (વિષ્ણુ પૂજન)નો ખૂબ મહિમા છે. પવિત્ર શ્રાવણ માસના પ્રત્યેક ગુરુવારે બૃહસ્પતિ પૂજન-ગુરુના ગ્રહની ભક્તિ કરવાનો સંદેશ છે. જે જ્ઞાન, વિદ્યા અને સાચી સમજ સાથે સંતાનસુખની પણ વૃદ્ધિ કરનાર છે. દર શુક્રવારે જીવંતિકા પૂજનનો મહિમા છે. સ્ત્રીઓ પોતાના સંતાનની રક્ષા-શુભ ભાવના માટે લાલ અથવા ગુલાબી વસ્ત્ર પરિધાન કરે છે. શ્રાવણના દર શનિવારે અશ્વસ્થ મારુતિ પૂજન એટલે કે હનુમાનજીની પૂજા-અર્ચનાનો મહિમા છે.
આમ, વ્યક્તિ શ્રાવણ માસમાં દરેક પ્રકારની ભક્તિ કરીને પોતાના ધર્મ, અર્થ(સમૃદ્ધિ) અને આરોગ્યની વૃદ્ધિ માટે સાત્ત્વિક પ્રયત્નો કરે છે.
શ્રાવણ માસની પૂનમને આપણે બધા રક્ષાબંધન (આ વર્ષે ૩ ઓગસ્ટ) અથવા નાળિયેરી પૂનમ નામથી પણ ઓળખીએ છીએ. આ પૂનમ દરિયાખેડુઓ માટે તથા સમગ્ર સમાજજીવનમાં મહત્ત્વનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના પહેલા રવિવારે (આ વર્ષે ૨૬ જુલાઇ) ‘વીરપસલી’નું પર્વ મનાવવામાં આવે છે. આ પર્વે ભાઈ પોતાની બહેનને ખરા અર્થમાં આર્થિક સહયોગ અને શુભેચ્છા પાઠવીને મદદરૂપ થતા હોય છે. જોકે હવે ‘વીરપસલી’નું પર્વ વિસરાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રને વનસ્પતિ, ખેતીવાડી, બાગાયત, કૃષિ ઉપજ સાથે ગાઢ સંબંધ છે. તેથી શ્રાવણ માસમાં જળાશય શુદ્ધિના કાર્ય અને જળસંચય પર વિશેષ ભાર મૂકાયો છે.