આપણા શાસ્ત્રોમાં વડવાઓને પૂજનીય ગણાવતા કહેવાયું છે - પિતૃ દેવાય નમઃ આપણે પૂર્વજો - પિતૃઓના જીવનપર્યન્ત ઋણી છીએ – જેમણે આપણને આ શરીર આપ્યું. આથી આપણે ભૌતિક જીવનના સુખો ભોગવી શકીએ છીએ. આ પિતૃ દેવોનું શ્રદ્ધામય સ્મરણ પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. ભાદરવા વદ એકમથી અમાસ (આ વર્ષે 11થી 25 સપ્ટેમ્બર) સુધીનાં પખવાડિયાના આ દિવસોને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
ધર્મશાસ્ત્રોમાં સૈકાઓથી શાસ્ત્રોક્ત વિધિથી પિતૃતર્પણ માટે શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે. સ્વર્ગીય આત્માઓની મુક્તિ માટે કરાતી પવિત્ર ક્રિયાને સંસ્કારયુક્ત આચરણ અને આદર સાથે અર્પણ કરવાની અંજલિને શ્રાદ્ધ કહે છે. મૃત્યુના સોળ સંસ્કાર છે જેમાં પિતૃશ્રાદ્ધને સોળમા સંસ્કાર કહે છે. ટૂંકમાંથી કહીએ તો, શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ.
આપણા પિતૃઓની મૃત્યુતિથિ અનુસાર તે દિવસે યાદ કરીને તેમના પુત્રો-પુત્રી દ્વારા ઘરના છાપરે ચડીને ઘઉંની ઘી વાળી ભાખરી કે પૂરી દૂધમાં ચોળીને ત્રણ વખત ખોંખારા ખાઈ પોતાના મૃત, માતા-પિતા, ભાઈ, બહેનને યાદ કરીને કાગ - કાગ બોલી અર્પણ કરાય છે તેને કાગવાસ કહે છે. ગરુડ પુરાણમાં કાગડાને પિતૃઓના પ્રતિનિધિ કહેવામાં આવે છે. કાગડામાં ટેલીપથીને કારણે સામેના વિચારો જાણી લેવાની અદભૂત શક્તિ હોય છે. મૃત વ્યક્તિના પ્રાણસૂત્રને તે ઓળખે છે. આથી કાગવાસ નાંખવામાં આવે છે. ત્યારબાદ ગાય - કૂતરાને પણ પ્રેમથી ખવડાવી, કુટુંબના સભ્યો સાથે બેસીને જમે છે. આ સિવાય તે દિવસે યથાશક્તિ દાન-પૂણ્ય-કિર્તન કરી મૃતક સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.
શ્રાદ્ધ કરવાથી આપણા પૂર્વજો અને નજીકના પિતૃઓ પૂર્ણ સંતુષ્ટ અને શાંતિ પામે છે. પ્રસન્ન થયેલા પૂર્વજો પોતાના વંશજોને સુઆરોગ્ય, વેદાધ્યયન, સંતતિ વિસ્તાર, ધનધાન્યની પરિપૂર્ણતા, દીર્ઘાયુ, તેજશક્તિ અને બળપ્રદાન કરી, સુખી જીવન પરત્વે અભિમુખ કરે છે. સહુ કોઇ હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે પિતૃદેવ, અમને યાચનારાઓ પ્રાપ્ત થતા રહે, પરંતુ અમે કોઈનેય ન જ યાચીએ, તેવી અમારી પર કૃપા વરસાવો.
શ્રાદ્ધના 11 પ્રકાર
આરોગ્યની દ્રષ્ટિએ ભાદરવા મહિનામાં પિત્તપ્રકોપ વધે છે. આથી ખીર (દૂધ-ખાંડ) ખાવાથી તેમનું શમન ઘટે છે. આ દૃષ્ટિએ પણ શ્રાદ્ધ પર્વ મહત્ત્વનું છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના અગિયાર પ્રકાર દર્શાવેલ છે જેમ કે નિત્ય શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સંપિડન શ્રાદ્ધ, પાર્વણ શ્રાદ્ધ, ગોષ્ઠ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, ઔપચારિક શ્રાદ્ધ અને સાંવત્સરિક શ્રાદ્ધ. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી જ્યારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર પ્રસિદ્ધ છે.
શ્રાદ્ધની શ્રદ્ધેયતાના પ્રમાણ
આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ માતા કુંતિ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડુનું શ્રાદ્ધ, શ્રીરામ દ્વારા પિતાનું શ્રાદ્ધ, જટાયુનું શ્રાદ્ધ તર્પણ, સુગ્રીવ દ્વારા વાલીનું શ્રાદ્ધ, વિભીષણ દ્વારા રાવણનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હોવાના ઉલ્લેખ જોવા મળે છે જે શ્રાદ્ધની શ્રદ્ધેયતા પ્રમાણ છે. પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા અખિલ બ્રહ્માંડનો નાથ નરસિંહનું રૂપ લઈને ભક્તનું કાર્ય સિદ્ધ કર્યું.
આપણા પૂર્વજો આપણા માટે અનેક સુખ-સુવિધાઓ કે જે તેમણે ભોગવી નથી તે છોડીને ગયા છે. પિતૃઓ હંમેશા વંદનીય સ્મરણીય હોય છે તેમની શીખ - ગુણો આદર્શો મુજબ આપણે જીવીએ છીએ ખરા? આ અંગે આત્મચિંતન કરવાનું આ પર્વ છે. તેમની સ્મૃતિઓ, યાદગીરી, પ્રેરણાત્મક સબક યાદ કરીને આપણે આચરણમાં મૂકી આગલી પેઢીને શીખ આપવાની છે. ક્યારેક કોઇ કુટુંબ કે વ્યક્તિ પર આફત - મુશ્કેલી આવી પડે છે ત્યારે એક વર્ગ શંકા - કુશંકા વ્યક્ત કરીને ગેરમાન્યતા કેળવી લેતો જોવા મળે છે કે આને તો પિતૃઓ નડે છે. આપણા પિતૃઓ - વડવાઓ માટે આવો નકારાત્મક ભાવ? આવી ગેરમાન્યતા? આવો અભિગમ નરી અંધશ્રદ્ધાથી વિશેષ કંઇ જ નથી. આપણી વચ્ચેથી વિદાય લઇ ગયેલા સ્વજનો - પિતૃઓ ક્યારેક કોઈને નડતા નથી. તેઓ તો હયાત હોય છે ત્યારે પણ અને આપણી વચ્ચેથી વિદાય લઇ લીધા બાદ પણ કૃપા - દયા વરસાવતા જ રહેતા હોય છે. કુટુંબ હોય કે વ્યક્તિ તેના પર આવી પડતી મુશ્કેલી - આફત માટે તેના પોતાના જ કર્મો - વાણી - વર્તન - વ્યવહાર - સ્વભાવ જવાબદાર હોય છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ કરીએ છીએ તે આવકાર્ય છે, પરંતુ સાચું પિતૃ તર્પણ તો એ છે કે હયાત મા-બાપ અને પરિવારના વડીલોને માન-પાન આપીએ, તેમની ઇચ્છાઓને સાકાર કરીએ, તેમને આપણો સમય આપીએ.