પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ આપે છે. ‘શ્રાદ્ધ એટલે મન, વચન તથા શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓની શાંતિ માટે કરવામાં આવતું શુભકાર્ય.’ ઘણા લોકોની માન્યતા એવી પણ છે કે કોઈ કારણસર કોઈના પિતૃઓની દુર્ગતિ થઈ હો તો શ્રાદ્ધપક્ષમાં ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાથી તેમના પિતૃઓનું શ્રાદ્ધ કે પિંડદાન કરવામાં આવે તો તેમના પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય છે.
પણ આ શ્રાદ્ધ છે શું? દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધપક્ષને શરાદિયાં અથવા પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જેમનાં પિતૃઓ કૈલાસવાસી થયા હોય તેઓના આત્માની શાંતિ માટે આ માસમાં પૂજાવિધિ, શ્રાદ્ધ, તર્પણ તથા પિંડદાન કરવામાં આવે છે.
શ્રાદ્ધ કુલ ૧૫ દિવસનાં હોય છે. ભાદરવા વદ એકમ (આ વર્ષે ૭ સપ્ટેમ્બર)થી લઈને ભાદરવા વદ અમાસ (આ વર્ષે ૨૦ સપ્ટેમ્બર) સુધીના સમયને શ્રાદ્ધપક્ષ કે શરાદિયાં કહેવામાં આવે છે. શ્રાદ્ધ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે જેમના સંતાનો બાલ્યાવસ્થામાં શ્રીજીચરણ પામ્યાં હોય તેઓના આત્માની શાંતિ માટે બારસનું બાળાભોળાનું શ્રાદ્ધ, નોમના શ્રાદ્ધને વૃદ્ધા નોમનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. પાંચમના શ્રાદ્ધને ભરણીનું શ્રાદ્ધ, છઠ્ઠના શ્રાદ્ધને કૃતિકા શ્રાદ્ધ કહેવામાં આવે છે. બારસના શ્રાદ્ધને સંન્યાસીઓના શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તેરસના શ્રાદ્ધને મઘા શ્રાદ્ધ કહેવામાં આવે છે. અકસ્માતે કે અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાઓ માટે ચૌદશનું શ્રાદ્ધ અને છેલ્લે જાણે અજાણે કે ભૂલેચૂકે કોઈપણ પિતૃનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તો તેમને માટે સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
શ્રાદ્ધપક્ષમાં લોકો પોતાના પિતૃઓની મનપસંદ રસોઈ બનાવે છે. પરંતુ ખાસ કરીને ખીર, દૂધપાક, પૂરી તથા ભજિયાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેમના પિતૃઓનું શ્રાદ્ધ આવતું હોય તેવા સભ્યો તે દિવસે સવારે વહેલા ઊઠીને નાહી-પરવારીને પૂજાપાઠ કરે છે અને તૈયાર થયેલી રસોઈમાંથી એક વાટકીમાં બધી વસ્તુઓ મૂકીને અગાસી કે ધાબા પર જઈને ‘કાગવાશ, કાગવાશ’ એમ બોલીને વાશ નાખે છે અને કાગડાઓ આવીને આ વાશ આરોગે છે.
લોકોની દૃઢ માન્યતા છે કે કાગડાના માધ્યમ થકી શ્રાદ્ધપક્ષમાં નાખેલી વાશ પોતાના પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ તે આરોગીને તૃપ્ત થાય છે. ભગવાન રામચંદ્રે વનવાસ દરમિયાન પોતાના મૃત પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓના આત્માની કરવામાં આવતાં શુભકાર્ય.
સામાન્ય રીતે શ્રાદ્ધ ત્રિવેણી સંગમ પાસે કે પવિત્ર નદીઓના કિનારે કરવાનો મહિમા છે. માતાનું શ્રાદ્ધ ગુજરાતમાં આવેલા સિદ્ધપુર ગામે તથા પિતાનું શ્રાદ્ધ બિહારમાં આવેલા ગયાજીમાં કરવાનો અનોખો મહિમા છે. આ ઉપરાંત નર્મદા કિનારે ચાણોદ કરનાળી, મહીસાગરના કિનારે, સિદ્ધપુરા, કાશી તથા હરિદ્વારમાં ગંગા કિનારે, રાજસ્થાનમાં પુષ્કર ખાતે, કચ્છમાં નારાયણ સરવોર ખાતે કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે.