પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કર્મ એટલે શ્રાદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા છે. આજના સમયમાં પણ લોકો માતા-પિતા અને પૂર્વજોને પૂજે છે. કારણ? આ સંસારમાં આપણા ઉપર જો કોઈનું સૌથી વધારે ઋણ હોય તો તે છે આપણાં માતા-પિતા અને પૂર્વજોનું ઋણ. આપણાં માતા-પિતા જ આપણા માટે સંપૂર્ણ બ્રહ્માંડ છે. શ્રી ગણેશજીએ પોતાનાં માતા-પિતાને વચ્ચે બેસાડીને ચાર વાર પ્રદક્ષિણા કરીને એ વાતને સિદ્ધ કરી છે કે માતા-પિતા જ આપણું સમગ્ર બ્રહ્માંડ છે. આવા પિતૃઓનું શ્રાદ્ધકર્મ કરવા માટે સૌથી વધારે ઉત્તમ સમય છે પિતૃપક્ષ. અને વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર ભાદરવા વદ એકમથી અમાસનું પખવાડિયું (આ વર્ષે ૨૧ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર) પિતૃપક્ષ ગણાય છે.
એક માન્યતા એવી છે કે શ્રાદ્ધપક્ષ દરમિયાન યમરાજ બધા જ પિતૃઓને મુક્ત કરે છે. જેથી તેઓ પોતાના સંતાન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરી શકે.
ગરુડપુરાણ અનુસાર શ્રાદ્ધકર્મ કરવાથી સંતુષ્ટ થઇને પિતૃઓ મનુષ્યો માટે આયુષ્ય, સંતતિ, યશ, મોક્ષ, સ્વર્ગ, કીર્તિ, પૃષ્ટિ, બળ, વૈભવ, પશુધન, સુખ, તથા ધન-ધાન્યમાં વૃદ્વિ થવાના આશીર્વચન આપે છે. યમસ્મૃતિમાં લખ્યું છે કે પિતા, દાદા, પરદાદા ત્રણે શ્રાદ્ધની એવી આશા રાખે છે, જે રીતે વૃક્ષ પર રહેતા પક્ષી વૃક્ષો પર ઊગનારા ફળની રાખે છે. બ્રાહ્મણને પૃથ્વી પરના ભૂદેવ કહેવામાં આવ્યા છે. તેમનો જઠરાગ્નિ પિતૃઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પિતૃ જે યોનિમાં હોય તે રૂપમાં તેમને અન્ન મળી જાય છે. તેથી જ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપીને સંતુષ્ટ કરવાનું વિધાન છે. પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ.
જોકે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે પિતૃઓ તૃપ્ત કેવી રીતે થાય? તીર્થસ્થળે તર્પણ, સપિંડ શ્રાદ્ધ અને તેમના નિમિત્તે બ્રહ્મભોજન, કન્યાભોજન અને વસ્તુનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે.
કાગડાને ભલે બીજા પક્ષીઓ જેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હોય, પરંતુ શ્રાદ્ધપક્ષમાં બનાવેલાં ખીર-પૂરી સૌથી પહેલાં તેમને જ આપવામાં આવે છે, જેને કાગવાસ પણ કહે છે કારણ કે કાગડા અને પીપળાના વૃક્ષને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે.
શ્રાદ્ધકર્તા માટે આટલું વર્જિત
હવે આપણે એ જાણીએ કે શ્રાદ્ધકાર્ય દરમિયાન શું વર્જિત હોય છે. શ્રાદ્ધકાર્ય દરમિયાન જેનો ઉપયોગ વર્જિત મનાય છે તેમાં તેલનું માલિશ, પાન તથા કોઇ પણ જાતની ઔષધીનું સેવન તથા અન્યનું અન્ન. આ ઉપરાંત બીલીપત્ર, કદંબ તથા અન્ય લાલ રંગનાં અને તીવ્ર ગંધવાળાં ફૂલોનો શ્રાદ્ધકાર્યમાં ઉપયોગ કરવો નહીં. જો તમે ઇચ્છો છો સુગંધિત સફેદ રંગનાં ફલોનો ઉપયોગ કરી શકો છો. ભોજનસામગ્રીની વાત કરીએ તો ચણા, મસૂર, કાળું, જીરું, સંચળ, અડદ, રાઇ તથા સરસિયાના તેલનો ભોજનમાં ઉપયોગ કરવો નહીં. શ્રાદ્ધમાં તાંબાના પાત્રનું વિશેષ મહત્વ છે. તેથી શક્ય હોય ત્યાં સુધી રસોઇ બનાવવાથી લઇને ભોજન કરવા સુધીનાં બધાં જ પાત્રો તાંબાનાં રાખવાં. અન્ય ધાતુનો ઉપયોગ કરવો નહીં.
શ્રાદ્ધના કુલ ૧૦ પ્રકાર
• નિત્ય શ્રાદ્ધઃ દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજન. માતા-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.
• કામ્ય શ્રાદ્ધઃ કોઇ કામનાની પૂર્તિ કરવામાં આવતું શ્રાદ્ધ.
• વૃદ્વ શ્રાદ્ધઃ વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના શ્રાદ્ધ.
• સપિંડ શ્રાદ્ધઃ સન્માનની ઇચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.
• ગૌષ્ઠ શ્રાદ્ધઃ ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.
• કર્માંગ શ્રાદ્ધઃ ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભાધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.
• દૈવિક શ્રાદ્ધઃ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.
• શુદ્ધિ શ્રાદ્ધઃ કોઇ પાપકર્મના પ્રાયશ્ચિત સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.
• તૃષ્ટિ શ્રાદ્વઃ યાત્રાએ જઇ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.
• પર્વશ્રાદ્વઃ અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.
શ્રાદ્ધ કેવી રીતે કરશો? પવિત્ર તીર્થ પર જઇને પિતૃની તિથિએ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કર્મકાંડ કરીને સૌથી પહેલાં તીર્થના દેવતા, સમસ્ત ઋષિ-મુનિઓ, પિતૃઓ નિમિત્તે શ્રદ્વાપૂર્વક શ્રાદ્ધ કરો. ખીર-પૂરી બનાવીને કાગવાસ જરૂર નાખવો. પરિવારે સાથે બેસીને ખીર-પૂરીનું ભોજન કરવું અને પૂર્વજોની તસવીર સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવી.
શ્રાદ્ધતર્પણ માટેનાં તીર્થ
ભાદરવા વદ એકમથી અમાસ સુધીના સમયના પિતૃપક્ષને શ્રાદ્ધપક્ષ કહે છે. આ દિવસોમાં પિતૃઓની જે-તે તિથિએ પૂજા-તર્પણ કે તેમની શાંતિ માટે શક્ય તેટલી વિધિ કરવામાં આવે છે. ઘરે જ શ્રાદ્ધ કરી શકાય છે, પરંતુ શક્ય હોય તો તીર્થસ્થાનો પર જઇને તમે શ્રાદ્ધ કરી શકો છો. તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃક્ષેત્રોમાં પુરાણો અનુસાર બોધિગયા, નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્વપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
• બોધિનાથઃ બોધિગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે. જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે. તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે. પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુક્ત બને.
• નાભિગયા અથવા વૈતરણીઃ ઓડિસા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે. વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિને આ નદીઓ પાર કરવી જ પડે છે. જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યા હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે. આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.
• પદગયા અથવા પીઠાપુરઃ તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે. અહીં પિતૃતર્પણથી વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.
• માતૃગયા અથવા સિદ્વપુરઃ માતૃગયા (સિદ્વપુર) ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું છે. અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં આ સિવાય ભરૂચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.
• બદરીનાથઃ હિમાલયમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરી શ્રાદ્ધ કરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી.
ઉપરોક્ત તીર્થસ્થાન સિવાય ગૌતમ ઋષિની તપોભૂમિ ત્ર્યંબકેશ્વર, હરિદ્વાર, કાશીમાં પ્રયાગનો તટ, ઉત્તરાખંડમાં કેદારનાથ પાસે આવેલા હંસ કુંડ, ગુજરાતમાં ચાણોદ-કરનાળી, પ્રાચી (ગીર-સોમનાથ) તીર્થ પણ પિતૃ-તર્પણની વિધિ માટે શ્રેષ્ઠ ગણાય છે.