શિવજી આશુતોષ છે કેમ કે તે તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર પણ નીકળ્યું ત્યારે તે પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું એમણે રક્ષણ કર્યું હતું. સૃષ્ટિના સર્જક-પાલક અને સંહારક દેવાધિદેવ મહાદેવ ત્રિલોકના નાથ એવા શિવજી દયા અને કરુણાના દાની છે. પોતાના ભક્તો ઉપર શીઘ્ર પ્રસન્ન થઈ કૃતાર્થતાથી બધાં જ દુઃખ દૂર કરનાર છે. શિવજી આપણને પરમ શિવતત્ત્વ સુધી પણ લઈ જાય છે.
શ્રાવણ માસ એટલે શિવજીની ઉપાસનાનું પર્વ. શ્રાવણ સુદ એકમ (આ વર્ષે ૧૫ ઓગસ્ટ)થી શરૂ થયેલા આ પવિત્ર માસમાં શિવપૂજાનું મહત્ત્વ અનેરું છે. તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે. ઘરોમાં, મંદિરોમાં રુદ્રાભિષેક, ઉદ્યષ્ટકમના મંત્રો ગુંજતા રહેશે. ગ્રંથો-પુરાણોમાં પણ શ્રાવણ મહિનાનું મહિમા ગાન થયું છે. માનવ શિવના દર્શન એક જ ધ્યાનથી કરે તો તે શિવ જેવા ગુણ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રની આજ્ઞા અનુસાર શિવ ઉપાસના ક્યારે થઈ શકે? કયા સ્વરૂપની થઈ શકે?
‘શિવો ભૂત્વા શિવં યજેત’ આ વાક્ય અનુસાર જોઈએ તો, ઉપાસકે શિવ બનીને શિવની આરાધના કરવી જોઈએ. માનવ શિવનાં દર્શન એક જ ધ્યાનથી કરે તો તે શિવ જેવા ગુણ પ્રાપ્ત કરી શકે છે. તેના જેવા ગુણો જીવનમાં ધારણ કરી શકે છે.
શિવનાં દર્શનથી માનવ શિવ બને છે. શિવજીનાં પ્રતીકોમાંથી શિવ જેવા ગુણો પ્રાપ્ત કરી શકાય છે.
• શિવજી જ્ઞાનના દેવ છે. તેના મસ્તિષ્કમાંથી જ્ઞાનગંગા વહે છે. આ રીતે ભક્તે જ્ઞાનપિપાસુ-જ્ઞાનજિજ્ઞાસુ બનવું જોઈએ. વ્યક્તિ જ્ઞાની બનીને આરાધના કરે તે ઉત્તમ છે.
• શિવજી કૈલાસ ઉપર ધવલગીરી પર્વત ઉપર નિવાસ કરે છે. એટલે કે જ્ઞાની વ્યક્તિની બેઠક હંમેશાં ઊંચાઈ પર અને શુદ્ધ અર્થાત્ ચારિત્રયશીલ હોવી જોઈએ.
• શિવજીને ત્રણ આંખો છે. ત્રીજી આંખથી કામદેવને બાળી નાખ્યો હતો. એ રીતે ભક્તે-મનુષ્યે પોતાની અંદર રહેલા જ્ઞાન વડે મનની અંદરની કામના બાળી નાખવી જોઈએ.
• શિવજી દિગંબર છે. સમગ્ર દિશા-સૃષ્ટિ પોતાની છે. તમામ વૈભવ પોતાનો છે. છતાં પણ વૈભવને ઠોકર મારી માત્ર ધ્યાનમાં જ લીન રહે છે. આ રીતે ભક્તે પોતાનો તમામ વૈભવ પોતાના ભગવાન છે તેમ સમજી ભૌતિકતાથી દૂર રહેવું જોઈએ.
• શિવજીએ મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યો છે. એ રીતે ભક્તે બીજાના ગુણો માથે ચડાવવા જોઈએ.
• શિવમંદિરમાં પ્રથમ નંદિની પૂજા થાય છે શું કામ? એ જ્ઞાનદેવતા શિવજીને નિત્ય વહન કરે છે, એ રીતે ભક્તે-ઉપાસકે નિત્ય જ્ઞાનને વહન કરવાથી સમાજમાં પૂજનીય બને છે.
• કાચબો કૂર્મ સંયમનું પ્રતીક છે. પોતાનાં તમામ અંગો સંકોરીને બેઠો છે. એ રીતે શિવ ઉપાસકનું જીવન કાચબા માફક સંયમી હોવું જોઈએ.
આ રીતે શિવ ઉપાસક નિત્ય શિવજીના દર્શન કરતાં કરતાં શિવજીના ગુણોનો જો વિચાર કરે તો, તેમાં પ્રતીકોમાંથી તેના જેવા જ ગુણો કેળવવા પ્રયત્ન કરે તો ઉપાસક શિવ બની સમાજમાં પૂજાય છે.
શિવ પૂજન માટે અષ્ટ સ્વરૂપ ઉત્તમ
શિવજીના અનેક સ્વરૂપો અનેકવિધ અવતારો છે. જેમાં તેનાં અષ્ટ સ્વરૂપ (આઠ રૂપો) જગવિખ્યાત છે. જેમાં ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન. આ આઠેય સ્વરૂપની પૂજા કરવા માટે ભારત વર્ષના મુનિઓ-ઋષિઓ આપણને નિત્ય ભલામણ કરે છે. આ આઠેય મૂર્તિમાં શ્રેષ્ઠ મૂર્તિ યજમાન એટલે કે આત્મા છે. આ આત્મામૂર્તિ સૃષ્ટિ ઉપરનાં તમામ પ્રાણીઓમાં રહે છે. જે વ્યક્તિ નિત્ય પોતાનું કલ્યાણ ઇચ્છે છે તે વ્યક્તિએ શિવજીના આઠેય સ્વરૂપની ઉપાસના-પૂજા નિત્યવંદના કરવી જોઈએ.
સચરાચર પ્રાણીને જે ધારણ કરે છે તે પૃથ્વી સ્વરૂપ પ્રથમ મૂર્તિને શર્વ કહેવાય છે. પ્રાણીઓના-માનવના શરીરમાં શાસ્વત દ્રવ વસ્તુ છે તે જલમૂર્તિને ભવ કહેવાય છે. તેજોમય અગ્નિ સ્વરૂપ તત્ત્વ શરીરમાં છે તેને પશુપતિ કહેવાય છે. આપણા શરીરમાં રહેલા વાયુ સ્વરૂપને શિવજીની ચોથી મૂર્તિ ઇશાન તરીકે ઓળખાય છે. શરીરમાં જે છિદ્ર રૂપ આકાશ ભાગ છે તે શિવની પાંચમી મૂર્તિ ભીમ છે. પ્રાણીઓના શરીરમાં ચક્ષુ રૂપ સૂર્ય છે તે છઠ્ઠી મૂર્તિ રૂદ્ર છે. વ્યક્તિનું મન સાતમી મૂર્તિ ચંદ્ર તરીકે ઓળખાય છે. તમામ જીવોના શરીરમાં આત્મા સ્વરૂપ તત્ત્વને શિવજીની આઠમી મૂર્તિ જે ઉગ્ર નામે ઓળખાય છે.
ટૂંકમાં, શિવજીનાં આઠેય સ્વરૂપો દરેક માનવ-પ્રાણીઓના દેહમાં દેદીપ્યમાન છે. આથી ઋષિ-મુનિના વચનરૂપ માનવરૂપી દેહમાં આઠેય મૂર્તિની પૂજા કરવી જોઈએ. અર્થાત્ દરેક વ્યક્તિને માન-સન્માન આપવું જોઈએ. શિવકૃપા મેળવવા માટે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ-લાગણી રાખી, તેના પ્રત્યેનાં વેર - ઝેર - ઇર્ષ્યા ભૂલી જઈને તેને સન્માન આપવાની ભાવના જો આપણા દિલમાં હોય તો શ્રાવણ માસ દરમિયાન પૂજા-આરાધના કરવાથી પણ ઉત્તમ ગણાય છે.