ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાતા શ્રાવણ મહિનાનો રવિવાર - ૧૨ ઓગસ્ટથી આરંભ થઇ ગયો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી રહ્યા છે. ભક્તો વિધવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે.
શિવજીના પાંચ અવતાર
‘શતરુદ્રસંહિતા’માં શિવજીના પાંચ અવતારો વર્ણવ્યા છેઃ સદ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન. આમ વિવિધ અવતારો દ્વારા ભગવાન શિવે શ્રદ્ધાવાન ભક્તોનું કલ્યાણ કર્યું છે અને ખરેખર તો શિવ એટલે જ કલ્યાણ.
સેવાના ત્રણ પ્રકાર
શિવજીની સેવા ત્રણ પ્રકારે સેવા થાય છે. શિવજીના આદિરૂપનું ચિંતન એ માનસિક સેવા. મંત્ર-જપ વગેરે તે વાચિક સેવા. અને કર્મરૂપ પૂજા-આરાધના તે કાયિક સેવા. કાયિક, વાચિક અને માનસિક - આ ત્રણ પ્રકારની પૂજા તે શિવધર્મ કહેવાય છે. આમ પવિત્ર શ્રાવણ માસમાં શિવપૂજા-શિવલિંગની પૂજા મંગલકારી અને પવિત્ર છે. સમગ્ર માસ દરમિયાન ભક્તજનો શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરે છે. જેમાં શિવમહિમ્ન અથવા અષ્ટાધ્યાયી રુદ્રીનો પાંચમો અધ્યાય ૧૧ વાર બોલવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય.
ૐ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત્ દાખવે
બાહુભ્યાંમ્ મુતતે નમઃ
આ વેદોક્ત મંત્ર છે. શિવલિંગને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરવામાં આવે છે ત્યારે મૃત્યુંજય મંત્ર બોલવામાં આવે છે.
ૐ ત્રયંમ્બકં યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ્ ।
ઊર્વારુકમિવ બંધનાન્ મૃત્યુર્મુક્ષીય મામૃતાત્ ।।
શિવ પૂજા દરમિયાન આ વેદોક્ત મંત્ર અથવા તો
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ ।
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પિડિતં કર્મ બંધન ।।
પુરાણોક્ત મંત્ર પણ બોલવામાં આવે છે. એક માસ સુધી જપ કરનાર ભક્તો પણ આ મંત્ર દ્વારા સવા લક્ષ જપ પૂર્ણ કરે છે. શિવ આરાધના વેળા બોલાતા પંચાક્ષર મંત્રનું પણ એટલું જ મહત્ત્વ છે. ૐ નમઃ શિવાય મંત્ર પણ એટલો જ ફળદાયી છે. શિવમાનસ પૂજામાં લખ્યું છે,
પંચાક્ષર મિદં પુણ્યં યઃ પઠે શિવસંન્નિદ્યૌ ।
શિવલોકે મવાપ્નોતી શિવેન્ સહમોદતે ।।
આ પંચાક્ષર મંત્ર કરવાથી અનેકગણું પૂણ્ય પ્રાપ્ત થાય છે અને જીવ શિવજીનાં સાંનિધ્યમાં જઈને શિવલોકની પ્રાપ્તિ કરે છે.
શિવલિંગના પાંચ પ્રકાર
શિવલિંગના પાંચ પ્રકાર છેઃ સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ, ચર લિંગ, ગુરુ લિંગ. શિવજીની આરાધના માટે પાર્થેશ્વર શિવલિંગની પૂજા પણ અતિ શ્રેષ્ઠ ફળદાયી મનાય છે. દરરોજ નૂતન માટી લાવીને શિવલિંગ બનાવી આજુબાજુ માટીના બાણ બનાવી નિત્ય પૂજા કરવી. એક હજાર લિંગ બનાવીને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. બીલીની ઉત્પતિની સુંદર કથા પણ છે. એક વાર દેવી ગિરિજાના વિશાળ લલાટ ઉપર પરસેવાનું બિંદુ ઝળક્યું. દેવીએ તે લૂછીને જમીન ઉપર ફેંક્યું. તે પ્રસ્વેદના બિંદુ વડે વિશાળ વૃક્ષ થયું. એક દિવસ ફરતાં ફરતાં દેવીએ તે ઘટાદાર વૃક્ષને જોયું, તેમાં ત્રણ પત્ર ઊગ્યાં હતાં. પોતાના પસીનામાંથી બનેલા વૃક્ષનું નામ તેમણે ‘બિલ્વ’ રાખ્યું. બિંદુમાંથી વૃક્ષ થયું તેનું નામ બિલ્વ, જે ભગવાન શિવજી ઉપર ચઢાવવાથી પાપોનો નાશ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.
આમ વિવિધ પ્રકારે શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. શિવજીની કૃપા થાય છે. ભગવાન શિવ મુક્તિદાતા છે, તેથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.