હિન્દુ વેદધર્મ અને વેદાન્ત (તત્ત્વજ્ઞાન)નું સર્વાંગી પરિશીલન કરીને જીવ, જગત અને ઈશ્વર (બ્રહ્મ)ની વિચારણા કરનાર કેટલાક આચાર્યો થયા. શાસ્ત્રીય દૃષ્ટિએ ‘આચાર્ય’ તે કહેવાય, કે જેમણે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા મુખ્ય ત્રણ પ્રસ્થાન-ગ્રંથો ઉપર ભાષ્યોની રચના કરી હોય. ભાષ્ય એટલે જે તે ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચાયેલી વિસ્તૃત સમજૂતી કે ટીકા-ટિપ્પણ. વેદાન્ત ક્ષેત્રે થયેલા આવા આચાર્યોમાં મુખ્ય છેઃ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્યાચાર્ય અને વલ્લભાચાર્ય.
આ આચાર્યશ્રીઓએ પોતાનાં ભાષ્યોમાં જે તે સિદ્ધાંત સંબંધી વિવિધ મતોનું વિશ્લેષણ કરીને, ખંડન કે સમર્થન કરીને પોતાના મતની સ્થાપના કરી. આ પરંપરાના આચાર્યોમાં ઈસુની પંદરમી સદીમાં થયેલા વલ્લભાચાર્યજીએ શ્રીવિષ્ણુના લીલાવતાર નંદકિશોર, મદનમોહન ઘનશ્યામ શ્રીકૃષ્ણની મધુરાભક્તિ (પુષ્ટિભક્તિ)ને કેન્દ્રમાં રાખી શ્રીવૈષ્ણવ પુષ્ટિમાર્ગ પ્રગતિરત કર્યો, વેદાન્તી શુદ્ધાદ્વૈતીન્મતની સ્થાપના કરી.
ચંપારણ્યમાં જન્મ અને શિક્ષા-દીક્ષા
દક્ષિણ ભારત કાયમથી શાસ્રાચાર્યો અને પ્રખર વેદ-પંડિતોની ભૂમિ ગણાય છે. વલ્લભાચાર્ય પણ દાક્ષિણાત્ય આંધ્ર પ્રદેશના છે. આંધ્રના કાંકરવાડ નગરના કૃષ્ણયજુર્વેદી ભારદ્વાજ ગોત્રીય તૈલંગી બ્રાહ્મણ પરિવારમાં વલ્લભાચાર્યનો જન્મ થયો. એમનાં માતા-પિતાનાં નામ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમાગારુ. આ ભાગવતીય પરિવારમાં પરંપરાથી મદનમોહનજીની સેવા-પરિચર્યા ચાલતી.
વેદની દીક્ષા લીધી હોવાથી એમનું કુળ ‘દીક્ષિત’ અને ‘સોમયાજી’ કહેવાતું. એમના કુળમાં પૂર્વે 95 સોમયજ્ઞો તો પૂર્ણ થઈ ગયેલા. છેલ્લા પાંચ સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કરીને શત સોમયાગ પૂર્ણ કર્યા. 100 યજ્ઞો પૂર્ણ થતાં, કાશીના સવાલક્ષ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવા લક્ષ્મણ ભટ્ટ સપરિવાર પોતાના નિવાસસ્થાનથી નીકળીને કાશી નગરીમાં આવ્યા. સંકલ્પાનુસાર બ્રહ્મભોજન કરાવ્યા પછી કાશીથી પાછા ફરતાં માર્ગમાં મધ્ય પ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણ્ય-વનમાં સંવત 1535ની ચૈત્ર વદ એકાદશીએ સગર્ભા ઈલ્માગારુજીએ ૫૨મ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, તે જ વલ્લભાચાર્ય. એવું કહેવાતું કે જેના કુળમાં સો સોમયજ્ઞ પૂર્ણ થાય, તે કુળમાં ભગવાન કે મહાવિભૂતિ દૈવી પુરુષનો આવિર્ભાવ થાય છે. તે પ્રમાણે, લક્ષ્મણ ભટ્ટના કુળમાં સો સોમયજ્ઞ પૂર્ણ થતાં જ શ્રીવલ્લભાચાર્ય રૂપે ભગવાન ગોપીનંદન શ્રીકૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું.
શ્રી વલ્લભ બન્યા ‘વલ્લભાચાર્યજી’
યજ્ઞોપવિત ધારણ કર્યા પછી, બાળવયે જ શ્રીવલ્લભે કાશી, ગોકુળ, મથુરા વગેરે તીર્થોની યાત્રા કરી. આ તીર્થ સ્થાનોમાં અનેક આચાર્યો, વેદ-પંડિતો વગેરે પાસે શ્રીમદ્ ભાગવત, પ્રસ્થાનત્રયી-વેદાન્ત વગેરે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. પ્રસ્થાનત્રયી ગ્રંથો ઉપર તેમણે ભાષ્યો રચ્યાં. વેદાન્તના બીજા પણ ગ્રંથોનું એમણે સર્જન કર્યું. આચાર્ય તરીકે પ્રખ્યાત થયા. ભાગવતને આધારે વૈષ્ણવધર્મ પ્રતિષ્ઠિત કર્યો.
વલ્લભાચાર્યજીને ‘બ્રહ્મસંબંધ મંત્ર’ની દીક્ષા
કહેવાય છે કે વ્રજભૂમિના મથુરા પાસેના જતીપુરા ગામના ગોવર્ધન પર્વતની કંદરાઓમાં ઘનશ્યામ શ્રીકૃષ્ણના એક અવતારી સ્વરૂપ શ્રીનાથજીના અંગ-ઉપાંગોનું ક્રમશઃ પ્રાગટ્ય થયું. અંતે સંવત 1535માં શ્રીનાથજીના સંપૂર્ણ દેહવિગ્રહનો આવિર્ભાવ થયો. એક વાર મહાપ્રભુજી વલ્લભાચાર્યનું તે ભૂમિમાં આગમન થયું. ગોકુળ-મથુરાના યમુનાજીના ઘાટ ઉપર બેસીને જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો એનું ચિંતન કરવામાં તેઓ મગ્ન થઈ ગયા. કહેવાય છે કે ભક્તવત્સલ ભગવાન શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના અંશરૂપ ભક્ત વલ્લભને ભેટી પડ્યા અને તેમને ‘બ્રહ્મસંબંધ-મંત્ર’આપીને તેનું રહસ્ય સમજાવ્યું.
આચાર્યશ્રીએ પ્રસન્ન થઈને ગોવર્ધનનાથજી (શ્રીનાથજી)ને 360 તારનું પવિત્રુ ધારણ કરાવીને ‘મધુરાષ્ટક’ સ્તોત્રની રચના કરીને તેમની સ્તુતિ કરી. વળી, એમણે ગોવર્ધનગિરિ ઉપર શ્રીનાથજીની પ્રતિમાની સ્થાપના કરી તેમજ વ્રજવાસીઓમાં શ્રીનાથજીની સેવા-પૂજાની ચોક્કસ પદ્ધતિઓનો પ્રચાર કર્યો. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે વલ્લભાચાર્યજીએ બ્રહ્મસંબંધ દીક્ષા અને ગોપીવલ્લભ શ્રીકૃષ્ણની માધુર્યભક્તિ, પુષ્ટિભક્તિના પ્રચાર-પ્રસારનો શુભારંભ કર્યો.
‘શાસ્ત્રાર્થ’માં વલ્લભાચાર્યનો જયજયકાર
ભારતીય તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો વિશે જુદા જુદા મતોના સંદર્ભમાં એકવાક્યતા સધાતી નહોતી. આ કારણે સામાન્ય માનવ કે ભક્ત એમાં મૂંઝાઈ જતો. આવી વિસંવાદની સ્થિતિ દૂર કરીને, મુખ્યત્વે જીવ, જગત અને જગદીશના સ્વરૂપ બાબતે સર્વાનુમતે કોઈ ચોક્કસ મત બંધાય એવા ઉમદા હેતુથી જગન્નાથપુરીના તત્કાલીન રાજવી ગણપતિ પુરુષોત્તમે ભારતભરના આચાર્ય-પંડિતોની વિદ્વત્સભાનું આયોજન કર્યું. એમાં તત્ત્વજ્ઞાનના ચાર યક્ષ-પ્રશ્નો વિશે શાસ્ત્રાર્થ કરીને, સૌને સ્વીકાર્ય એવો નિર્ણય લેવાનો હતો.
સભા સમક્ષ ચાર પ્રશ્નો રજૂ થયા હતાઃ (1) બધાં શાસ્ત્રોમાં પ્રમુખ ‘શાસ્ત્ર’ કયું છે? (2) મુખ્ય ‘દૈવ’કયા છે? (3) મુખ્ય ‘મંત્ર’ કયો છે? અને (4) મુખ્ય ‘કર્મ’ કયું છે? બધાના ઉત્તરો જુદા જુદા હતા. એટલામાં ત્યાં શ્રીવલ્લભાચાર્યજીની પધરામણી થઈ. એમણે ચારેય પ્રશ્નોના ઉત્તરો આપ્યાઃ ભગવાન શ્રીકૃષ્ણ-પ્રબોધિત ગીતા એ જ મુખ્ય શાસ્ત્ર છે. શ્રીકૃષ્ણ સર્વશ્રેષ્ઠ દેવ છે. શ્રીકૃષ્ણનું નામસંકીર્તન એ જ મુખ્ય મંત્ર છે તેમજ શ્રીકૃષ્ણની, શ્રીજીની સેવા-ઉપાસના એ જ જીવમાત્રનું મુખ્ય કર્મ છે.
વિતંડાવાદી પંડિતો તો પોતપોતાના મતમાં અડગ રહ્યા. શો નિર્ણય કરવો એની ગડમથલ ચાલી, પરંતુ કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં વિરાજમાન ભગવાન જગન્નાથજીએ એક કાગળમાં ચારેય પ્રશ્નોના ઉત્તરો લખીને વલ્લભાચાર્યે આપેલા ઉત્તરોનું લેખિત સમર્થન કર્યું! વલ્લભાચાર્યના નિર્ણય ઉપર જગન્નાથજીની આવી મહોરછાપ લાગતાં, રાજા સહિત પંડિતસભાએ આ નિર્ણયને હર્ષનાદથી વધાવી લીધો, શ્રીમદ્ વલ્લભાચાર્યનો જયજયકાર થયો. આમ વલ્લભાચાર્યજીએ અનેક વિરોધી મતોનું ખંડન કરીને પોતાનો મત પ્રતિષ્ઠિત કર્યો.