સત્યના વિજયનો ઉત્સવ હોળી

ધુળેટીનો તહેવાર ભક્ત પ્રહલાદને મળેલા નવજીવનનો ઉત્સવ છે. સત્યનો જય થાય છે એવો સંદેશો આ તહેવાર દ્વારા મળે છે

Monday 03rd March 2025 09:05 EST
 
 

હોળીનો ઉત્સવ એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 13 માર્ચ)ના રોજ સંધ્યા ટાણે આ પર્વ ઊજવવામાં આવે છે. વસંતનું યૌવન સોળે કળાએ ખીલેલું હોઇ, વાતાવરણ ઉલ્લાસમય-ઉત્સાહમય-ઉમંગમય હોય છે. વાતાવરણમાં માદકતા, મસ્તી, મોહકતા હોય છે. વન-વગડા-ઉપવનનાં વૃક્ષો ફૂલોના ભારથી લચી પડ્યાં હોય છે. ખેતરો અન્નના ધનથી ભરેલાં-છલકાતાં હોય છે. હોળીનો ઉત્સવ રંગોત્સવ છે. મનમાં રહેલી આનંદની હેલીને હોળીના દિવસે વ્યક્ત કરવાનો અવસર મળે છે. કેસૂડો તો આખા વગડાનો શણગાર બની જાય છે!

હોળીનું માહાત્મ્ય અને વર્ણન

ગુજરાત વિશ્વકોશ પ્રમાણે, ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે.
ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુઘલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે.
મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી તરીકે આ ઉત્સવ ઓળખાવાયો છે. તેમાં પરસ્પર ગુલાબજળનું આદાનપ્રદાન થતું હતું. ઉત્તર ભારતમાં હોરી અને હોલી નામે ગીત-સંગીતનું આયોજન થતું હતું.
‘વિનાયકાદિસર્વપૂજાપદ્ધતિ’માં દક્ષિણમાં હોલાકા અને તેના આરાધનને પરશુરામ સાથે સાંકળી વીંછી અને અન્ય ઝેરી જંતુઓને હોળીમાં પધરાવવા જણાવાયું છે.
બીજા દિવસે હોળીની રાખ અંગે ચોળી બપોરે સ્નાન કરવાની પ્રથા નોંધાઈ છે. આથી તે ધુળેટી કહેવાય છે. વળી હોળીના અંગારા બીજે દિવસે લાવી ઘરે રસોઈ બનાવવાની પરંપરા પણ નોંધાઈ છે. આમ કરવાથી વર્ષ દરમિયાન આફતોમાંથી મુક્ત રહેવાય, તંદુરસ્તી જળવાઈ રહે એવી માન્યતા છે.
બંગાળ અને ઓડિશામાં કૃષ્ણે તાડકા રાક્ષસીને મારી તે પ્રસંગ સાથે આ પ્રસંગ સાંકળી લેવામાં આવ્યો છે. આને હોલોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. પદ્મપુરાણના ઓડિશાના પાઠ અનુસાર હોલિકાને ચંદ્રિકા કહી છે. અહીં દેવી હોલાએ વીરસેન નામના અસુરને પરાસ્ત કર્યો હતો.

પૌરાણિક કથા

હોળી પ્રાગટ્યની સાથે ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા સંકળાયેલી છે. પ્રહલાદનું નામ પરમ ભગવંતોમાં પ્રથમ ગવાય-ગણાય છે. સનતકુમારોના શાપથી જય અને વિજય - હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બનીને અસુરરૂપે અવનિ પર અવતર્યા. પૃથ્વી પર પોતાના બળના પ્રભાવથી હાહાકાર મચાવતા હતા. દેવો, ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, ભક્તો સૌ આ રાક્ષસવૃત્તિ ધરાવતાં હિરણ્યકશિપુથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા.

રાક્ષસવૃત્તિ ધરાવતા હિરણ્યકશિપુને ત્યાં ભગવતવૃત્તિ ધરાવતા પુત્ર પ્રહલાદનું હોવું એ અદ્ભુત અને વળી આશ્ચર્યજનક ઘટના છે. ભક્ત પ્રહલાદ સમાજમાં ભક્તિનો પ્રચાર-પ્રસાર કરી, અસદવૃત્તિ ધરાવતા લોકોમાં સદવૃત્તિનો સંચાર કરે છે, જે પિતા હિરણ્યકશિપુની સહનશક્તિ બહારની વાત છે. પુત્ર પ્રહલાદને સામ, દામ, દંડ, ભેદ, ભય જેવી અનેક આપત્તિઓ સહન કરવી પડે છે, પરંતુ... પ્રહલાદજીની દૃઢતા, અટલતા, શ્રદ્ધા જાળવે છે. પ્રહલાદજી પ્રભુમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.

આખરે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા પ્રહલાદને જીવતો બાળી દે એવી યુક્તિ કરે છે. હોલિકા પાસે તો અગ્નિથી બચવા માટે ‘અભય ઓઢણી’ છે. હોલિકા ઓઢણી ઓઢી, પ્રહ્લાદને ખોળામાં લઇ અગ્નિ વચ્ચે બેસે છે, પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ અનુસાર પ્રહલાદજી પર ચૂંદડી ઓઢાઇ જાય છે. હોલિકા બળી જાય છે. હોલિકાનું દહન થાય છે. લોકોના ઉપવાસ, જપ, તપ ફળે છે. જયજયકાર થાય છે. મંગળ પરિણામ આવે છે.

બીજે દિવસે લોકો એ ઉરનો ઉમળકો હૈયાનો હરખ, રંગ ઉડાડી, ગુલાલ ઉડાડી વ્યક્ત કરે છે. નાત-જાત, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, ઉચ્ચ-નીચના ભેદ ભૂલીને સૌ રંગે રમે, સંગે રમે છે એકત્વની ભાવનાથી સૌ રંગે ઝબોળાયા. પ્રેમ-રંગનો સૌએ અભિષેક ઝીલ્યો! મનભર્યાં શરીર, ધનભર્યાં ભંડાર, અન્નભર્યાં ખેતર અને રંગભર્યા ઉદ્યાન, ઉમંગભર્યા હૈયા... બસ! સર્વત્ર ભક્ત રક્ષાયો તેનો જય જયકાર થયો! આમ, હોળીના પાવન તહેવારે બાર બાર મહિનાથી મનમાં સંઘરી રાખેલી ઈચ્છાઓને સૌ વાણી દ્વારા, સ્પર્શ દ્વારા, ભાવ દ્વારા, રંગ દ્વારા પ્રસ્તુત કરે છે.

જે લોકો અસદવૃત્તિ ધરાવતા હતા તે લોકોએ તો ધુળેટીના દિવસે ધૂળ, કાદવ, કીચડ ઉડાડી પોતાની મનોવૃત્તિ વ્યક્ત કરી. હોલિકાદહન તેઓથી સહન થયું નહીં. જે લોકો ભગવતવૃત્તિ ધરાવતા તેઓ ખુશ ખુશ થયા. ગુલાલ ઉડાડ્યો. કેસૂડાનો રંગ ઉડાડ્યો. ધુળેટીનો તહેવાર ભક્ત પ્રહલાદને મળેલા નવજીવનનો ઉત્સવ છે. સત્યનો જય થાય છે એવો સંદેશો આ તહેવાર દ્વારા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter