અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. બાળપણમાં તેમણે કાલીદત્ત જેવા અનેક અસૂરોનો નાશ કર્યો. ત્યારબાદ અનેક જીવોના ઉદ્ધારાર્થે સંસારનો ત્યાગ કરીને ૭ વર્ષ ૧૧ માસ, ૧૧ દિવસ સુધી પગપાળા તીર્થાટન કરતાં ભારતમાં આશરે ૧૨,૦૦૦ કિમીની યાત્રા કરી. ત્યારે તેઓ નીલકંઠવર્ણી નામે ઓળખાયા.
પીપલાણા મુકામે શ્રી રામાનંદ સ્વામીએ ૧૮૫૭ના કારતક સુદ અગિયારસ (તા. ૨૮ ઓક્ટોબર ૧૮૦૦)ના શુભદિને વર્ણીને દીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામો પાડ્યાં અને પોતાની સેવામાં રાખ્યા.
રામાનંદ સ્વામી અંતર્ધાન થયા તેના ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ પોતાનું સર્વોપરી એવું ‘સ્વામિનારાયણ’ નામ પ્રસિદ્ધ કર્યું. ત્યારથી સૌ સંતો-હરિભક્તો સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યા અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ પામ્યો અને ત્યાર પછી તેઓ સહજાનંદજી સ્વામીને સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખવા લાગ્યા.
સમાજમાં ઘર કરી ગયેલા વ્યસનોમાં ફસાયેલા લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સદુપદેશથી વ્યસનોથી મુક્ત કરી સંસ્કારી, સત્સંગી અને સાચા અર્થનમાં માનવજીવન જીવતા કર્યાં.
તે સમયના વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જનહિતાર્થના કાર્યો અને સમાજની ઉન્નતિને બિરદાવતાં કહ્યું હતું કે જનતાને વ્હેમના જાળા, કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનાદિકથી મુક્ત કરવી હોય તો દરેક ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિર બાંધવા જોઈએ. રાજ્ય કાયદાકાનૂનથી જે કાર્ય નથી કરી શક્યું તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ ઉપદેશો અને કાર્યો કરી શક્યાં છે. આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને જનસમાજમાં નીચલા થરને પણ વ્યસનમુક્ત બનાવી સમાજમાં સારું સ્થાન આપ્યું અને સર્વ પ્રજા પ્રત્યે સમભાવ રાખી ઉચ્ચ-નીચના ભેદભાવ વિના સર્વને પ્રેમથી અપનાવ્યા.
લૂંટફાટથી પ્રજાને રંજાડતા અને આખાય ગુજરાતમાં કાળો કેર વર્તાવનાર ઉપલેટાના વેરાભાઈ અને વડતાલના નામીના લૂંટારા જોબન પગીને શ્રી સ્વામિનારાયણ ભગવાને સદાચારી બનાવ્યા.
શિક્ષાપત્રીની રચના
શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીની રચના કરી અને તેના ૨૧૨ શ્લોકમાં સુખી થવા માટે કેવી રીતે જીવન જીવવું તે તે સમજાવ્યું. ગૃહસ્થ હરિભક્તોને દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, એક પત્નીવ્રત રાખવું, આદિ નિયમો આપ્યાં. અને ત્યાગી સંતોને નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ નિઃસ્નેહ આદિ પંચ વર્તમાન આપ્યાં.
સાહિત્યનો સાગર
શ્રીજીમહારાજે તેમના સંતો દ્વારા ૨૨ જેટલા સંસ્કૃત અને ૯૦ જેટલા પ્રાચીન ગ્રંથો રચાવ્યા છે. સંતો પાસે લગભગ ૩૦,૦૦૦થી કીર્તનો રચાવ્યાં છે. ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે.
ધર્મ-સંસ્કારનું જતન
ભારતીય સંસ્કૃતિના જે ધાર્મિક સંસ્કારો છે તે અખંડ ટકી રહે અને પ્રજામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઉદિત થાય અને તેને પોષણ મળ્યા કરે તે માટે શહેરો-શહેર અને ગામેગામ મંદિરો અને માણસોના જીવન ઘડતર માટે સિદ્ધ સત્પુરુષોનો અખંડ વારસો આપ્યો.
આમ શ્રી સ્વામિનારાયણ ભગવાન માત્ર ૨૮-૨૯ વર્ષના ટૂંકા સમયમાં સમાજને સદાચારી, સુવિચારી બનાવી રોનક બદલી નાંખી છે. આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ ચૈત્ર સુદ - નોમના રોજ ૨૩૯મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે કોટિ કોટિ વંદન કરીને કૃતાર્થ બનીએ.