સિયાવર રામચંદ્ર કી જય... પવનસુત હનુમાન કી જય

રામનવમી - હનુમાન જયંતી

Wednesday 10th April 2024 06:33 EDT
 
 

દરેક અવતારી સત્તાના અવતરણ પાછળ કોઈ ને કોઈ મહાન ઉદ્દેશ રહેલો હોય છે. મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનના અવતાર પાછળ પણ આવા જ ઉદાત્ત ઉદ્દેશો હતા. શ્રીરામ ભગવાને પોતાના જીવન આચરણથી આદર્શ પુત્ર, ભાઈ અને રાજાનો ધર્મ નિભાવીને રામરાજ્યની સ્થાપના કરી વિશ્વને આદર્શ જીવનનો સંદેશ આપ્યો છે.

શ્રીરામ ભગવાને ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરે મધ્યાહ્ન સમયે અવતાર લીધો અને જાણે જગતને એવો સંકેત આપ્યો કે, બળબળતા તાપમાં શીતળ છાયા આપનાર અવતાર હવે આવી ગયા છે. જીવનભર મર્યાદાનું પાલન કરનાર શ્રીરામે મનુષ્યને સાચું માર્ગદર્શન આપવા માટે અને એક ઉદાહરણ સાબિત કરવા માટે અંત સમય સુધી જાણે જીવનની કપરી સાધના કરી. જીવન દેવતાની ઉપાસના કરીને લોકોને સાંસારિક ધર્મની સાથે રાજધર્મ પણ શીખવ્યો અને કદાચ એટલે જ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને ત્રેતાયુગના પરમ પૂજનીય અને શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે, તેથી જ શ્રીરામ ભગવાનના જીવનચરિત્ર દર્શાવતો ગ્રંથ રામાયણ ભારતનો પાયાનો ધર્મગ્રંથ કહેવાય છે.

શ્રીરામના પરમ ઓજસ્વી ચરિત્રને લીધે વર્તમાન સંદર્ભમાં પણ મર્યાદા પુરુષોત્તમના આદર્શોએ જનમાનસ પર બહુ ઊંડો પ્રભાવ પાડયો છે અને એટલે જ શ્રીરામ વિશે કહેવાયું છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, તેમનાથી ઉત્તમ કોઈ યોગ નથી, કોઈ વ્રત નથી, ઉત્કૃષ્ટ અનુષ્ઠાન નથી. તેમના ચરિત્રની મહાનતા અને અનુરાગ દરેક જનમાનસને શાંતિ અને સુખ પ્રદાન કરે છે. તેમનું તેજસ્વી અને પરાક્રમી સ્વરૂપ એક પુત્ર માટે , ભાઈ માટે, પતિ માટે તેમજ રાજનેતા એમ દરેક માટે પ્રેરકબળ પૂરું પાડનારું છે.

એક આદર્શ પુત્ર
વિષ્ણુ ભગવાનના અવતાર શ્રીરામે માનવરૂપે દેહ ધારણ કરીને પુત્રથી માંડીને દરેક પાત્રને વિનય, વિવેક અને સદાચારથી નિભાવ્યું છે. એક આદર્શ પુત્ર બનીને શ્રીરામે જગતને શ્રેષ્ઠતમ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. કુટુંબમાં કેવી રીતે સૌહાર્દ જળવાઈ રહે તેની સતત કાળજી રાખનાર શ્રીરામે સ્વયંનાં સુખ, દુઃખની ક્યારેય પરવા નથી કરી. દશરથ રાજા કૈકયીને આપેલા વચનથી ધર્મસંકટમાં મુકાઈ જાય છે. પ્રાણથી પણ પ્રિય પુત્રને ૧૪ વર્ષનો વનવાસ કેવી રીતે આપી શકાય? પણ શ્રીરામના નામમાત્રથી જ્યાં પીડાનો નાશ થાય છે ત્યારે જ્યાં સાક્ષાત્ મર્યાદા પુરુષોત્તમ બિરાજતા હોય, ત્યાં કોઈ પીડાને ક્યાંથી સ્થાન હોય? તેમને બહુ સરળતાથી રાજગાદીને બદલે હસતાં હસતાં વનવાસને સ્વીકારીને પિતાનું વચન નિભાવ્યું. સાથે તેમના માનસિક સંઘર્ષને હળવો કરી દીધો. અહીં તેમની મહાનતાનાં દર્શન તો ત્યાં થાય છે કે, તે જે કૈકયીને લીધે વનવાસને પામ્યા તે માતા કૈકયી માટે પણ તેમના મનમાં જરાય દ્વેષ જોવા મળતો નથી અને સૌ પ્રથમ તેમના ચરણસ્પર્શ કરીને તે વનવાસ તરફ પ્રયાણ કરે છે અને ૧૪ વર્ષ પછી પણ જ્યારે પાછા આવે છે ત્યારે સૌ પ્રથમ માતા કૈકયીને જ વંદન કરે છે. અહીં તેમના હૃદયની વિશાળતા અને ક્ષમાશીલતાનાં દર્શન થાય છે.

આદર્શ ભ્રાતા
શ્રીરામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત આ ચારેય ભાઈઓમાં રહેલો અગાધ પ્રેમ જ કપરી પરિસ્થિતિમાં અને ચડાવ-ઉતારમાં પણ સમગ્ર પરિવારને એકસૂત્રતાના તાંતણે બાંધી રાખે છે. શ્રીરામનો ત્રણેય ભાઈઓ પ્રત્યે એવો અતૂટ પ્રેમ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તેમના પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય ઓછો થતો નથી. ભરતને ગાદી મળે તે માટે શ્રીરામને વનમાં મોકલી દેવાય છે, પણ આ ઘડીએ પણ શ્રીરામનો ભરત પ્રત્યેનો ભાવ ઓછો થતો નથી અને વનમાં ભરત શ્રીરામને મળવા જાય છે તે ભરતમિલાપનો પ્રસંગ એટલો બધો પ્રેમથી પરિપૂર્ણ હતો કે આજે પણ એ ભરતમિલાપની ઘટના સૌની આંખને ભીની કરી દે છે. સંપત્તિ કે રાજગાદીનાં પ્રલોભનને પણ ભાઈઓ વચ્ચેના સ્નેહને ઓછાં નથી કરી શકતાં. આ રીતે એક ભ્રાતા તરીકેનું તેમનું ચરિત્રચિત્રણ આજના ભાઈભાંડુઓ માટે ખરેખર માર્ગદર્શન આપનારું છે.

અસુરતાના સંહારક
આગળ કહ્યું તેમ અવતારી સત્તાનું અવતરણ જ આસુરી શક્તિના નાશ માટે અને દેવત્વની સ્થાપના માટે થાય છે. શ્રીરામ ભગવાનનું અવતરણ પણ આ જ મહાન ઉદ્દેશને લઈને થયું હતું. શ્રીરામનું નામ દુઃખ-દર્દને હરનારું છે તેમ શ્રીરામનું કામ અસુરતાનો સંહાર કરવાનું છે. અત્યાચાર, અનાચાર, પાપાચારનો અંત લાવીને અહંકારી રાવણનો નાશ કરીને શ્રીરામે વિભીષણને રાજગાદી સોંપીને લંકામાં પણ સાત્ત્વિકતાનું અને ધર્મનું વાતાવરણ સર્જ્યું હતું. શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ શ્રીરામે સમાજમાં આતંક, અનાચાર ફેલાવનાર અને માનવતાનું અહિત કરનાર તત્ત્વોને જડમૂળમાંથી ઉખેડીને સુખ, શાંતિ, સમૃદ્ધિનું વાતાવરણ સર્જ્યું.

દયાળુ અને આદર્શ સ્વામી
ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હોવાની સાથે દયાના સાગર પણ છે. તેઓ કોઈ પણ ભેદભાવ વગર સૌને તેમની છત્રછાયામાં લે છે. તેમની સેનામાં પશુ, માનવ બધા જ હતા. તેઓ સર્વશક્તિમાન હોવા છતાં નાની ખિસકોલીથી માંડીને કપિ સુધી બધાને તેમનું કાર્ય કરવાનું શ્રેય અપાવે છે.
સુગ્રીવને રાજ્ય અને હનુમાનજી, નીલ, જામ્બવનને પણ વારંવાર નેતૃત્વ કરવાનો અધિકાર આપ્યો છે. શ્રીરામજી રાજકુમાર અને પછી રાજા હોવા છતાં પણ તેમણે ઊંચનીચના ભેદભાવ રાખ્યા વગર કેવટથી માંડીને શુદ્ર જાતિની શબરી સુધી સૌને પ્રેમથી અપનાવ્યાં અને પોતાના આચરણ દ્વારા તેમણે પ્રેમ અને સદ્ભાવનાનો દિવ્ય સંદેશ આપ્યો.

•••

શ્રીરામ અને હનુમાનજીનું મિલન

શ્રીરામ અને હનુમાનજીનો સંબંધ તો ભક્ત અને ભગવાનનો છે, પરંતુ હનુમાનજીના ઉલ્લેખ વગર શ્રીરામકથા અધૂરી રહી જાય અને હનુમાનજીનું ચરિત્રચિત્રણ પણ શ્રીરામજીના ઉલ્લેખ વગર શક્ય નથી. આ રીતે શ્રીરામ અને હનુમાનજીનાં પાત્ર એ રીતે એકબીજામાં ઓતપ્રોત છે કે જ્યાં પણ શ્રીરામની વાત આવે ત્યાં હનુમાનજીનું નામ સૌપ્રથમ આવે છે, તેથી જ શ્રીરામકથામાં સૌપ્રથમ હનુમાનજીને આસન આપવામાં આવે છે અને પછી જ શ્રીરામ કથાનો પ્રારંભ થાય છે. હનુમાનજીના જીવનનો ઉદ્દેશ જ શ્રીરામનું કામ હતો - રામકાજ કરિબે કો આતુર. હનુમાનજીએ ક્યારેય હાથમાં માળા લઈને શ્રીરામ નામનું રટણ નથી કર્યું, પરંતુ આ એવા પરમ કર્મનિષ્ઠ ભક્ત છે જેણે શ્રીરામનાં કામ કર્યાં છે.
શ્રીરામના નામે સાગરને પાર કરી જાય છે તો ક્યારેક માથે પર્વત ઉપાડી લઈ જાય છે. શ્રીરામને હૃદયમાં સ્થાન આપનાર હનુમાને દરેક કાર્ય શ્રીરામના ચરણમાં સર્મિપત કર્યા છે. તેમનામાં રહેલા બળ માટે પણ તેમણે ક્યારેય અહંકાર નથી કર્યો, પરંતુ તેમનામાં રહેલા અસીમ બળને પણ તે શ્રીરામના આશિષ ગણાવે છે.
ભગવાન શ્રીરામ માટે પણ હનુમાન એક એવો આદર્શ સેવક છે કે જેને આજ્ઞા પણ નથી આપવી પડતી અને શ્રીરામના અંતરની વાત જાણીને તે શ્રીરામનાં કાર્ય કર્યે જાય છે. શ્રીરામ પણ હનુમાનજીની સેવા અને સાધનાથી એટલા બધા પ્રસન્ન છે કે રાવણના વધ પછી જ્યારે 14 વર્ષ પછી ફરી અયોધ્યા પરત ફરવાની શુભ વેળા આવી, તો પણ તેઓ સીધા અયોધ્યા ન જતાં પહેલાં અંજની માતાને વંદન કરવા જાય છે અને આવા વિરલ વ્યક્તિત્વને જન્મ આપવા બદલ તેમને નત મસ્તકે વંદન કરે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ પણ શ્રીરામ અને હનુમાનજીના મિલનની ઘટનાને અલૌકિક માનવામાં આવે છે. ઉચ્ચ, આત્મિક કક્ષાનો પ્રેમ અને સંપૂર્ણ સમર્પણભાવથી જ શ્રીરામના પ્રીતિપાત્ર બની શકાય છે. આ વિધાનને હનુમાનજીએ જીવીને બતાવ્યું છે અને એટલે જ શ્રીરામ ભગવાનની આશિષથી અજર-અમરના આશીર્વાદ મેળવીને હનુમાનજી આજે પણ સંકટમોચન બનીને ધરતીનાં કષ્ટોને નિવારી, તેમના અસ્તિત્વની સૌને અનુભૂતિ કરાવતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter