સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતી, જાણો નેતાજીના જીવનની આ ખાસ વાતો

પર્વવિશેષ - પરાક્રમ દિવસ (23 જાન્યુઆરી)

Wednesday 15th January 2025 09:48 EST
 
 

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમના જીવનમાંથી આજના યુવાનો પ્રેરણા લે છે. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દિલાઉંગા..!’ ‘જય હિન્દ!’ સહિત જેવા અનેક નારાઓ સાથે સ્વતંત્રતા સંગ્રામને નવી ઉર્જા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતીએ જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી 10 ખાસ વાતો...
નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક, ઓડિશા, બંગાળ વિભાગમાં થયો હતો. બોઝના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતા, જેમાંથી 6 પુત્રી અને 8 પુત્રો હતા. સુભાષચંદ્ર તેમના નવમા સંતાન અને પાંચમા પુત્ર હતા.
નેતાજીનું પ્રારંભિક શિક્ષણ કટકની રેવેનશો કોલેજિયેટ સ્કૂલમાં થયું હતું. આ પછી તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજમાં શિક્ષણ મેળવ્યું. આ પછી તેમના માતા-પિતાએ બોઝને ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ)ની તૈયારી કરવા ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોકલ્યા.
1920 માં, તેમણે ઇંગ્લેન્ડમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ તો કરી, પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે નોકરી છોડી દીધી. સિવિલ સર્વિસ છોડ્યા પછી, તેઓ દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા.
મહાત્મા ગાંધી કોંગ્રેસમાં ઉદારવાદી પક્ષનું નેતૃત્વ કરતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ પ્રખર ક્રાંતિકારી પક્ષના પ્રિય હતા. તેથી નેતાજી ગાંધીજીના મત સાથે સહમત ન હતા. જોકે બન્નેનો હેતુ માત્ર અને માત્ર એટલો જ હતો કે ભારત આઝાદ થવું જોઈએ. નેતાજી માનતા હતા કે અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા માટે મજબૂત ક્રાંતિની જરૂર છે, જ્યારે ગાંધી અહિંસક ચળવળમાં માનતા હતા. વર્ષ 1938માં, નેતાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય આયોજન પંચની રચના કરી. 1939ના કોંગ્રેસ અધિવેશનમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના સમર્થન સાથે ઉભેલા પટ્ટાભી સીતારામૈયાને હરાવીને જીત્યા. આનાથી ગાંધી અને બોઝ વચ્ચે મતભેદ સર્જાયા, જે પછી નેતાજીએ પોતે કોંગ્રેસ છોડી દીધી.
નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન છોકરી એમિલી સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્રી અનિતા હતી અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે જર્મનીમાં રહે છે. અંગ્રેજોથી ભારતને આઝાદ કરાવવા માટે, નેતાજીએ ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી. ‘આઝાદ હિંદ સરકાર’ની સ્થાપના કરી. આ પછી સુભાષચંદ્ર બોઝ તેમની સેના સાથે 4 જુલાઈ 1944ના રોજ બર્મા (હાલ મ્યાનમાર) પહોંચ્યા. અહીં તેમણે ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ’ એવું સૂત્ર આપ્યું હતું.
આઝાદ હિંદ ફોજની રચના પાછળ શું વિચાર હતો?
સુભાષબાબુ માનતા હતા કે સ્વતંત્રતા હાંસલ કરવા માટે માત્ર અહિંસક ચળવળો પૂરતી નથી. તેથી તેણે સશસ્ત્ર પ્રતિકારની હિમાયત કરી. આ જ કારણ હતું કે તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. આઝાદ હિંદ ફોજની રચના 21 ઓક્ટોબર 1943ના રોજ થઈ હતી.
1944 માં, આઝાદ હિંદ ફોજે અંગ્રેજો પર હુમલો કર્યો અને કેટલાક ભારતીય પ્રદેશોને અંગ્રેજોથી મુક્ત કર્યા. આઝાદ હિંદ ફોજમાં લગભગ 85,000 સૈનિકો સામેલ હતા. તેમાં મહિલા એકમ પણ હતું જેનું નેતૃત્વ લક્ષ્મી સ્વામીનાથન દ્વારા કરવામાં આવ્યું હતું. 19 માર્ચ, 1944ના રોજ આઝાદ હિંદ ફોજના લોકોએ પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો હતો.
ભગવદ્ ગીતા પ્રેરણાનો મુખ્ય સ્રોત
1921 થી 1941 દરમિયાન નેતાજી પૂર્ણ સ્વરાજ માટે ઘણી વખત જેલ પણ ગયા હતા. તેમનું માનવું હતું કે અહિંસા દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાતી નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે સોવિયેત યુનિયન, નાઝી જર્મની, જાપાન જેવા દેશોનો પ્રવાસ કર્યો અને બ્રિટિશ સરકાર સામે લડવા માટે સહકાર માંગ્યો. તેમણે જર્મનીમાં આઝાદ હિંદ રેડિયો સ્ટેશન શરૂ કર્યું અને પૂર્વ એશિયામાં ભારતીય રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કર્યું. સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે ભગવદ્ ગીતા તેમની પ્રેરણાનો મુખ્ય સ્રોત છે.
તપાસના ત્રણ કમિશન, પણ રહસ્ય વણઉકેલ
18 ઓગસ્ટ 1945ના રોજ તાઈપેઈમાં વિમાન દુર્ઘટના બાદ નેતાજી ગુમ થઈ ગયા હતા. આ ઘટના પર ત્રણ તપાસ પંચો બેઠા હતા, જેમાંથી બે તપાસ પંચોએ દાવો કર્યો હતો કે નેતાજીનું મૃત્યુ અકસ્માત બાદ થયું હતું. જ્યારે જસ્ટિસ એમ. કે. મુખર્જીના નેતૃત્વ હેઠળના ત્રીજા તપાસ પંચે દાવો કર્યો હતો કે ઘટના બાદ નેતાજી જીવિત હતા. આ વિવાદે બોઝના પરિવારના સભ્યો વચ્ચે પણ વિભાજન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter