શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 3થી 11 ઓક્ટોબર) સુધી ઉજવાતો નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈ વસ્યા છે, ત્યાં ત્યાં ઉમંગ-ઉત્સાહ સાથે આ પર્વ ઉજવાય છે. નવરાત્રિના નવ દિવસ કોરી માટીના કાણાવાળા ઘડામાં ઘીનો અખંડ દીવો ને રાત્રે માની આરતી સાથે રંગબેરંગી નરનારીઓ ગરબો ઘૂમે છે. ‘ગરબો’ શબ્દનું મૂળ ગર્ભ છે. માટી ને ઘડો સર્જનનાં પ્રતીકો છે.
આદ્યશક્તિ નવદુર્ગાનાં નવ સ્વરૂપ અને નવ નામ છે. માર્કંડ પુરાણમાં કથા છે કે સ્વર્ગલોક અને પૃથ્વી પર હાહાકાર મચાવનાર મહિષાસુર નામના રાક્ષસનો પરાશક્તિ નવદુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરીને સંહાર કર્યો. આ યુદ્ધમાં નવદુર્ગાની ઉગ્રતા વધતી જ ગઈ અને એની સાથે સાથે તેમનાં રૌદ્ર રૂપો પણ બદલાતાં ગયાં. એમનાં નવ સ્વરૂપો ચંડા, ચંડવતી, ચંડરૂપા, ચંડનાયિકા, રુદ્રચંડા, ચંડોગ્રા, પ્રચંડા, અતિચંડા અને ઉગ્રચંડાના નામે પ્રચલિત છે. તેમનાં નવ નામ પણ દુર્ગા, નીલદુર્ગા, રુદ્રદુર્ગા, અગ્નિદુર્ગા, રિપુરીદુર્ગા, જયદુર્ગા, જલદુર્ગા અને વિંધ્યવાસી દુર્ગા તરીકે જાણીતાં છે.
નવદુર્ગાનું પ્રાગટ્ય
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ - ત્રણેય દેવોએ યોગબળથી મહાતેજ પ્રગટાવ્યું જેની તીવ્ર જ્યોતિમાંથી નવદુર્ગા પ્રગટ થયાં. એ ત્રિદેવે પોતાનાં ખાસ શસ્ત્રોની મહાન શક્તિ નવ દુર્ગાને આપી. વિષ્ણુના ચક્ર, શિવજીના ત્રિશૂળ, કુબેરની ગદા, વિશ્વકર્માના ફરસુ, વાયુનાં સૂર્યબાણ, વરુણના શંખ અને સાગરે આપેલી મોતીમાળાને ધારણ કરીને સિંહના વાહન પર આરુઢ થઈ જગદંબાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કરી તેને હણી, ત્રણેય લોક ભયમુક્ત કર્યાં. દૈવી શક્તિનો વિજય થયો.
સત્ - અસત્ વચ્ચે સંઘર્ષ
અનાદિ કાળથી સત્-અસત્ વચ્ચે સંઘર્ષ ખેલાતો આવ્યો છે. આસુરી વૃત્તિએ દૈવી વૃત્તિ ઉપર વિજય મેળવવાના પ્રયત્નો કર્યા છે. આ સંઘર્ષમાં સાત્વિક વૃત્તિના વિજય માટે શક્તિની ઉપાસના જરૂરી છે. વેદોમાં પણ શક્તિની ઉપાસનાનું મહત્ત્વ બતાવ્યું છે. પાંડવોને શક્તિની ઉપાસનાનું મહત્ત્વ સમજાવતાં મહર્ષિ વ્યાસે કહ્યું હતું. ‘જો તમારે ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો શક્તિની ઉપાસના કરવી પડશે.’
ભક્તિ - ભાવનાનું કેન્દ્ર ‘શક્તિ’
નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે આપણે માની આસપાસ ઘૂમીએ છીએ. આપણી ભક્તિ અને ભાવનાનું કેન્દ્ર ‘શક્તિ’ હોય છે. માટીના ઘડામાં કાણાં કરી એ ઘડામાં દીવો મૂકી એની ઉપાસના કરાય છે. એમાંથી પ્રગટતું તેજ આપણાં આંગણાને તેમજ અંતરને અજવાળે છે. અનિષ્ટ તત્ત્વો સામે દિવ્ય રટણની પ્રેરણા એ જ આપણી પ્રાર્થના બની જાય છે.
નવરાત્રિના નવ દિવસ માતાજીનો ગરબો અખંડ જલે છે. માટીનો આ ગરબો માનવ દેહનું પ્રતીક છે. પંચમહાભૂતનો બનેલો માનવદેહ માટીના ગરબા જેવો જ સ્થુળ છે, જડ છે. ગરબામાં જે છિદ્રો દષ્ટિગોચર થાય છે તે મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો અને તેમાંથી વિવિધ રીતે પ્રગટ થતી વૃત્તિઓનું આડકતરી રીતે સૂચન કરે છે. ગરબાની અંદર જલતી જ્યોત ચૈતન્યતત્ત્વ અથવા શક્તિનું પ્રતીક છે. આ દિવ્યજ્યોતની તેજસ્વી પળો પ્રકાશતી હશે તો જ ઇન્દ્રિયોરૂપી છિદ્રો અને પ્રજ્વલિત પ્રકાશનું વહન કરી શકશે અને તો જ ગરબારૂપી દેહની ચોતરફ તેજની આભા પ્રગટ થશે.