વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે ૨૩ એપ્રિલ) એટલે શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન પામેલાં સોમનાથનો પ્રતિષ્ઠા દિન છે. તેમના આવિર્ભાવનું કારણ પ્રજાપતિ દક્ષ અને ચંદ્રમા સાથે જોડાયેલું છે.
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથ દેશનાં પ્રાચીન તીર્થસ્થાનોમાંથી એક છે. તેનો ઉલ્લેખ સ્કંદપુરાણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શિવપુરાણ વગેરે ગ્રંથોમાં પણ જોવા મળે છે. ઋગ્વેદમાં પણ સોમેશ્વર મહાદેવના મહિમાનો ઉલ્લેખ છે. સોમનાથ મંદિર પર ઘણાં વિદેશી આક્રમણો થયાં. મંદિર લૂંટીને તેને નષ્ટ કરાયું અને ફરીથી નિર્માણ થયું. આવું અનેક વખત બન્યું. મંદિર નષ્ટ થતું રહ્યું અને સમયાંતરે જીર્ણોદ્ધાર પણ થતો રહ્યો.
ઈ.સ. ૧૯૪૭માં ભારત દેશની આઝાદી પછી નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મંદિરનું શિલારોપણ ઈ.સ. ૧૯૫૦ની આઠમી મેના રોજ થયું હતું. ઈ.સ. ૧૯૫૧ની ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે ૯-૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. ત્યારબાદથી સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ સતત વધતી રહી છે. આજે શિવલિંગનું થાળું સંપૂર્ણ સોનાથી મઢાયેલું છે. આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ એમ મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત છે. તેનું શિખર આશરે ૧૫૦ ફૂટ ઊંચું છે. શિખર પર કળશ અને ૨૭ ફૂટ ઊંચી ધ્વજા ફરકતી હોય છે.
સોમનાથ જ્યોર્તિલિંગની કથા
અતિ પવિત્ર એવા પ્રભાસપાટણ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. આમ એકને બાદ કરતાં બાકીની ૨૬ કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ જ દુઃખી રહેતી હતી. આ બાબતની જાણ જ્યારે રાજા દક્ષને થઈ ત્યારે તેમણે ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. લાખ પ્રયત્ન કરવા છતાં પોતાની વાતને ન સમજનાર ચંદ્રદેવ પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, ‘જા, તું જેના પર અભિમાન કરે છે તેવું તારું તેજ ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ. તને કોઈ નહીં જોઈ શકે.’
રાજા દક્ષના શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું જ તેજ ગુમાવી દીધું. તે આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને શાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જાણવા બ્રહ્માજી પાસે ગયા. તેમણે શાપ દૂર કરવાનો ઉપાય જણાવતાં કહ્યું કે ચંદ્રદેવ મૃત્યુંજય ભગવાનની આરાધના કરો. તેથી ચંદ્રદેવ સમસ્ત દેવતાઓ સાથે પ્રભાસમાં આવ્યા અને ત્યાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના-અનુષ્ઠાન કરવા લાગ્યા. મૃત્યુંજય મહામંત્રથી પૂજા અને જાપ થવા લાગ્યા.
આ રીતે છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ મંત્રજાપ પૂરા થયા. ભગવાન શિવજી ચંદ્ર પર પ્રસન્ન થયા અને શાપનું નિવારણ કરતાં પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રને અમરત્વનું વરદાન અને તેજ પાછું આપ્યું, પરંતુ ચંદ્રે કરેલો અપરાધ સંપૂર્ણપણે ક્ષમાપાત્ર નહોતો. તેથી શિવજીએ કહ્યું, ‘પંદર દિવસ સુધી તમારી એક-એક કળા વધતી જશે અને છેલ્લે પૂર્ણિમાના દિવસે તમે સંપૂર્ણ તેજ મેળવશો. આ પંદર દિવસ સુદ પક્ષ તરીકે ઓળખાશે અને બાકીના પંદર દિવસ એક-એક કલા ઘટતી જશે અને અમાસના દિવસે તમે સંપૂર્ણ અદૃશ્ય થઈ જશો. આ પંદર દિવસ વદ પક્ષ તરીકે ઓળખાશે.’
આ રીતે ભોળાનાથની કૃપાથી કલાહીન કલાધર ફરીથી કલાયુક્ત થઈ ગયા. ચંદ્રદેવે ભગવાન આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ બાકીના ભક્તોના ઉદ્ધાર માટે પૃથ્વી પર વસે. ચંદ્રદેવની પ્રાર્થના સાંભળીને પ્રભાસ ક્ષેત્રમાં જ્યોર્તિલિંગ સ્વરૂપે તેમણે હંમેશને માટે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રદેવે ભગવાન શંકરને પોતાના ઇષ્ટદેવ માન્યા અને ભગવાન શંકરે પણ તેમને પોતાના શીશ પર સ્થાન આપ્યું. ત્યારથી ભોળાનાથ પ્રભાસમાં 'ચંદ્રના નાથ' નામથી પણ પૂજાય છે. સોમ એટલે ચંદ્ર, કળિયુગમાં તેઓ 'સોમનાથ'ના નામથી પૂજાય છે. કહેવાય છે કે સૌપ્રથમ આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે જ કર્યું હતું.
ખગોળશાસ્ત્રમાં સોમનાથ
અમાસ પછી ચાંદ્ર માસનું પ્રથમ ચંદ્રદર્શન હંમેશાં પશ્ચિમ દિશામાં થાય છે. ભારતીય ભૂગોળ રચના પ્રમાણે સમગ્ર દેશમાં સૌપ્રથમ ચંદ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ ખાતે થાય છે. સોમ એટલે જ ચંદ્ર. સોમનાથ એટલે શિવ. જૈનસંસ્કૃતિ પણ સોમનાથને ચંદ્રપ્રભુ સ્વામી તરીકે સ્વીકારે છે. આપણા સંસ્કૃત શ્લોકોમાં તથા સંસ્કૃત સાહિત્યમાં ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
વેપારવણજમાં સોમનાથ
આજથી આઠસો વર્ષ પહેલાં ગુજરાતમાં વાઘેલા સમ્રાટ અર્જુનદેવના શાસનમાં સોમનાથ પાટણ મહત્ત્વનું બંદર હતું. આ સ્થળે દેશપરદેશના વેપારીઓ રહેતા હતાં, જેમાં મુસ્લિમો પણ હતા. શિવમાર્ગી વાઘેલા સમ્રાટ અર્જુનદેવના શાસનમાં બંધાયેલી એ પ્રાચીન મસ્જિદમાં સંસ્કૃત શિલાલેખ છે. જેમાં મસ્જિદ માટે 'મિજિગતિ' શબ્દ છે. ઇરાનના હોરમજ બંદર માટે 'હર્મુજ' શબ્દ, ઈબ્રાહીમ માટે 'અબુ બ્રાહીમ' તથા નુરૂદ્દીન માટે 'નોરદિન' શબ્દ છે. મક્કા માટે 'મખા' શબ્દ વપરાયો છે. સંસ્કૃત ભાષામાં મખ શબ્દ યજ્ઞાભૂમિ - પવિત્રભૂમિ સૂચવે છે.