બાળપણથી સંન્યાસી બનવાની ઇચ્છા
વિવેકાનંદ બાળપણથી જ બહુ તોફાની હતી. તેમનું મસ્તક પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે જ તેઓ શાંત થતા હતા. વિવેકાનંદને સતત પ્રવાસ કરતા સાધુઓ પ્રત્યે બહુ લગાવ હતો. એવા સાધુઓનો અવાજ સાંભળવાની સાથે જ તેઓ ઘરની બહાર દોડી જતા હતા. તેઓ બાળપણથી જ સંન્યાસી બનવા ઇચ્છતા હતા. જે વયે અન્ય બાળકો અક્ષરોને ઓળખવાનું શરૂ કરતા હોય છે એ ઉંમરે વિવેકાનંદે લખવા-વાંચવાનું શરૂ કરી દીધું હતું. તેમની યાદશક્તિ ગજબની હતી. એક વખત કોઈ પુસ્તક વાંચી લે એટલે આખું પુસ્તક તેમને યાદ રહી જતું હતું.
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા
દરેક પિતાની માફક વિવેકાનંદના પિતા વિશ્વનાથ પણ પુત્રના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા, પરંતુ ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના વિવાહની વિરુદ્ધ હતા. વિવેકાનંદે બ્રહ્મચર્ય પાળવાનો અને સાધુનું જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. સૌથી મોટા પુત્ર હોવાને કારણે, પિતાના મૃત્યુ બાદ સાત જણના પરિવારના ભરણપોષણની જવાબદારી વિવેકાનંદ પર આવી પડી હતી. તેમણે થોડા દિવસ મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂશનમાં અધ્યાપન કાર્ય કર્યું હતું.
વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાદગી અને નૈતિક આધ્યાત્મનું પ્રતિક હતા. તેમને ખાતરી હતી કે વિવેકાનંદ તેમનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડશે. જુલાઈ, 1886 આવતા સુધીમાં રામકૃષ્ણ પરમહંસનું સ્વાસ્થ્ય ઝડપભેર કથળવા લાગ્યું હતું. તેમને ગળાનું કેન્સર હતું. અંતિમ સમયે તેમણે તેમના તમામ શિષ્યોને બોલાવીને જણાવ્યુ હતું કે વિવેકાનંદ મારા ઉત્તરાધિકારી છે. એ પછી 1886ની 16 ઓગસ્ટે રામકૃષ્ણ પરમહંસ સમાધિમાં ચાલ્યા ગયા હતા. એ પછી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. કલકતામાં 1898માં પ્લેગની મહામારી ફેલાઈ હતી. હજારો લોકોએ બીમારીના ભયને કારણે કલકતા છોડી દીધું હતું. લોકોને રાહત આપવા માટે સૈન્ય બોલાવવામાં આવ્યું હતું. એ સમયે વિવેકાનંદ કલકતામાં રોકાયા હતા અને રાહતકાર્યનું બીડું ઝડપ્યું હતું.
મૈસૂરના મહારાજાએ અમેરિકા મોકલ્યા
વિવેકાનંદે સમગ્ર ભારતનું ભ્રમણ કરવાનો નિર્ણય લીધો હતો અને સૌથી પહેલાં તેઓ વારાણસી ગયા હતા. ત્યાં તેમણે અનેક વિદ્વાનો તથા સન્યાસીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ગૌતમ બુદ્ધે જ્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો તે સારનાથની મુલાકાત પણ વિવેકાનંદે લીધી હતી. એ પછી તેઓ અયોધ્યા અને લખનૌ થઈને આગરા પહોંચ્યા હતા. ત્યાર બાદ મુંબઈ ગયા હતા.
મુંબઈથી પૂણે જવા રવાના થયા ત્યારે વિવેકાનંદ અને બાળ ગંગાધર તિલક યોગાનુયોગે એક કારમાં બેઠા હતા. બન્ને વચ્ચે ગંભીર સંવાદ થયો હતો. તિલકે વિવેકાનંદને પૂણેમાં પોતાની સાથે રહેવાનું નિમંત્રણ આપ્યું હતું. તિલક સાથે 10 દિવસ રહ્યા બાદ વિવેકાનંદ ટ્રેન મારફત બેંગલોર જવા રવાના થયા હતા.
બેંગલોરથી તેઓ મૈસૂર પહોંચ્યા હતા અને મહારાજાના અતિથિ બન્યા હતા. હું તમારા માટે શું કરી શકું એવું એક દિવસ મહારાજાએ પૂછયું ત્યારે વિવેકાનંદે જણાવ્યું હતું કે હું અમેરિકા જઈને ભારતીય તત્ત્વજ્ઞાન તથા સંસ્કૃતિનો પ્રચાર કરવા ઇચ્છું છું. તેમના અમેરિકા પ્રવાસનો ખર્ચ આપવા મહારાજા તરત તૈયાર થઈ ગયા હતા, પરંતુ વિવેકાનંદે મહારાજાની દરખાસ્તનો તત્કાળ સ્વીકાર કર્યો ન હતો. બાદમાં તેમણે તે સ્વીકારી હતી.
ધર્મ સંસદમાં પ્રભાવશાળી પ્રવચન
મદ્રાસથી 1893ની 31 મેએ વિવેકાનંદે પેનિનસુલા નામની સ્ટીમરમાં અમેરિકાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તેમની સ્ટીમર કોલંબો, પિનાંગ, સિંગાપુર, હોંગકોંગ થઈને નાગાસાકી પહોંચી હતી. જાપાનના યાકોહામા બંદરેથી 14 જુલાઈએ એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામના જહાજ મારફત અમેરિકા જવા રવાના થયા હતા. એ પ્રવાસ દરમિયાન ભારતના ટોચના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ તેમની સાથે હતા. બન્ને વચ્ચે એ પ્રવાસથી શરૂ થયેલી મૈત્રી આજીવન ટકી રહી હતી. વાનકુંવરથી તેમણે શિકાગો જવા ટ્રેન પકડી હતી. શિકાગો ધર્મસંસદમાં ભાગ લેવા સમગ્ર વિશ્વમાંથી હજારો પ્રતિનિધિ આવ્યા હતા. એ બધામાં વિવેકાનંદ સૌથી નાની વયના હતા.
ગૌતમ ઘોષે તેમના પુસ્તક ‘ધ પ્રોફેટ ઓફ મોર્ડન ઇન્ડિયાઃ સ્વામી વિવેકાનંદ’માં લખ્યું છે, ‘ધર્મ સંસદમાં પ્રવચન આપનારામાં વિવેકાનંદનો ક્રમ 31મો હતો, પરંતુ તેમણે આયોજકોને વિનંતી કરી કે તેમને સૌથી છેલ્લે પ્રવચનની તક આપવામાં આવે.’
‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા...’ શબ્દો સાથે વિવેકાનંદે ભાષણની શરૂઆત કરી કે તરત સભાગારમાંના તમામ ઊભા થઈ ગયા હતા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતાં બે મિનિટ સુધી સતત તાળી વગાડતા રહ્યા હતા.
સર્વધર્મ સમભાવનો સંદેશ
તાળીઓનો અવાજ શાંત થતાં જ વિવેકાનંદે નાનકડું ભાષણ શરૂ કર્યું. તેમણે ભાષણની શરૂઆતમાં વિશ્વના સૌથી યુવા દેશ પૈકીના એક અમેરિકાને વિશ્વની સૌથી પુરાતન સંસ્કૃતિ પૈકીના એક ભારત તરફથી ધન્યવાદ પાઠવ્યા હતા.
હિન્દુ ધર્મએ વિશ્વના સહિષ્ણુતાનો સંદેશ કઈ રીતે આપ્યો છે એ તેમણે જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ, વિશ્વનો એકેય ધર્મ બીજા ધર્મ કરતાં સારો કે ખરાબ નથી. બધા ધર્મ એક છે, જે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ દેખાડે છે.
ધર્મ સંસદમાંના ભાષણે વિવેકાનંદને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી દીધા હતા. તેઓ આખું વર્ષ અમેરિકાના પૂર્વ હિસ્સામાં પ્રવાસ કરતા રહ્યા હતા. ભારત પાછા ફરતા પહેલાં તેઓ ઇંગ્લેન્ડમાં રોકાયા હતા. ત્યાં ઓક્સફોર્ડમાં તેમની મુલાકાત ભારતમાં રસ ધરાવતા પ્રોફેસર મેક્સ મૂલર સાથે થઈ હતી. લાલ-બાલ-પાલની પ્રસિદ્ધ ત્રિપુટી પૈકીના બિપિનચંદ્ર પાલ સાથે તેમની મુલાકાત ઇંગ્લેન્ડમાં જ થઈ હતી. વિવેકાનંદ ભારત પાછા આવ્યા ત્યારે દરેક જગ્યાએ લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મદ્રાસથી કુંભકોણમ્ જવા માટે તેઓ ટ્રેનમાં બેઠા હતા. એ રૂટ પર આવતા તમામ સ્ટેશને લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. એક નાના સ્ટેશને ટ્રેન ન રોકાઈ ત્યારે ત્યાંના લોકો રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા અને બળજબરીથી ટ્રેન રોકાવી હતી. લોકોના પ્રેમથી અભિભૂત થયેલા સ્વામી વિવેકાનંદ પોતાના કોચમાંથી બહાર આવીને લોકોને મળ્યા હતા.