પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય, સત્યવાદી, સ્વામીભક્ત તથા યુદ્ધવિદ્યામાં ઘણા જ કુશળ, ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ છે. કહેવાય છે કે આજે પણ જે જે જગ્યાએ શ્રી રામ કથા કે રામધૂન થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય છે જ. હનુમાનજી મહારાજના ગુણો અપાર છે. આપણા જેવા પામર જીવ તેના ગુણોનું વર્ણન કરવા અસમર્થ છે. પૂ. પાડુંરંગ દાદાએ પોતાના એક પુસ્તકમાં હનુમાનજી મહારાજના અનેક ગુણો સુંદર રીતે વર્ણવ્યા છે.
જગતના સાત ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજની ગણતરી થાય છે. પ્રભુ શ્રી રામના અતિપ્રિય એવા હનુમાનજી વગર શ્રી રામ પંચાયતન અધૂરું ગણાય છે. ઉત્તરકાંડમાં પ્રભુ શ્રીરામે હનુમાનજી માટે ઘણા બધા પ્રકારનાં સંબોધનો આપ્યાં છે જેવાં કે, ધીર, વીર, પ્રાજ્ઞ, રાજનીતિજ્ઞ વગેરે બાબત ઉપરથી હનુમાનજી મહારાજની ઉચ્ચ કોટીની યોગ્યતા સમજી શકાય. સેવક અને દાસના રૂપમાં હનુમાનજીએ પ્રભુ શ્રી રામ માટે એવું દુષ્કર કાર્ય કર્યું છે જે કોઇ પણ સેવક કરી શકે નહીં. તે ગુણોને કારણે હનુમાનજી એક ઉચ્ચ કોટીના સેવક-દાસ-ભક્ત કહેવાયા.
આપણે ભગવાન શ્રી રામના અંગત સેવક-દાસ હનુમાનજી મહારાજની જન્મજયંતી ઊજવી રહ્યાં છીએ તેનું વિશેષ કારણ એ છે કે હનુમાનજી અજર-અમર છે. કલિયુગમાં હનુમાનજી મહારાજની ભક્તિ-સાધના આપણા જેવા ભક્તોને ફળદાયી બને છે. આ ઉપરાંત હનુમાનજી મહારાજે બન્ને પ્રકારના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. બાહ્ય શત્રુઓ પૈકી ઇન્દ્રજિત (મેઘનાદ) ઉપર તેને પરાસ્ત કરી વિજય મેળવ્યો હતો. આંતર શત્રુઓ પૈકી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અવગુણો ઉપર તેને વિજય મેળવ્યો છે.
આવા એક પણ પ્રકારના દુગુર્ણો સાથે તેનો સંત્સર્ગ જણાતો નથી. વાલ્મીકિ રામાયણના કિષ્કિંધા કાંડમાં સુગ્રીવજી હનુમાનજીને સંબોધીને જે કહે છે તે વિચારવા જેવું છેઃ ‘હે કપિશ્રેષ્ઠ, તમારી ગતિનો અવરોધ કોઇ કરી શકે તેમ નથી. પૃથ્વી, અંતરિક્ષ, આકાશ, દેવલોક, જળ, સમુદ્ર, પર્વતો, ગંધર્વો, નાગો અને મનુષ્યો એક પણ વ્યક્તિ તમારી ગતિનો અવરોધ કરી શકે તેમ નથી. તમારી ગતિ , વેગ, તેજ વગેરે ગુણો તમારા પિતાશ્રીમાંથી આપને આવ્યા છે. તમારી સમાનતા કરનારો કોઇ વ્યક્તિ છે નહીં અને હશે પણ નહીં. આથી સીતાજીને ખોજવાનો ઉપાય તમે જ બતાવો.’ ટૂંકમાં, સીતા માતાજીની શોધ માટે હનુમાનજી સિવાય બીજો એક પણ વિકલ્પ શક્ય ન હતો. આમ હનુમાનજી અપાર ગુણોના ભંડાર છે.
ઉપાસના-આરાધના
હનુમાન જયંતી ઉત્સવ ઊજવી રહ્યા છીએ ત્યારે હનુમાનજી જેવા ગુણો પ્રાપ્ત કરવા માટે નિત્ય આ કલિયુગના એક માત્ર આધાર એવા હનુમાનજીની ઉપાસના-આરાધના અવશ્ય કરવી જોઇએ. પણ આ ઉપાસના કઇ રીતે કરવી જોઇએ? હંમેશા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઉપાસના કરો.
• વિદ્યાર્થીઓએ વિદ્યા પ્રાપ્ત કરવા માટે બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહુ કલેષ વિકાર મંત્રનું નિયમિત રટણ કરવું જોઇએ.
• વ્યક્તિ ઉપર સંકટ આવે કે ભય આવે તેનું નિવારણ કરવા માટે... ઓમ્ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરુ ફૂટ સ્વાહા... મંત્ર સતત જપતા રહેવો જોઇએ. તદુઉપરાંત આ મંત્રથી, કાળા તલ અને તેલની આહુતિ આપીને યજ્ઞ કરવાનું પણ વિધાન છે.
• નિયમિત પણે ખાસ કરીને શનિવારે, મંગળવારે પનોતીથી પીડિત વ્યક્તિએ શનિવારે હનુમાન ચાલીસાના પાઠ સતત કરતાં રહેવા જોઇએ. હનુમાનજીના મંદિરે જઇ તલનું તેલ, કાળા અડદ, સિંદૂર તેમજ આંકડાની માળા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવાથી વ્યક્તિ પનોતી-શનિ પીડાથી રાહત મેળવે છે.
• દરરોજ રાત્રીનાં સૂતી વેળાએ પરિવાર સહિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘરની આસપાસ નેગેટિવ ઊર્જા દૂર થાય છે. આસુરી શક્તિ દૂર થઇને વાતાવરણ શુભ થાય છે. તેમજ ઊંઘમાં ક્યારે ખરાબ સ્વપ્નો આવતાં નથી.
• ‘જો શતબાર પાઠ કર કોઇ છુટી બંદી મહા સુખ હોઇ...’ પંક્તિ અનુસાર વ્યક્તિ 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. આ રીતે નિત્ય જીવનમાં હનુમાનજીની આરાધના કરવાથી સાચા અર્થમાં હનુમાન જયંતી ઉત્સવ ઊજવવાની સાર્થકતા ગણાશે.