દેશવિદેશમાં વસતાં ભારતીયો એક તરફ અષાઢી બીજનાં (આ વર્ષે ૪ જુલાઇ) મહાપર્વે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હશે ત્યારે કચ્છી માડુ અષાઢી બીજની સાથે સાથે જ ઉમંગ-ઉલ્લાસભેર નૂતન વર્ષ પણ ઉજવી રહ્યો હશે. અષાઢી બીજ એટલે કચ્છ પ્રદેશનું નૂતન વર્ષ. હાલાર પ્રદેશ, ઝાલાવાડ, કચ્છ-કાઠિયાવાડનું નવું વર્ષ વિક્રમ સંવતનાં ચાર માસ બાદ શરૂ થાય છે.
રણ, ડુંગરા અને દરિયાઈ સમૃદ્ધિ ધરાવતા કચ્છનાં પ્રથમ મહારાવે કચ્છ રાજયની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-પાંચમનાં રોજ કરી હતી પણ કચ્છી નૂતન વર્ષનો અષાઢી બીજથી જ કેમ પ્રારંભ થયો, તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે.
કેરાકોટ ગામમાં કચ્છની રાજધાની ફેરવનાર રાજા જામ લાખો ફૂલાણી એક વિચારવંત રાજવી હતા. પોતાના રાજયનાં વિકાસ માટે હંમેશા નીતનવીન પગલાં અમલમાં મૂકતા હતા. એક સમયે તેઓ રાજયની સીમા નક્કી કરવા, પોતાની સાથે કેટલાક બહાદુર સાહસિક યુવાનોને લઈને નીકળી પડયા. પાછા ફરતી વખતે માર્ગમાં ભરપૂર વરસાદ પડયો. એ સમયે અષાઢ માસ શરૂ થયો હતો. સારા વરસાદના કારણે ચારેય તરફ લીલીછમ હરિયાળી ફેલાયેલી હતી. આ જોઈને રાજા લાખો ફૂલાણી અતિ પ્રસન્ન થઈ ગયેલા. આમ પણ કચ્છ જેવાં સુકા પ્રદેશમાં પૂરતો વરસાદ પડવો એ જ એક મોટા ઉત્સવસમાન પ્રસંગ છે ને?!
આથી રાજા જામ લાખો ફૂલાણીએ સમગ્ર રાજ્યમાં ફરમાન મોકલ્યું કે કચ્છના નૂતન વર્ષનો પ્રારંભ અષાઢી બીજથી કરવામાં આવે. અને આમ તેમણે ઇતિહાસમાં પોતાનું નામ રોશન કરી દીધું. આ પછી દર વર્ષે નૂતન વર્ષની ઉજવણીની તૈયારી એકાદ માસ પહેલાં શરૂ થઈ જતી. દિવાળી - નવા વર્ષના તહેવારની જેમ જ, ઘર-મકાનને રંગરોગાન થાય. લોકો નવાં વસ્ત્રો સીવડાવે. ઘરનાં મુખ્ય દરવાજાની બંને તરફ અંબાડીધારી હાથી અને સામે સિંહનું ચિત્ર હોય, તો એ સાથે આસોપાલવનાં પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન પણ થાય. દરવાજા બાજુના ગોખલામાં માટીનાં કોડિયા ઝગમગે. ઘરમાં મઘમઘતી મિઠાઈઓ તૈયાર થાય. અને આ બધા તામજામ - સાજસજાવટ સાથે આતશબાજી તો ખરી જ.
કચ્છી નવા વર્ષની ઉજવણી રાજદરબારમાં ભારે દબદબાભેર થતી. વહેલી સવારથી રાજ્યનાં વહીવટદારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ, શાસક રાજવીના ચરણોમાં ભેટસોગાદો મૂકીને વંદન કરતા. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને મંદિરોમાં દેવદર્શન કરવા જતા. નૂતન વર્ષના પ્રારંભે વડીલોને સાકર-શ્રીફળ આપી, પાયલાગણું કરીને આશીર્વાદ માંગવાનો રિવાજ હજુ આજે પણ ઘણા કચ્છી પરિવારોમાં જોવા મળે છે. આ દિવસે દેવસ્થાનોમાં મળસ્કે મંગળ આરતી થાય, ત્યારે નોબત - ઘંટારવનો નાદ દૂર-દૂર સુધી ગુંજી ઉઠે છે.
નવા વર્ષના પ્રારંભે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારીને, અષાઢી બીજ પર્વે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરીને શ્રીફળ વધેરે છે. તો આ દિવસે પ્રત્યેક સતી શૂરાનાં પાળિયાને સિંદુર લગાવીને પૂજન-અર્ચન પણ કરવામાં આવે છે. રાજાશાહી શાસનકાળ વેળા ભૂજનાં મહાદેવ નાકા પાસેની ટંકશાળામાંથી સોના-ચાંદીનાં પાંચિયા કે કોરીનાં સિક્કા બહાર પાડવામાં આવતા હતા. ભૂજમાં આવેલા દરબારગઢમાં આતશબાજી પણ થતી અને વ્યાપારીઓ દ્વારા સમૂહ ચોપડા પૂજન પણ થતું હતું. કચ્છી નૂતન વર્ષના સપરમા દિવસે ‘કચ્છી અષાઢી પંચાગ’ના પ્રકાશનની પરંપરા હજુ જળવાઇ છે.
કચ્છમાં વસતાં કચ્છી માડુઓ દ્વારા તો લગભગ છેલ્લા ૮૦૦ વર્ષથી નૂતન વર્ષારંભની ઉજવણી હરખભેર થાય જ છે, પણ આ સિવાય ગુજરાતમાં કે ગુજરાત બહાર દેશ-પરદેશમાં વસતાં કચ્છી માડુઓ પણ આ મહા પર્વ ઉત્સાહભેર ઉજવીને માતૃભૂમિ કચ્છને વંદન કરવાનું ચૂકતા નથી.
મેઠો પાંજો કચ્છડો, મેઠા પાંજા માડુ,
મેઠી પાંજી ગાલીયું, ને મેઠી પાંજી પ્રીત...
હલો હલો રે.... આવઈ અષાઢી બીજ
કચ્છી નયે વર્ષ જી જજ્યું જજ્યું વધાઈયું...