પેરિસઃ નૂતન વર્ષનું પહેલું સૂર્યકિરણ ભલે એન્ટાર્ટિકામાં પડતું હોય, પરંતુ સૌથી પહેલી ઉજવણી ટાપુઓના બનેલા દેશ કિરીબાતીમાં થાય છે. ફ્રેન્ચ પોલિશેનિયાની નજીક આવેલા આ દેશની કુલ વસ્તી લગભગ સવા લાખ જેટલી છે. ૧૯૭૯માં ઇગ્લેન્ડ પાસેથી આઝાદી મેળવનાર કિરીબાતી દેશ નાના-મોટા ૩૩ ટાપુઓનો બનેલો છે. નૂતન વર્ષનું સ્વાગત કરવા અહીંના કેરોલિના ટાપુ પર વિશ્વભરમાંથી પર્યટકો ઉમટે છે.
કિરીબાતીમાં તો વિશ્વના અન્ય દેશોની જેમ જ ડાન્સ-મ્યુઝિક અને ઝળાંહળાં ફાયરવર્કસ સાથે ન્યૂ યર સેલિબ્રેશન થાય છે, પણ વિશ્વના કેટલાક દેશો એવા પણ છે, જ્યાં નવા વર્ષનો પ્રારંભ જરા હટકે પરંપરા સાથે થાય છે. આ દેશોની પરંપરા પર નજર ફેરવશો તો આશ્ચર્યચકિત થઇ જશો તેમાં બેમત નથી. જોકે પહેલાં નવા વર્ષની સૌથી પહેલા ઉજવણી કરતા કિરીબાતીની.
કિરીબાતી દેશ નાળિયેર અને તેની પ્રોડકટની નિકાસ કરીને આવક મેળવે છે. અહીં કરન્સી તરીકે ઓસ્ટ્રેલિયન ડોલર ચલણમાં છે. કિરીબાતીના લોકોનું સરેરાશ આયુષ્ય ૫૯ વર્ષનું છે. કુદરતી જીવન જીવતા લોકો આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે. એક સમયે બનાબા આઇલેન્ડ પાસે સારા એવા પ્રમાણમાં ફોસ્ફેટ નીકળતું હતું, જે હવે ખલાસ થવા લાગ્યું છે. કિરીબાતીએ સાઉથ પેસિફિકનું સૌથી મોટું મરીન રિઝર્વ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાની સપાટી સતત વધી રહી હોવાથી લાંબા ગાળે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ છે. આ કિરીબાતીના લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી અને પ્રાદેશિક છે.
આમ તો પેસિફિક મહાસાગર પાસે આવેલા હવાઇ નામના સ્થળે સૌથી પહેલી વાર ન્યૂ યર ઉજવાય છે, પરંતુ દુનિયાના ટાઇમની ડેટલાઇન પાસે આવેલા આ ટાપુની પશ્ચિમ દિશા તરફનો ભાગ પશ્ચિમના ટાઇમઝોન મુજબ દુનિયામાં સૌથી છેલ્લે ન્યૂ યરની ઉજવણી કરે છે. આથી પૂર્વના ટાઇમઝોનને ફોલો કરતો કિરીબાતી દેશ જ ન્યૂ યરનું પહેલું સ્વાગત કરે છે.
કેટલાક દેશોમાં વિચિત્ર પરંપરા
નવા વર્ષની એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી જુદા જુદા દેશોમાં જરા અલગ અલગ રીતે કરાય છે. જોકે મોટા ભાગના દેશોમાં લોકો એકઠા થાય છે અને પાર્ટી કરી સેલિબ્રેટ કરે છે, પણ કેટલાક દેશો એવા છે કે જ્યાં નવા વર્ષની શરૂઆત વિચિત્ર રીતે કરાય છે. જેમ કે, બેલ્જિયમમાં લોકો ગાયની સાથે નવા વર્ષની શરૂઆત કરે છે. જોકે ભારતની જેમ ગાયને અહીં કોઈ ધર્મ સાથે કે ભગવાન સાથે જોડવામાં નથી આવતી, પણ અહીં તેને જીવનગુજારાનું એક માધ્યમ માનવામાં આવે છે. તો વળી કેટલાક દેશોમાં લોકો કબ્રસ્તાનમાં નવા વર્ષની શરૂઆત કરે છે.
• કાચની પ્લેટો તોડે છેઃ તમને જાણીને નવાઈ લાગશે કે ડેનમાર્કમાં લોકો તેમની દરેક એવી પ્લેટોને કે કાચના વાસણોને સંગ્રહ કરીને રાખે છે કે જે બિનઉપયોગી હોય. થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન થાય ત્યારે આ પ્લેટ્સને લોકો તોડે છે.
• રાવણ જેવું જ દહનઃ જે રીતે ભારતમાં રાવણનું દહન થાય છે તેવું જ પુતળાદહન ઇક્વાડોરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થાય છે. આ પૂતળામાં વિસ્ફોટકો ભરેલા હોય છે, જેને સળગાવી આ પૂતળાનું દહન કરાય છે.
• મોઢામાં ૧૨ દ્રાક્ષઃ એક વિચિત્ર પ્રકારની માન્યતા સ્પેનમાં છે. અહીં જે લોકો નવા વર્ષની શરૂઆત નિમિત્તે મોઢામાં એક સાથે ૧૨ દ્રાક્ષ રાખી શકે તેઓ માટે નવું વર્ષ નસીબદાર નીવડે તેમ મનાય છે.
• કલરફૂલ અન્ડરવેરઃ સાઉથ આફ્રિકામાં લોકો નવા વર્ષે કલર અને અન્ડરવેરને મહત્ત્વ આપે છે. અહીં લાલ અન્ડરવેર પહેરે તેને પ્રેમ મળે છે. ગોલ્ડ કલર પહેર તેને સંપત્તિ, અને સફેદ પહેરે તેને શાંતિ મળશે તેવી માન્યતા છે.
• ૧૦૮ વખત ઘંટનાદઃ જાપાનમાં નવા વર્ષની ઉજવણી થાય છે ત્યારે ૧૦૮ વખત બેલ વગાડવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી નવા વર્ષે માનસિક શુદ્ધિકરણ થાય છે. આ બેલ બહુ જ પ્રખ્યાત છે અને વિશ્વમાં વખણાય છે.
• એકબીજા સાથે ફાઇટઃ પેરુવીન ગામમાં લોકો એકબીજા સાથે લડે છે. આ લડાઈ દર વર્ષે ડિસેમ્બર માસમાં શરૂ થાય છે અને આખો મહિનો ચાલે છે. જ્યારે વર્ષની શરૂઆત થાય ત્યારે એકબીજાને ભેટીને લોકો બધું ભૂલી નવી શરૂઆત કરે છે.
• રસ્તા પર આઇસ્ક્રીમ ફેંકવોઃ સ્વિત્ઝર્લેન્ડમાં લોકો આઇસક્રીમને રસ્તા પર ફેંકી દે છે. આઇસક્રીમ ફેંકીને લોકો આ નવા વર્ષની શરૂઆત કરે છે કેમ કે તેને નસીબદાર મનાય છે. ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં આઇસક્રીમ બહુ ખવાતો નથી.
• નદીમાં સિક્કા ફેંકવાઃ રોમાનિયામાં લોકો સિક્કા ઉછાળીને ફેંકવાને નસીબ સાથે સાંકળે છે. અહીં લોકો નદીમાં સિક્કા ફેંકે છે. આમ કરવાથી વર્ષ સારું રહેતું હોવાનું મનાય છે. આ કરન્સીના સિક્કા જ હોય છે.
• પાણી ભરેલી બાલ્ટી ફેંકવીઃ પાણી ભરેલી બાલ્ટી ફેંકવાનો વિચિત્ર પ્રકારનો રિવાજ પૂઅર્ટો રિકોમાં છે. અહીં લોકો રસ્તા પર પાણી ભરેલી બાલ્ટી ફેંકીને સંદેશો આપે છે કે આ રીતે તમારામાં રહેલી ખરાબ બાબતોને ફેંકી દો.
• ગાયને નવા વર્ષની શુભેચ્છાઃ બેલ્જિયમમાં વિચિત્ર પ્રકારની પ્રથા છે. અહીં ખેડૂતો પોતાની ગાયને સૌથી પહેલા નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. તેઓ માને છે કે આ તેમની રોજીરોટીનું માધ્યમ છે. ગ્રામીણ વિસ્તારમાં આ માન્યતા વધુ દૃઢ છે.
• મિઠાઇમાં સિક્કોઃ બોલિવિયામાં લોકો મીઠાઈ બનાવતી વખતે કેટલાક ટુકડામા સિક્કા રાખી દે છે. બાદમાં આ મીઠાઈ લોકો વચ્ચે વહેંચવામાં આવે છે, જેમના ટુકડામાંથી સિક્કો નીકળે તેમને વર્ષ સારું ફળશે તેમ મનાય છે.
• આખો દિવસ સૂટકેસ સાથેઃ કોલંબિયામાં વિચિત્ર પ્રકારની પ્રથા છે. અહીં લોકો નવા વર્ષના દિવસે પોતાની સાથે આખો દિવસ સૂટકેસ રાખે છે. આવું તે લોકો કરે છે કે જેઓ આખું વર્ષ ટ્રાવેલિંગ કરવા માગતા હોય છે.
• રંગ વગરની ધુળેટીઃ કોઇ દેશમાં પાણીની બાલ્ટી ફેંકવાનો રિવાજ છે, તો થાઇલેન્ડમાં લોકો (વગર હોળીએ) ધુળેટી રમીને નવા વર્ષની શરૂઆત કરે છે. અલબત્ત, ધુળેટીમાં રંગનો ઉપયોગ થતો નથી, પણ સાદા પાણીથી રમાય છે. યુવાઓમાં આ પ્રકારે સેલિબ્રેશન વધુ થાય છે.
• કબ્રસ્તાનમાં ઉજવણીઃ એવું નથી કે લોકો ઝાકઝમાળભર્યા સ્થળોએ જ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ચીલીમાં લોકો કબ્રસ્તાનમાં પોતાના સ્વજનની સાથે જઈને રાત્રિ આખી પસાર કરે છે. અરે, તેઓ કબ્રસ્તાનમાં જ ઊંઘી જાય છે.
• ફર્નિચર રસ્તા પર ફેંકવુંઃ સાઉથ આફ્રિકાના કેટલાક પ્રદેશમાં લોકો રસ્તા પર પોતાના જૂનાં ફર્નિચરને ફેંકી દે છે. આમ કરીને તેઓ નવા વર્ષે જૂની બિનજરૂરી સામાનનો નિકાલ કરે છે. આ બિનઉપયોગી ફર્નિચર હોય છે, જેથી આ રીતે ફેંકી દેવામાં આવતું હોવાનું મનાય છે.
• સાત વખત ભોજનઃ ઇસ્ટોનિયામાં લોકો નવા વર્ષની શરૂઆત ખૂબ ખાઈને કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય દિવસે જે લોકો ત્રણ ટાઇમ જમતા હોય તે તેઓ નવા વર્ષના દિવસે સાત વખત ખાય છે.