હોળી અને ધુળેટીની ઉજવણી કઈ રીતે શરૂ થયેલી ખબર છે?

પર્વવિશેષઃ હોળી-ધૂળેટી (6-7 માર્ચ)

હરિભાઈ કોઠારી Wednesday 01st March 2023 06:49 EST
 
 

હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. હિરણ્યકશ્યપુ નામનો એક રાક્ષસ હતો. તેને સર્વત્ર હિરણ્ય એટલે કે સોનું જ દેખાય! ભોગ જ તેના જીવનનો પ્રધાન ભાવ હતો. રાક્ષસ એટલે ‘ખાઓ, પીઓ અને મજા કરો’ એવી મનોવૃત્તિનો માનવ; ભોગ સિવાય જે હલે નહીં અને સ્વાર્થ સિવાય ડગલું ભરે નહીં. તેના રાજ્યમાં પણ તેણે સૌને રોટલો અને ઓટલો મળે એટલું જ જોવાનો પ્રયત્ન કર્યો. લોકોના ભાવજીવન તરફ તેણે સદંતર દુર્લક્ષ્ય સેવ્યું. પોતાની જાતને જ ઈશ્વર સમજનાર તે બીજા ભગવાનનો ક્યાંથી સ્વીકાર કરે?

કાદવમાં કમળની માફક તેને ત્યાં પ્રહલાદ જેવો ભક્તપુત્ર જન્મ્યો. પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદના આશ્રમમાં રહી હતી; જ્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ પર પડી હતી. પ્રહલાદનું અંત:કરણ ભગવદ્ભક્તિથી ભરેલું હતું. તેના પિતાએ તેને બદલવાના અનેક પ્રયત્નો કર્યા, પણ નિષ્ઠાવાન બાળકને બદલવામાં તે સમર્થ બન્યો નહીં. ત્યાર બાદ તેણે તેને મારવાના પ્રયત્ન શરૂ કર્યા. પ્રહલાદનો ઈશ્વરવાદ જો સર્વત્ર ફેલાઈ જાય તો ભોગવાદ પર ઊભા રહેલા તેના રાજ્યનાં મૂળિયાં હચમચી જાય. આસુરી વૃત્તિનો બાપ દીકરાની આવી વાતો કેમ સાંખી લે?

પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નોમાંનો એક એટલે તેને જીવતો જ અગ્નિમાં બાળી મૂકવો. પ્રહલાદ અગ્નિમાંથી ઊઠીને ભાગી ન જાય માટે તેને તેની ફોઈના ખોળામાં બેસાડવો. હિરણ્યકશ્યપુની બહેન હોલિકાને વરદાન હતું કે જો તે સદ્દવૃત્તિના માનવને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. પોતાના ભાઈના આગ્રહને વશ થઈને હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કબૂલ કર્યું. પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ જ્યારે સદ્દવૃત્તિનો ઈશ્વરનિષ્ઠ પ્રહલાદ હસતો-રમતો બહાર આવ્યો. પ્રહલાદ નાનો હતો. જગતમાં પણ સદ્દવૃત્તિના લોકો અલ્પ સંખ્યામાં જ હોય છે; પરંતુ જો તેઓ સંનિષ્ઠ હોય, પ્રભુનિષ્ઠ હોય તેમ જ તપસ્વી અને ક્રિયાશીલ હોય તો વ્યાપક એવી અસદ્દવૃત્તિ પણ તેમને ગ્રસી શકતી નથી. આવો અનુપમ સંદેશ હોળીનો ઉત્સવ આપણને આપે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો તો હોલિકાનું હજારો વર્ષથી આપણે પૂજન શા માટે કરીએ છીએ? હોલિકાના થતા રહેલા પૂજનની પાછળ એક બીજી જ વાતનું સ્મરણ રહેલું છે: જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી એ દિવસે નગરના બધા લોકોએ ઘર-ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. લોકહૃદયને પ્રહલાદે કેવું જીતી લીધું હતું તેનું આ ઘટનામાં પ્રતિબિંબ પડે છે. અગ્નિએ લોકોની અંત:કરણની પ્રાર્થના સ્વીકારી અને લોકોએ ઇચ્છ્યું હતું એવું જ થયું. હોલિકા નષ્ટ થઈ અને અગ્નિકસોટીમાંથી પાર ઊતરેલો પ્રહલાદ નરશ્રેષ્ઠ બન્યો. પ્રહલાદને બચાવવાની પ્રાર્થનારૂપે ચાલુ થયેલી ઘર-ઘરની અગ્નિપૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું અને એમાંથી જ ધીરે-ધીરે ચોરેચૌટે ચાલતી રહેલી હોલિકા પૂજા શરૂ થઈ. એ રીતે જોતાં હોલિકા પૂજન એ અસદ્દવૃત્તિના નાશ માટે તેમ જ સદ્દવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતીક છે અને એથી જ લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે.

હોલિકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા પર રંગ, ગુલાલ વગેરે ઉડાડવા લાગ્યા. કોઈકે વળી ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને એમાંથી ધુળેટી સર્જાઈ. આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન સર્જાયું. નાના-મોટાના ભેદ ભૂલી, મહેલ અને ઝૂંપડીના લોકો એકત્ર આવી ઉલ્લાસથી નાચવા લાગ્યા. આમાં પ્રહલાદ જેવા મહાપુરુષનું કતૃર્ત્વ દેખાય છે.
પ્રહલાદે નાના-મોટા સૌને પ્રાણવાન બનાવ્યા છે. હિરણ્યકશ્યપુને મારવા થાંભલામાંથી નરસિંહ પ્રગટ્યો તે આ જ. થાંભલા જેવા જડ, ચેતનાશૂન્ય અને નિષ્ક્રિય બની ગયેલા લોકોમાં પ્રહલાદે પ્રાણ પૂર્યા; નરમાં સિંહ પ્રગટાવ્યો. નરમાંનો પ્રેમ અને સિંહમાં રહેલો અવિવેક કે સાહસ એકત્ર મળ્યાં અને હિરણ્યકશ્યપુ હણાયો. લોકહૃદયમાં રહેલા પ્રહલાદ માટેના પ્રેમે લોકોને અવિવેકી બનાવ્યા અને તેમનામાં નિર્માણ થયેલી સાહસવૃત્તિએ તેમને હિરણ્યકશ્યપુને મારવા પ્રેર્યા.
હિરણ્યકશ્યપુને નર કે પશુ, ઘરમાં કે બહાર, રાત્રે કે દિવસે કોઈ મારી ન શકે એવું જે વરદાન હતું તે તેની અતિશય કડક જાતરક્ષણની વ્યવસ્થાનું દ્યોતક છે. અસદ્દવૃત્તિ અંદરથી ડરેલી જ હોય છે. તે પોતાના રક્ષણની હંમેશાં આવી કડક વ્યવસ્થા જ રાખે છે, પરંતુ જનમાનસમાં જાગૃતિ નિર્માણ થયા પછી એ વિરાટ નરસિંહ પાસે અસદ્દવૃત્તિએ નમવું જ પડે છે. લોકજાગૃતિ અને લોકસંગઠન પાસે દુષ્ટ વૃત્તિનો પરાભવ થાય છે એ વાત હોળી આપણને સમજાવે છે. જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણદર્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ. આવી ગુણગ્રાહ્ય દૃષ્ટિ જ કોઈ પણ સંગઠનને મજબૂત બનાવે છે.
હોળીમાં શું-શું-બાળવું જોઈએ?
હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમ જ મનના મેલ કે કચરાને પણ બાળવો જોઈએ, સંઘનિષ્ઠાને શિથિલ બનાવનાર ખોટા તર્ક-કુતર્કોનું હોળીમાં દહન કરવું જોઈએ. વળી, શક્તિ અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી એથી જડવાદ કે ભોગવાદની સામે લડનારો પ્રભુનિષ્ઠ સૈનિક ભાવયુક્ત બુદ્ધિ તેમ જ બુદ્ધિનિષ્ઠ ભાવનાથી સુસજ્જ હોવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter