૧૯૬૮માં સુદાનમાં લશ્કરી શાસન આવતાં ગુજરાતીઓને સલામતીની ચિંતા થઈ. અહીં જયંતિલાલ પ્રેમચંદ વાધેર ૧૯૩૮થી ધંધાનો મોટો પથારો ધરાવે. તેમના દીકરા અનિલભાઈએ સલામતી માટે ૧૯૭૧માં પત્ની શોભાબહેન સાથે ખાર્ટૂમ છોડ્યું. ભારત આવ્યા અને પિતાની દુકાન સંભાળી. પત્ની શોભાબહેનના સંબંધી મસ્કતમાં હતાં. ૧૯૪૫માં સુદાનમાં જન્મેલા અનિલભાઈએ છવ્વીસ વર્ષ સુદાનમાં કાઢેલા. અરબી ભાષા સુદાનમાં વપરાતી. વર્ષો સુધી ત્યાં આરબ શાસન અને પછી અંગ્રેજ અમલ. વેપાર-ધંધા અરબીમાં ચાલે. અનિલભાઈ અરબી ભાષાના જાણકાર. આથી મસ્કતમાં અરબી ભાષા અને આરબ આલમ. અનિલભાઈ ૧૯૭૩માં ત્યાં પહોંચ્યાં.
માછલીને તરતા શીખવવું ન પડે તેમ વંશપરંપરાથી વેપારી બુદ્ધિ અને સંસ્કાર ધરાવતા આ શ્વેતાંબર જૈન યુવકને શીખવવું પડે તેમ ન હતું. સુદાનના ઓમદુરમાન નગરમાં ત્યારે ગુજરાતી વેપારીઓની મોટી વસતી. શ્યામવર્ણી અને આરબ ઘરાકો સાથે પિતાનો વેપાર. આ વણિક પુત્રને ભણવા કરતાં વેપારમાં જ રસ. શાળાએથી છૂટીને દુકાને પહોંચે. પિતાનો ઘરાકો સાથેનો વર્તાવ જુએ. મદદરૂપ થાય. આમાંથી ધંધામાં એવો રસ પડ્યો કે માંડ હાઈસ્કૂલનું શિક્ષણ પતાવીને પિતાના ધંધામાં જોડાઈ ગયા.
તે જમાનામાં શાળાના કમ્પાઉન્ડમાં અને મકાનમાં ગુજરાતીઓ તહેવાર, લગ્ન, બાધા, સગાઈ કે પ્રસંગો ઊજવાતા. ઓમદુરમાન શહેરમાં આમ ગુજરાત ગાજતું. છવ્વીસ વર્ષના આવા જીવન પછી ૨૮ વર્ષની વયે તેઓ ઓમાનના પાટનગર મસ્કતમાં આવ્યા. અહીં પણ ગુજરાતીઓની મોટી વસતી. ભાટિયા, લોહાણા અને જૈનો મસ્કતના વેપાર-ધંધામાં મોખરે.
અનિલભાઈએ મસ્કત આવીને જોતજોતામાં વ્યવસાય ક્ષેત્રે આગવું કાઠું કાઢ્યું. એક પછી એક વ્યવસાયિક સિદ્ધિઓનાં શિખરો ચઢતા ગયા. અનિલભાઈ મસ્કતમાં ઈન્તિસાર કોર્પોરેશનનાં માલિક છે. આ કંપનીના જુદા જુદા વિભાગો જુદા જુદા ધંધામાં વ્યસ્ત છે. મસ્કતમાં પેટ્રો ડોલરની સરકારી આવક, ભ્રષ્ટાચારમુક્ત શાસન અને ઉદારીકરણની નીતિથી ભાતભાતના ધંધા વિકસ્યા છે.
આથી નવાં નવાં મકાન અને કારખાનાં થતાં કંપનીએ બિલ્ડિંગ મટિરિયલ્સના વેપારમાં જબરી પ્રગતિ કરી છે. કંપની ફાયર ફાઈટિંગનો મોટો વિભાગ ધરાવે છે. મોટી મોટી ઈમારતોમાં તે ફાયર એલાર્મ ગોઠવે અને આગ બુઝાવવા સ્પ્રિંકલર ગોઠવે છે. વધારામાં આવી ગોઠવણની જાળવણીના કોન્ટ્રાક્ટ રાખે છે. વધારામાં મોટી ઈમારતોની જાળવણી, સમારકામ, સુવિધાઓ, રંગરોગાનના કોન્ટ્રાક્ટ રાખે છે. કંપની પાસે હાર્ડવેર, સેનેટરીવેર અને ઈલેક્ટ્રિકલ સરંજામનું મોટું ડિવિઝન છે. કોમ્યુટર ડિવિઝનમાં કોમ્પ્યુટર અને તેનાં ઉપકરણો વેચે છે. રેડીમેઈડ કાપડ, કોસ્મેટિક્સ વગેરેમાં તેમનો વેપાર છે. કંપની ફાઈબર ગ્લાસનું ઉત્પાદન કરીને બજારમાં સ્પર્ધાત્મક ભાવે વેચે છે. આ બધા વિભાગોમાં થઈને સેંકડો માણસો કામ કરે છે.
અનિલભાઈ એકલપેટા નથી. તેમણે પોતાના ભાઈ કિશોરભાઈ જે લંડન હતા તેમને પણ મસ્કત બોલાવીને ભાગીદાર બનાવતાં ધંધો ખૂબ વિકસ્યો. ધંધામાં બીજા બે સિંધી ભાગીદાર પણ છે. બધાં વચ્ચે પરસ્પર ગજબનો વિશ્વાસ અને બિરાદરી છે.
પુત્ર વિશાલ દોઢ દાયકાથી વધારે સમયથી અમેરિકાના એરિઝોના રાજ્યના ફિનિક્સમાં કોમ્પ્યુટર અને સોફ્ટવેરના ક્ષેત્રે વ્યવસાયી છે. બે દીકરીઓ અમેરિકામાં છે. મોટી દીકરીએ એકાઉન્ટન્સી કર્યું છે અને લંડનમાં સ્થિર થઈ છે. આમ ભારત, સુદાન, અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઓમાન એવાં પાંચ-પાંચ રાષ્ટ્રો સાથે અનિલભાઈનો આગવો નાતો છે.
અનિલભાઈ મસ્કતના ગુજરાતી સમાજની કારોબારી અને જૈન સમાજની કારોબારીમાં સભ્ય છે. અવારનવાર કાર્યક્રમોમાં સ્પોન્સર બને છે. પ્રમુખસ્વામી મહારાજની ઓમાનની મુલાકાત વખતે, તેમની સાથેની પ્રથમ મુલાકાતે હૃદયમોતી વિંધાયું અને સ્વામીનારાયણ સત્સંગમાં જોડાયા. તેમાં પણ અવારનવાર દાન આપવામાં મોખરે રહે છે.
અનિલભાઈ સર્વધર્મ સમભાવમાં માને છે. પ્રેમથી માણસનું હૃદય જીતે છે. આરબ મુસ્લિમ વેપારીઓ સાથે પણ તેમને મૈત્રી સંબંધો છે.
અનિલભાઈને ઝાઝું બોલવાની ટેવ નથી પણ વિના બોલ્યે કામ કરવાની અને ડિમડિમ પીટ્યા વિના દાન આપવાની એમની ટેવથી એમનો ચાહક વર્ગ વધ્યો છે.