દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘રુક જાના નહીં...’
પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 35 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફ ચેન્જર સાબિત થાય તેવા લેખોનો સંગ્રહ એટલે ‘રુક જાના નહીં...’ આજે ગૂગલયુગમાં યુવાનો કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું તે કોમ્પ્યુટરમાં સર્ચ કરીને જોઈ શકે છે, પણ આ કાર્ય હું શા માટે કરવા માંગુ છું? એ સવાલ ભાગ્યે જ કોઈ યુવાનના મનમાં ઉઠતો હોય છે. દરેક પાસે આંતરિક શક્તિઓ હોય છે. બસ, જરૂર છે એને બહાર લાવવાની. આ પુસ્તક આંતરશક્તિ ખીલવવાનો પ્રયાસ છે.
પ્રસ્તુત પુસ્તકમાં સિનિયર સિટીઝન્સ માટે પણ ઉપયોગી અનેક લેખ છે. ‘ત્રીજો અંક’ લેખમાં લેખક લખે છેઃ ઘણા વર્ષો પહેલાં એક મિત્રના નાટકના રિહર્સલમાં હું હાજર હતો. ત્રિઅંકી નાટક હતું. ત્રીજા અંકના રિહર્સલમાં ડિરેક્ટર સતત એક વાક્ય બોલતા હતાઃ ‘આ છેલ્લો અંક વધારે જામવો જોઈએ’. જીવનનું પણ એવું જ છે. સિનિયર સિટીઝન થયા એટલે ત્રીજા અંકની શરૂઆત થઇ તેમ કહી શકાય. સાઠ વર્ષ પછીનો તબક્કો પણ આપણા જીવનનો છેલ્લો અંક જ છે. એ વધારે જામવો જ જોઈએ, પણ એ છેલ્લો અંક ક્યારે જામે? જો પહેલેથી જ જીવન જીવવામાં ચીવટ રાખી હોય તો. જો ચીવટ નથી રાખી તો પછી આપણે ત્યાં જાગ્યા ત્યાંથી સવાર એવી કહેવત અત્યંત પ્રચલિત છે જ.
લેખક વિવિધ લેખ દ્વારા આત્મવિશ્વાસ, પ્રાર્થનાનું મહત્ત્વ, પર્પઝ ઓફ લાઈફ, માનવતા તથા કર્મના સિદ્ધાંત વિશે હૃદયને સ્પર્શી જાય તેવી સરળ ભાષામાં સંદેશ આપવામાં સફળ રહ્યા છે.
અમદાવાદના અમોલ પ્રકાશન મારફત પ્રકાશિત થયેલ ‘રુક જાના નહીં...‘રુક જાના નહીં...’ માત્ર યુવાનો માટે જ નહીં બલ્કે, કોઈ પણ ઉમરની વ્યક્તિ માટે પથદર્શક બની રહે તેવું છે. અમોલ પ્રકાશનના સહયોગથી આ પુસ્તક ગુજરાતના વૃદ્ધાશ્રમો તથા શાળાઓમાં વિનામૂલ્યે પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ હાલ થઇ રહ્યું છે. પુસ્તકની કિંમત રૂ. 125/- છે, જે વીસ ટકા ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ છે. કોઇ આ પુસ્તકને શાળાઓ કે સંસ્થાઓને બલ્કમાં ડોનેટ કરીને વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે લેખક આ પુસ્તકના વેચાણમાંથી રોયલ્ટી પેટે મળનારી તમામ આવક સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે ખર્ચવાની અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા છે.
(પૃષ્ઠઃ 88 • પ્રકાશકઃ અમોલ પ્રકાશન - અમદાવાદ • ઇમેઇલઃ [email protected])