આફ્રિકા, યુકે અને ભારતના ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી વલ્લભદાસ નાંઢાનું નામ જાણીતું છે. "ગુજરાત સમાચાર"ના વાચકો પણ આ નામથી પરિચિત છે જ. લગભગ ચારેક દાયકાથી આપણા ગુજરાત સમાચારના દીપોત્સવી અંકમાં એમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી રહી છે. નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ દ્વારા તાજેતરમાં એમનું ૧૧મું પુસ્તક "ગુલામ" પ્રકાશિત થયું છે. લેખકનું આ પુસ્તક મને રીવ્યુ માટે પોસ્ટમાં મળ્યું. બે-ત્રણ બેઠકમાં આગળ શું થશે એ જાણવાની ઇંતેજારીમાં મેં એનું પહેલા પાનથી છેલ્લા પાન સુધી વાંચન કરી એ માણ્યું. મારા જેવા અનેક વાચકો માટે એ રસપ્રદ નીવડશે.
આ નવલકથામાં આફ્રિકાખંડના પશ્ચિમી દરિયા કાંઠેથી ૧૯મી સદીના લગભગ અંત સુધી ગુલામોને પકડવાનો ને વેચવાનો ધીકતો ધંધો માનવતા ને કરૂણતાને કોરણે મૂકી ક્રુરતાની ચરમસિમા વટાવી જાય તેવો બર્બર હતો એની રજુઆત લેખકની કસાયેલી કલમે થઇ છે. નાણાં કમાવાની લોલુપતાએ ધન પીપાસુઓ માનવ મટી હેવાન બન્યા હોવાની હકીકતનો પર્દાફાશ આ નવલકથામાં લેખકે પોતાની કાલ્પનીક સૃષ્ટિના પાત્રોના અને દ્રશ્યોના સર્જનથી કર્યો છે. કથા વસ્તુ પણ કાલ્પનીક ભૂમિકા પર રચાયેલ છે.
લવાન્ડો, ગાંગોરી, કિમિસુ, મકુન્ડી, બોબ ફિન્ચ, અનાબેલ, સોફીયા વગેરે અનેકવિધ પાર્શ્વભૂમિકા ધરાવતા નવલકથાના પાત્રો એક ભાતીગળ સૃષ્ટિ રચે છે. સૌના સાહસ, પીડા, લાચારી અને બલિદાનની આ કથા છે. આફ્રિકાની પીઠીકા પર ગુજરાતીમાં નવલકથાઓ લખાઇ છે પણ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના ગુલામો વિષે લખાઇ છે. જ્યારે આ "ગુલામ" નવલકથા આફ્રિકાના પશ્ચિમ વિભાગમાં ચાલતા ગુલામોના વેપારની મનોયાતનાને વાચા આપતી કથા છે.
માનવીઓને પશુની જેમ પકડીને, સાંકળે બાંધીને, એમના કુટુંબ-કબીલાથી વિખૂટા પાડીને જહાજમાં ખડકી-ખડકીને અમેરિકા, બ્રિટન કે અરબસ્તાનમાં રવાના કરવામાં આવતા અને એમના પર ભારે અત્યાચાર તથા જોરજુલમ કરવામાં આવતા એ વિગતોનું લેખકે કરેલ ચિત્રણ રોંગટા ખડું કરી દે તેવું કરૂણ છે. જે વાંચી કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૈયું દ્રવી ઉઠે.
ત્રણ-ત્રણ સદીથી ચાલી રહેલ આ ગુલામના ધંધા પર લગામ મૂકવી એ કપરૂં કામ હતું. અમેરિકાના પ્લાન્ટરોને પાણીના ભાવે શેરડીના ખેતરોમાં મજૂરી કરનારા વેઠીયા મળતાં હોય તો કોણ એનો વિરોધ કરે? વેપારીઓ માટે અર્થોપાર્જન ઉપરાંત લાચાર સ્ત્રીઓને હવસખોરીનો શિકાર બનાવી મોજમજા માણવાની... આ બધું છોડવા કોણ તૈયાર થાય? બ્રિટનમાં પણ બ્રિટનવાસીઓ ઘરમાં નોકર-નોકરાણી તરીકે ગુલામોને રાખી તેમનું શોષણ કરવામાં આવતું તેની વિગતો પણ આ કથામાં વણી લેવા પ્રયાસ કરાયો છે.
આ ગુલામી પ્રથા નાબૂદ કરવા કેટલાક માનવતાવાદી અંગ્રજોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો હતો. આ વીરોની યાદીમાં ગ્રેનવીલ શાર્પનું નામ ઝળહળતું છે. લાંબા ગાળાની આ પ્રથાના વિરોધની લડતના વિજયનો દિવસ એટલે ૨૫ માર્ચ ૧૮૦૭. જ્યારે બ્રિટને તેમજ તેના સંસ્થાનો અને કેરેબીયન ટાપુ વચ્ચે ફૂલેલા-ફાલેલા ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૂકતું એક બીલ બ્રિટનની પાર્લામેન્ટમાં પસાર થયું અને ઇંગ્લેન્ડની ભૂમિ પર ગુલામોની આયાત ઓછી થવા લાગી.ગુલામી પ્રથાના ભોગ બનેલ લાખો લાચાર પરવશ ગુલામોને આ પુસ્તક અર્પણ કરાયું છે. નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ગુલામોની આપવીતિને શબ્દદેહે સર્જન કરનાર લેખકની રજુઆતકલા માન ઉપજે તેવી છે. ખાસ કરીને આફ્રિકાથી આવેલ ભાઇ-બહેનોને ભૂતકાળની અને સ્વાહિલી ભાષાની યાદ તાજી કરાવે તેવું આ પુસ્તક મેળવવા સંપર્ક: [email protected]