કર્મભૂમિ-જન્મભૂમિને શોભાવનાર રોજીરોટીના સર્જક કર્મયોગી

પુસ્તક પરબ

Wednesday 18th December 2019 07:28 EST
 
 

તાજેતરમાં પ્રા. ચંદ્રકાંત પટેલનું ૧૧૦મું પ્રકાશન ‘રોજીરોટીના સર્જક કર્મયોગી સાહસવીરઃ દિલીપ બારોટ’ માત્ર જાણવા જેવું જ નહીં, માણવા જેવું પણ છે. પિતૃગૃહ અને શ્વસુરગૃહ બંનેને શોભાવનાર જૂજ મહિલાઓની જેમ કર્મભૂમિ અને જન્મભૂમિ બંનેને શોભાવનાર પણ જૂજ હોય છે. દિલીપ બારોટ આમાંના એક છે. રેલવેમાં ગાર્ડ એવા સોમાભાઈ બારોટનાં આઠ સંતાનોમાં એક તે દિલીપ. શાળાજીવનમાં પ્રથમ નંબરે રહેનાર, રમતગમતોમાં મોખરે. કુસ્તીમાં વિજેતા એવા દિલીપનો મેડિકલ પ્રવેશ જરાકમાં રહી જતાં ફાર્માસિસ્ટ થવું પડ્યું.
પિતાના આચાર અને અખાડાની તાલીમે ઘડાયેલા તન-મનમાં દેશસેવાની ધખના. પિતાએ કહેલું, ‘લોકોને રોજી-રોટી મળે તે કરવું તે પણ દેશસેવા.’ આ સંસ્કાર સાથે તે અમેરિકા પહોંચે છે. કોલેજકાળની સખી ગોપી પરીખ પણ મિત્રના પગલે અમેરિકા પહોંચે છે. બંને પરિવારની સંમતિથી પરણીને દંપતીએ અમેરિકામાં આરંભે અઠવાડિયે ૧૦૦ ડોલરના પગારે કામ શરૂ કર્યું. પરિશ્રમ ઢાંક્યો ના રહ્યો. થોડા સમયમાં છ મોટેલોમાં ભાગીદારી થઈ.
ફ્લોરિડાના કીવેસ્ટ નગરમાં ઓછી આવકવાળા લોકો માટે નગરની સંમતિથી પોતે જ રોકાણકારો શોધીને આવાસ બનાવ્યા. લોકકલ્યાણની યોજના અમલી બનાવી. ઘટતી વસતીવાળું નગર સમૃદ્ધ થયું. બીજા નગરોએ તેમને આમંત્ર્યા.
હજારો આવાસ બાંધીને ગરીબોને રોજગારી આપી. રાજ્યના અર્થતંત્રને વેગ આપ્યો. આજે આવા ૫૦૦૦ એપાર્ટમેન્ટના તે માલિક છે.
સરકારના રોકાણ વિના પોતે જ રોકાણકારો શોધીને ગુજરાત સરકારની ઈચ્છાથી તેમણે ટાટા નગરની લઘુ આવૃત્તિ જેવા ઈન્ફોસિટીની ગુજરાતમાં સ્થાપના કરી. આને કારણે આંધ્ર અને કર્ણાટકની જેમ ગુજરાતમાં આઈટી ક્ષેત્રનો વિકાસ થયો. શિક્ષિતોની બેકારી ઘટી. પ્રત્યક્ષ રીતે હજારોને અને આડકતરી રીતે લાખોને રોજી આપી. સરકારને અત્યાર સુધીમાં અબજો રૂપિયાની કરવેરાની આવક પ્રાપ્ત થઈ. ઉદ્યોગ-ધંધા વિકસ્યા અને અર્થતંત્રમાં ગતિ આવી. ફાર્માસિસ્ટ યુવકની જન્મભૂમિ પ્રત્યેની મમતાએ ગુજરાતની રોનક બદલી. જન્મભૂમિ અને કર્મભૂમિ બંનેને શોભાવનારની આ સાફલ્યગાથા જાણવા અને માણવા જેવી છે.
પૃષ્ઠઃ ૧૫૪ • પ્રકાશકઃ અંકિત પ્રકાશન, આણંદ - ફોનઃ +91-2692-255238
• email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter