તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો હશે. એના જ અનુસંધાનમાં કહું તો આ પુસ્તકમાં પણ શ્રી જશવંતભાઇએ એમના જીવનના અતીતના સંભારણા, એની રોચક, રોમાંચક વાતો, સામાન્યમાંથી અસામાન્ય પ્રગતિના ચઢાણ વગેરે બાબતોને વાચા આપી ભાવિ પેઢી માટે કાયમી સ્મૃતિઓ એમાં સંઘરી છે.
ટાંગાનિકાનું ટાંગા નજીક આવેલ ગામ કોરોગોવામાં ૧૯૪૨ની ૧૩ ડીસેમ્બરે જેઠાલાલ અને કૌશલ્યાબેન નાકરના આ રસિક દિકરાએ પોતાની જીવનસફરને આ પુસ્તકમાં મઢી લીધી છે.
આ એક એવા પ્રેમી છે કે જેમણે પોતાની પ્રિય પત્ની સુશીલાબેન સાથેના બાળપણના પ્રેમની ગાથા, એના રૂપ-ગુણના પૂજારી બની ગાઇ છે. એનું પુસ્તક "એન એફેર ટુ રીમેમ્બર" બનાવી પોતાની પત્નીને ૭૦મી બર્થડે અને ૬૦ વર્ષની મૈત્રી, લગ્નના ૫૦ વર્ષ નિમિત્તે ત્રિવેણી સંગમ રચી સરપ્રાઇઝ ભેટ આપી જાહેરમાં પ્રેમનો એકરાર કરતું સચિત્ર પુસ્તિક સાદર કર્યું.
પોતાના માતા-પિતાના સ્મૃતિમાં ૧૯૯૩-૨૦૧૦ જે.કે.ફાઉન્ડેશન ચેરિટી સ્થાપી અંજલિ આપી. એ નિમિત્તે એક પુસ્તિકા તૈયાર કરી. અને "આઉટ ઓફ આફ્રિકા" પુસ્તકમાં પોતાના જીવન પર પ્રકાશ ફેંક્યો.
અને છેલ્લે આ બધી જ પુસ્તિકાઓના સંકલન સહિત "ધ અલીમાંગા બોય" એક દળદાર પુસ્તક બનાવ્યું. આટલી બધી જહેમતમાં એમનું જીવન ઝળહળી ઉઠ્યું અને યાદોંની બારાત કાઢી. જેના આરંભે એમના રૂપાળા પત્ની સુશીલાબહેને પોતાના પતિ માટે ઉઘડતા પાને લખેલ લેખમાં બોલીવુડના ગીતોના અવતરણો ટાંક્યા છે જે એમની તાજગીભરી યુવાની આજે ય યથાવત હોવાના સાક્ષી છે. આરંભે : ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો, ગોરી ગોરી ઓ બાંકી છોરી, ચાહે રોજ બુલાયા કરો...”
અને સમાપનમાં " અય મેરી જોહરાજબી, તુઝે માલૂમ નહિ, તું અભી તક હૈ હસી ઔર મૈં જવાઁ.”મૂકી લગભગ આઠ દાયકાના આરે પહોંચવાની નજીક આવ્યા છતાં દિલ જુવાન હોવાની પ્રતીતિ કરાવે છે. આ પુસ્તક એમણે પોતાના ત્રણ સંતાનો સંગીતા, બબીતા અને સરજુને અર્પણ કર્યું છે. છેલ્લે એક અંગત વાત. એમની પ્રેમ કહાનીને ગુજરાતીમાં શબ્દદેહે સજાવવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું.
વાચક મિત્રો, આપ પણ જીવનને મહેંકતું અને સદાબહાર રાખવા આ પ્રયોગ કરવાનું સાહસ ખેડશો તો જરૂર મજા આવશે.