નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર શપથ લીધા તે સાથે જ ભારતીય રાજકારણમાં તેમના પગરણ થયા. ગુજરાતથી રાષ્ટ્રીય ફલક સુધી પહોંચવાની તેમની યાત્રાને આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે.
માત્ર ચાર દાયકાના અસ્તિત્વમાં, ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકસિત થઇ છે, તેને વિશ્વના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના ગણી શકાય. એપ્રિલ 6, 1980ના રોજ સ્થપાયેલો આ પક્ષ અત્યારે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. વિઝનરી નેતાઓ અને કાર્યકરોના તાદાત્મ્ય પ્રયાસોથી પક્ષ આ મુકામે પહોંચ્યો છે. પક્ષને નવી દિશા આપવામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આટલા વર્ષોમાં તેમણે વિશિષ્ટ શૈલી અને વિઝન સાથે જે કામગીરી કરી છે, તેના વિશે ઓછી જાણેલી રસપ્રદ બાબતો – ‘ધ આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ બીજેપીઃ હાઉ નરેન્દ્ર મોદી ટ્રાન્સફોર્મ્ડ ધ પાર્ટી’ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ પુસ્તક અત્યંત બારીકાઇ સાથે અધ્યયન અને ચોક્કસ ઉદાહરણથી એ સમજાવે છે કે કેવી રીતે છેલ્લા ત્રણ દાયકાઓમાં ભાજપમાં પરિવર્તન આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે યોગદાન આપ્યું છે, તેના વિશે ઓછી જાણીતી હકીકતો પુસ્તકમાં સામેલ કરવામાં આવી છે. જેમાં તેમણે પાર્ટીને ઊભી કરવા માટેની પરંપરાગત પદ્ધતિઓમાં કેવી રીતે પ્રયોગો કર્યા અને અમુક નવીન પદ્ધતિઓ દ્વારા પક્ષનો વ્યાપ વધારવા માટે શું કામગીરી કરી તેની વિગતો રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.
પક્ષના કાર્યકરો, નેતાઓ અને ઓબ્ઝર્વર અને પક્ષના મહત્વના ચહેરાઓ સાથેના વિવિધ એક્સક્લુઝિવ તથા વિગતપૂર્ણ ઇન્ટરવ્યૂ અને સંવાદથી અમુક અનુભવ, કિસ્સાઓ અને અંદરની માહિતીનો નવો આયામ આ પુસ્તક રજૂ કરે છે. તેના દ્વારા એ સમજાય છે કે કેવી રીતે પક્ષના દિગ્ગજ નેતાઓએ તેમના બારીક અધ્યયન અને સૂઝથી એક એવું મોડલ તૈયાર કર્યું જેનાથી ભાજપ અત્યારે ચૂંટણીમાં સપાટો બોલાવતા પક્ષ તરીકે પરિવર્તિત થઇ ગયો છે.
નરેન્દ્ર મોદીના અમુક ઓછા જાણીતા યોગદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક તરીકે ગુજરાતની મચ્છુ હોનારત 1979 સમયે તેમની રાહત કામગીરીનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના લીધે આ સંસ્થા પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાયો હતો. તે સિવાય 1987ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત માટે તેમણે નિભાવેલી ભૂમિકાનો ઉલ્લેખ પણ મહત્વપૂર્ણ છે.
આ પુસ્તક અજય સિંહે લખ્યું છે જેઓ 35 વર્ષનો અનુભવ ધરાવતા નિવડેલા પત્રકાર છે. તેમણે એક રિપોર્ટરથી લઇને બ્યૂરો ચીફ, પોલિટીકલ એડિટર અને એડિટોરિયલ ડાયરેક્ટર તરીકે ટોચના સમાચાર સંસ્થાનોમાં કામગીરી કરી છે. તેમાં ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’, ‘ધ ટેલિગ્રાફ‘, ‘ધ પાયોનિયર’, સ્ટાર ટીવી, સહારા ટીવી, ન્યૂઝએક્સ, ગવર્નન્સ નાઉ અને ફર્સ્ટ પોસ્ટ જેવા અખબારો, ટીવી ચેનલો અને વેબ પોર્ટલનો સમાવેશ થાય છે. લખનઉ અને પટણામાં તેઓ પાયાના સ્તરે કાર્ય કરી રહ્યા છે અને હિન્દીભાષા ક્ષેત્રની રાજકીય પરિસ્થિતિને વાસ્તવિકતામાં સમજે છે. તેમણે ભાજપનો વિકાસ ખૂબ નજીકથી જોયો છે અને પક્ષના વર્તમાન ઇતિહાસ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ સમયે તેઓ હાજર રહ્યા છે. અત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
લેખકે પુસ્તકમાં લખ્યું છેઃ ‘નરેન્દ્ર મોદીની પદ્ધતિઓ મોટા ભાગે જૂનવાણી છે, જેને અત્યંત મક્કમતા અને દૃઢતાથી લાગુ કરવામાં આવી અને તેમના વિરોધીઓએ પણ તેમના નવીનીકરણને અજાણતામાં અપનાવવા લાગ્યા હતા.’
આ પુસ્તકમાં 100 લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો છે, જેથી જે રીતે જૂના ભાજપમાંથી નવો ભાજપ ઉભરીને આવ્યો તેના વિશે એક ચિત્ર સ્પષ્ટ થઇ શકે.
અજય સિંહ કહે છે, ‘આજથી દસ વર્ષ પહેલાં જો કોઈ એમ કહે કે ઉત્તર-પૂર્વમાં ભાજપ આટલો મજબૂત હશે, તો તે વાત કોઈ સ્વીકારવા પણ તૈયાર ન હતું. કે પછી દક્ષિણમાં ભાજપનો વ્યાપ વધશે, તેવું પણ કોઈ વિચારી શકતું ન હતું, કારણ કે પંદર વર્ષ પહેલાં પાર્ટી ભૌગોલિક વ્યાપ અંગે પરેશાન હતી. એક પ્રકારની અસ્પૃશ્ય જેવી લાગણી હતી. અત્યારે તે પક્ષની પોતાની જ સરકાર છે. અમુક ભાગ છોડીને અત્યારે સમગ્ર ભારતમાં ભાજપનો વ્યાપ છે, તો આ સંગઠનની આવડત શું છે તેની યાત્રાનો અમુક ભાગ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે.’
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની ચૂંટણીની પ્રથમ જીત વિશે અજય સિંહ કહે છે, ‘87ના સમયગાળામાં એવું માનવામાં આવતું હતું કે અમદાવાદમાં કોઈ જીતી ન શકે. તે સમયે નરેન્દ્ર મોદીએ જે રીતે કામગીરી કરી અને ભાજપે મ્યુનિસિપલ ચૂંટણીમાં જે રીતે જીત મેળવી તેને આજ સુધી લોકો યાદ કરે છે. ભાજપે કોઈ પરંપરાગત મેથડ જ નહોતી અપનાવી. અશોક ભટ્ટ જેવા નેતાઓને પાર્ટીમાં લીધા અને પાર્ટીનું એક્સપાન્સન વધ્યું. એ પછી એએમસીનું મોડલ સ્ટેટમાં એક્સ્ટેન્ડ થયું. સંઘ સિવાય બહારના લોકોએ પણ કામ કર્યું.’
આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીની ગુજરાતથી રાષ્ટ્રીય ફલક સુધી પહોંચવાની યાત્રાને યોગ્ય રીતે વણી લેવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ કેવી રીતે સંઘમાંથી કાર્યકરોને લાવીને પક્ષનું માળખું મજબૂત કર્યું અને કઈ રીતે પક્ષને વધુ લોકો સુધી લઇ જવા માટે વિવિધ નીતિઓ અપનાવી તેના વિશે લખાયું છે. નરેન્દ્ર મોદીએ કેવી કેવી અડચણોનો સામનો કરવો પડ્યો, તેના વિશે પણ વાચકોને આ પુસ્તકમાં જાણવા મળશે. જે કોઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના અમુક નવીન પાસાઓ અને અજાણી બાબતો વિશે જાણવા ઇચ્છુક છે અને ભાજપ અત્યારે જે વ્યાપ ધરાવે છે તેની પાછળ કેટલી મહેનત કરવામાં આવી છે તેના વિશે માહિતગાર થવામાં કોઈને રસ હોય, તો આ પુસ્તક ચોક્કસથી વાંચવું જોઇએ.