દરિયાપારના ગુજરાતીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને જીવન પરિચય લખવામાં માહેર પ્રા. ચંદ્રકાન્ત પટેલનું આ ૧૦૯મું પુસ્તક સંસારી સાધુ શા ધીરુભાઈ બાબરિયાનો સુપેરે પરિચય આપે છે. રાજકોટ ગુરુકૂળમાં માત્ર એક વર્ષના અભ્યાસ દરમિયાન ગુરુકૂળના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજીનો તેમને પ્રત્યક્ષ અનુભવ થયો. ધર્મજીવનદાસજીના આચાર, વિદ્યાર્થીઓ પ્રત્યેનો અપાર પ્રેમ અને ભગવાન સ્વામિનારાયણ તરફની તેમની અપ્રતિમ શ્રદ્ધાએ ધીરુભાઈનું જીવન પલટાયું. આચાર, વિચાર અને આહારથી તેઓ પૂરા સ્વામિનારાયણ બન્યા.
અમેરિકામાં ભણવા આવ્યા અને રાજકોટ ગુરુકૂળના અમેરિકાસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સાથથી સ્વામિનારાયણ સત્સંગ મંડળ સ્થાપ્યું. અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં તેમણે ૨૦૧૨થી આરંભીને ૨૦૧૯ના અંત સુધીમાં આઠ ગુરુકૂળ સ્થાપ્યાં. ધીરુભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ સમગ્ર યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવીને બીજા નંબરે આવેલા. ધર્મની સાથે ધંધામાં પ્રાવિણ્ય ધરાવતા તેમની પાસે અમેરિકામાં પીસીબીની ત્રણ ફેક્ટરી છે. ટેક્સાસ સ્ટેટમાં તેઓ એક બેંકના ૮૦ ટકા શેર સાથે માલિકી ધરાવે છે. સહજાનંદ લેસર ટેકનોલોજી નામની તેમની કંપની પાસે ગાંધીનગરના જીઆઈડીસીમાં તેઓ સહજાનંદ લેસર ટેકનોલોજી કંપનીમાં ભાગીદાર છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટા ગજાના ઈન્વેસ્ટર છે. અમેરિકામાં એમનાં ખૂબ રોકાણ છે. આવા ધીરુભાઈનાં દાન મુખ્યત્વે ગુપ્તદાન બની રહ્યાં છે. અનેક ક્ષેત્રમાં રોકાણ ધરાવતા તેઓ રાજકોટ ગુરુકૂળનાં મોટા દાતામાંના એક અને તેના ટ્રસ્ટી છે. વધારામાં અમેરિકામાંની તેમની બેંક સત્સંગીને ધંધા-રોજગારમાં મદદરૂપ થતી હોવાથી તે રીતે ગુજરાતીઓની સેવાનું નિમિત્ત બન્યા છે.
(પૃષ્ઠઃ ૧૧૬ • સંપર્કઃ અંકિત પ્રકાશન-આણંદ, ફોનઃ ૦૨૬૯૨-૨૫૫૨૩૮ • email: [email protected])