આ શીર્ષક વાંચીને આપણને સંગમ ફિલ્મનું ગીત ‘દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર પ્યાર ના રહા...’ યાદ આવી જાય. પરંતુ અહિ લેખકે સકારાત્મક વાત કરી છે. એમની વાર્તામાં દોસ્તની વફાદારી જીવનપર્યંત ટકી રહ્યાની વાત છે.
'દોસ્ત, દોસ્ત હી રહા' વાર્તાસંગ્રહમાં ૨૦ વાર્તાઓ છે. બ્રિટનમાં વસતા ભારતીય સમાજની વ્યક્તિઓની અવ્યક્ત વેદના, સંવેદના, લોકજીવન અને સંસ્કૃતિના તાણાંવાણાં વગેરેની વિવિધ લક્ષી અભિવ્યક્તિ એમની વાર્તાઓમાં થઇ છે.
બે દોસ્તની કથા ગુજરાતના ગામડામાં બનેલી ઘટના છે. સોહમ અને ધવલ નામના બે મિત્રો છે. સોહમને પરીક્ષા ખંડમાં બાજુના પરીક્ષાર્થીની ઉત્તરવહીમાંથી નકલ કરવાના કારણથી બહાર કાઢી મૂકવામાં આવે છે અને તે ઘટના એની આત્મહત્યાનું નીમિત્ત બને છે. એ આઘાત મિત્ર ધવલને જીવનભર પીડતો રહે છે. એ પ્રસંગ વાર્તામાં સચોટપણે આલેખાયો છે. આ બન્ને મિત્રોના વાલીઓના વ્યવહારનું ચિત્રાંકન વાર્તાને નવું પરિમાણ આપે છે.
‘ખાલીપો’ નિ:સંતાન દંપતીની વ્યથા વ્યક્ત કરતી અલગ ભાત પાડતી વાર્તા છે. આ અને આવી અન્ય વાર્તાઓમાંથી લેખકના ભાવ વિશ્વનો પરિચય થાય છે.
ગુજરાતમાં ગાંધી કુટિરમાં રહી શિક્ષણ પામેલા રમણભાઇના મૂળભૂત સંસ્કારો લંડનના લાંબા વસવાટ પછી પણ જળવાયા છે એની પ્રતીતિ આ વાર્તાઓ વાંચ્યા પછી થાય છે. ઉત્તર ગુજરાતના નાના ગામડાના સામાન્ય પાત્રોથી માંડી યુરોપ, આફ્રિકાની ભૂમિ સુધી એમની વાર્તાઓના પાત્રોનો ફલક વિસ્તર્યો છે.
આ પુસ્તકના લેખક રમણભાઇ પટેલે ૨૦૦૫થી એમની લેખન યાત્રા શરૂ કરી બ્રિટનના ગુજરાતી સમાજને ૧૨ વાર્તાસંગ્રહો તથા અન્ય ત્રણ પુસ્તકોની ભેટ ધરી છે. ‘દોસ્ત, દોસ્ત હી રહા' એમનો બારમો વાર્તા સંગ્રહ છે. એમણે એક સત્ય ઘટના પરથી આ વાર્તાસંગ્રહને નામ આપ્યું છે. ગુર્જર સાહિત્ય પ્રકાશન - અમદાવાદ એના પ્રકાશક છે.
લેખકને એમનામાં રહેલા સર્જક તત્વે ડિમેન્શીયા જેવા રોગનો શિકાર બન્યા પછી ઉગાર્યા છે. એ સૂચવે છે દરેક વ્યક્તિએ પોતાના મનપસંદ વિષય પ્રત્યે લગાવ રાખી એમાં પ્રવૃત્ત રહેવાથી ઢળતી વયને રોગના ભોગ બનવાથી બચાવી શકાય છે. આશા રાખીએ કે ભવિષ્યમાં પણ રમણભાઇ પટેલ સાહિત્ય સર્જન કરતા રહે.