કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરતું હોય છે.
યુવલ નોઆ હરારીનું એવું જ એક ક્રાંતિકારી પુસ્તક છે ‘સેપિયન્સ’. આ પુસ્તકમાં માનવજાતિના સંક્ષિપ્ત ઈતિહાસનું અધિકૃત અને એક નવા જ દૃષ્ટિકોણથી રસપ્રદ બયાન કરવામાં આવ્યું છે. પ્રકાશિત થયાનાં થોડા જ સમયમાં દુનિયાભરમાં હલચલ મચાવી દેનાર આ પુસ્તક ૫૦ ઉપરાંત ભાષાઓમાં પ્રગટ થઈ ચૂક્યું છે.
‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારી ઈઝરાયેલના જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ઈતિહાસ અને સંશોધનના વિષયોનાં તેઓ અધિકૃત છે. વિશ્વભરનાં સેમિનાર્સમાં વક્તા તરીકે તેઓ આમંત્રિત થતા રહે છે. ગુજરાતી ભાષાના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર તથા લેખક રાજ ગોસ્વામી દ્વારા આ પુસ્તકનો સરળ અને રસપ્રદ અનુવાદ કરવામાં આવ્યો છે. ૪ વિભાગ, ૨૦ પ્રકરણો અને ૪૫૦ પાનાનાં આ પુસ્તક ગુજરાતી ભાષામાં માઈલસ્ટોન ગણી શકાય.
પુસ્તકમાંથી થોડાંક અવતરણો જોઇએ તો, • ‘ખેતીની શોધ ક્રાંતિકારી નહોતી, પણ છેતરામણી હતી.’ • ‘ઈતિહાસની એક કરુણતા છે કે લક્ઝરી જરૂરિયાત બની જાય છે તો એમાંથી નવી જવાબદારીઓ આવે છે.’ • ‘સહકાર શબ્દ બહુ પરોપકારી લાગે છે, પણ એ હંમેશા સ્વૈચ્છિક નથી હોતો અને ભાગ્યે જ સમાનતાવાદી હોય છે.’ • ‘વૈજ્ઞાનિક સંશોધન ત્યારે જ ફૂલેફાલે, જ્યારે તેની સાંઠગાંઠ કોઈ ધર્મ કે વિચારધારા સાથે હોય.’
આપણા મનમાં રહેલી અનેક ગેરસમજણોને દૂર કરતા આવાં તો અનેક હચમચાવી નાંખે તેવા વિચારો આ પુસ્તકમાં ઠેર ઠેર છે. આ પુસ્તક વાચકોની આંખ ખોલે છે કે આજ સુધી જે ઈતિહાસ શીખ્યા છીએ તે કેવળ ભ્રમમાં રાખે તેવો હતો. હકીકતે ઈતિહાસમાં જે ઘટનાઓ બની ગઈ છે તેની અહીં તદ્દન નવી, સત્યથી ભરપૂર અને માન્યતામાં ન આવે તેવી રજૂઆત છે.
આ પુસ્તક ભૂતકાળને સમજાવવા સાથે ભવિષ્યનું જગત અને ભવિષ્યમાં આપણે એટલે કે હોમો સેપિયન્સ કેવાં હોઈશું તેનો ખ્યાલ પણ આપે છે. જો આપણે ખરેખર સુખી થવું હોય તો, કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ તેનું તત્વજ્ઞાન પણ આ પુસ્તક આપે છે.
આપણા વાચકોને કંઈક ઉપયોગી અને વિચારપ્રેરક વાંચન મળી રહે અને આવતીકાલની પેઢી પોતાનાં વિચારોનું યોગ્ય ઘડતર કરી શકે એ હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
(પૃષ્ઠઃ ૪૫૦ • પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.-અમદાવાદ • www.rrsheth.com)