લોકશાહીમાં સફળ કોમ્યુનિકેટર બને છે જનનાયક

પુસ્તક પરિચય

Saturday 09th November 2019 06:35 EST
 
 

બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી નરેન્દ્રભાઈ મોદી માટે વિવિધ લેખો, સાહિત્ય, પુસ્તકો પ્રશંસાના પુષ્પો તરીકે અને ટીકાના તણખા તરીકે પ્રસિદ્ધ થયા છે અને હજુ પણ થતાં રહે છે. પરંતુ નરેન્દ્રભાઈની કમ્યુનિકેશન તરીકેની વિશેષતાની ઉજાગર કરતું ‘નરેન્દ્ર મોદી સફળ કોમ્યુનિકેટર’ પુસ્તક લેખક પાર્થ પટેલનું પ્રથમ પ્રકાશન છે.
ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને આ શાસન પ્રણાલિમાં દરેક રાજકીય પક્ષ પોતાની વિચારધારા - એજન્ડાને જન-ગણ સુધી પહોંચાડવા, તેમને પોતાના પક્ષની વિચારધારા સાથે જોડવા જે કાર્યયોજના અમલમાં મૂકે છે તે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી છે. રાજકીય પક્ષ માટે તેમના અસ્તિત્વ જેટલી જ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી મહત્વપૂર્ણ છે.
નરેન્દ્રભાઈ બાળપણથી હિમાલય ભ્રમણ, સંતો, મહાનુભાવો, સેવાભાવી સંસ્થાઓના સંપર્કમાં રહ્યા છે. આરએસએસના પ્રચારક તરીકે સમગ્ર ભારતમાં ગ્રામ્ય સ્તર સુધી પહોંચ્યા છે. પ્રકૃતિના રસપાન સાથે માનવ સબંધોના તાણાવાણામાંથી ઘણું મેળવ્યું છે. તેમણે દેશ-વિદેશમાં પરિભ્રમણ કર્યું છે. જે મળ્યું તેનું મંથન કર્યું છે અને મંથનમાંથી જે મળ્યું તે નવનીત તેમણે લોકોને પીરસ્યું છે, અભિવ્યક્ત કર્યું છે એ જ તેમના કમ્યુનિકેશનના મૂળ સ્ત્રોત બની રહ્યા છે.
નરેન્દ્રભાઈની સભાઓ - રેલીઓમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી શાંતિથી લોકો તેમને સાંભળતા હોય છે. લોકોને ઉત્સાહિત કરતા વાક્પ્રહારો સાંભળીને ‘મોદી...મોદી...’ની ગગનભેદી ગર્જના કરતો માનવ મહેરામણ જોવો એક અદ્ભુત લહાવો બની રહે છે. નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકારો પણ માને છે કે તેઓની વાણીની તાકાત - કોમ્યુનિકેશન ક્ષમતા અદ્ભુત છે. વિશેષ વ્યક્તિત્વ, યાત્રા, રેલીનો ઉપયોગ, બોડી લેંગ્વેજ, પહેરવેશ, દાઢી, સંસ્કૃતિ પુરુષની ઇમેજ સાથે ૨૧મી સદીના ટેક્નોસેવી નેતા તરીકે નરેન્દ્રભાઈને પ્રસ્થાપિત કર્યા છે. વક્તૃત્વ કળા માટે તેમના પેંગડામાં પગ નાખી શકે તેઓ નેતા કોઈ ભારતમાં હાલ નથી નથી ને નથી જ.
આ પુસ્તકમાં લેખક જણાવે છે કે, સત્યાગ્રહથી મોહનદાસ બન્યા મહાત્મા અને સફળ કોમ્યુનિકેશનથી કીટલીથી કિલ્લો સર કરીને નરેન્દ્રભાઈ બન્યા મહાનાયક. નરેન્દ્રભાઈ મીડિયા મેનેજમેન્ટ થકી મીડિયા રંકને રાજા અને રાજાને રંક બનાવે તેવા યુગમાં કમ્યુનિકેશન કિંગ બની કમ્યુનિકેશન પાવર બતાવે છે. કન્વિન્સિંગ લેંગ્વેજમાં નરેન્દ્રભાઈ તજજ્ઞ છે. કયો શબ્દ કયુ વાક્ય ક્યાં, કેવી અસર કરે તેની પસંદગીમાં તેઓ માહિર છે. રેલીમાં મોદીજી બોલેઃ અચ્છે દિન... અને મેદની જવાબ આપેઃ ...આનેવાલે હૈ. માનવ મહેરામણને મોદીએ એક તાંતણે બાંધ્યો હોય તેવા માહોલના સાક્ષી બનવું લ્હાવો ગણાય. નરેન્દ્રભાઈના રાજકીય ઉત્કર્ષમાં તેમની માસ કમ્યુનિકેટર તરીકેની કાબેલિયતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ચાઇના વગેરે સ્થળે ભારતીય સમુદાયને તેમની વક્તવ્ય કલાએ મંત્રમુગ્ધ કર્યા છે. આ પુસ્તક માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીથી માંડીને સંશોધકો અને દરેક રાજકીય વિચારધારાના વાહકોને મદદરૂપ બની શકે છે.
સંજીવની પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં રાજકીય પ્રશંસા કે ટીકાથી પર રહી રાજકીય પ્રસંગોથી પણ દૂર રહી માત્ર અને માત્ર નરેન્દ્રભાઈની કોમ્યુનિકેટર તરીકેની ભૂમિકાનો જ અભ્યાસ મુકવાનો પ્રયાસ થયો છે. લેખક પાર્થ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશન ક્ષેત્રમાં એમ.ફીલ. કર્યા બાદ હાલ પીએચ.ડી. કરી રહ્યા છે. પુસ્તકની પ્રસ્તાવના પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ લખી છે જ્યારે તેનું લોકાર્પણ માનનીય મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. પુસ્તક પ્રકાશન પ્રસંગે લેખક પાર્થ પટેલને શુભેચ્છા પત્ર પાઠવતા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ‘માનવ સભ્યતાના આરંભથી લઈ સાંસ્કૃતિક, સામાજિક અને સાર્વજનિક સંદર્ભમાં કમ્યુનિકેશન કાયમથી સમાજનું અભિન્ન અંગ રહ્યું છે. જાહેર જીવનના કેટલાક મહત્વપૂર્ણ સોપાનો પૈકી કમ્યુનિકેશન ત્યારે જ સાર્થક બની રહે જયારે મનની વાત છેવાડે બેઠેલા માનવીના હૃદય સુધી અસરકાર રીતે પહોંચે.’
(પૃષ્ઠઃ ૮૬ • પ્રકાશકઃ સંજીવની પ્રકાશન-અમદાવાદ • email: [email protected])


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter