હેમરાજ ગોયેલ ફાઉન્ડેશનના ચેરમેન અનિતા ગોયેલ MBE ની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બુક ‘Voices From Gujarat’ હવે એમેઝોન પર પ્રાપ્ય છે. અનિતા ગોયેલ હંમેશાથી નારીશક્તિ અને તેમના અવાજની ઉજવણી વિશે ઉત્કટ ભાવના ધરાવતાં રહ્યાં છે.
‘વોઈસીસ ફ્રોમ ગુજરાત’ પુસ્તકમાં ગુજરાતી ૨૧ અગ્રણી અને પ્રતિભાશાળી મહિલાઓની કથા વર્ણવાઈ છે. આ દરેક મહિલાનું જીવન અનોખું રહ્યું છે ત્યારે તેમની માનસિક સ્થિતિસ્થાપકતા અને શક્તિની વાત સાર્વત્રિક છે. તેમની કથા સમગ્ર વિશ્વની નારીઓની કથાનો પડઘો પાડે છે. ઈન્ટરવ્યૂઓના સંગ્રહમાં આ પ્રભાવશાળી મહિલાઓ યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીમાં પોતાના ઉછેરની વાતો કરવા સાથે પોતાની કારકિર્દી અને સિદ્ધિઓ વિશે જણાવે છે. તેઓ પોતાના પરિવારો દ્વારા અપાયેલા મૂલ્યો અને મિશ્રિત ગુજરાતી-બ્રિટિશ સંસ્કૃતિમાં ઉછેરથી તેમના જીવનના ઘડતર અને અભિગમ પર શું અસર થઈ તે વાત કરતાં તેઓ નવાં ખેડાણ કરવાની મળેલી શક્તિ અને આ પ્રકિયા દરમિયાન અન્યોને પ્રોત્સાહિત કર્યાં તેના વિશે પણ જણાવે છે. આવી બેવડી ઓળખની સંકુલતાને સાધી કામકાજ અને જીવન વચ્ચે સંતુલન જાળવવાની તેઓની આ કથાઓ આ મહિલાઓ અને તેમનાથી પણ પહેલાં આવેલી મહિલાઓ દ્વારા ભાવિ પેઢીઓ માટે માર્ગ મોકળો કરવા અપાયેલાં બલિદાનોનું દર્શન કરાવે છે.
આ પુસ્તકમાં જે નારીરત્નોનો ઉલ્લેખ કરાયો છે તેમાં માસ્ટરશેફ યુકેના સેમી-ફાઈનાલિસ્ટ નિશા પરમાર; જર્નાલિસ્ટ અને બ્રોડકાસ્ટર સોનાલી શાહ; માર્શલ આર્ટ્સના સમર્પિત અને એવોર્ડવિજેતા નિષ્ણાત સ્પોર્ટ્સવુમન અમીશા ભુડીઆ; મેનોપોઝની વહેલી શરૂઆતનો સામનો કરવા સાથે સિંગલ પેરન્ટ હોવાં તરીકે કથાવર્ણન કરતાં પન્ના વેકરિયા; એરોસ્પેસ અને મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ણાત અને આદરણીય નામ ડો. યોગે પટેલ; બ્રિટનમાં જન્મેલાં ગાયિકા, લેખિકા, જાહેર વક્તા અને અભિનેત્રી શિવાલી ભામ્મેર; લોકોને તણાવમુક્ત અને સફળ બનવામાં મદદરૂપ તાલીમ અને કોચિંગ આપતાં હંસા પાણખણિઆ; ફાઈનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં અગ્રણી સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ ફર્મમાં પાર્ટનર નિષ્મા ગોસરાની OBE; ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રના સન્માનીય અગ્રણી મીનલ મહેતા; સનરાઈઝર્સના પ્રોફેશનલ ક્રિકેટર અને મિડલસેક્સના સ્પોર્ટ્સ કોચ નાઓમી દત્તાણી; એવોર્ડવિજેતા બ્રિટિશ એશિયન પર્સનલ ટ્રેઈનર લવિના મહેતા MBE; લંડનમાં ઈવેન્ટ ડિઝાઈન અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં અગ્રણી હીના સોલંકી; ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુકેસ્થિત ટેકનોલોજી ફંડ યુનિકોર્ન એસેન્શન ફંડના એક સ્થાપક નીના અમીન MBE; હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ અને સિવિલ એન્જિનીઅર તૃપ્તિ પટેલ; ફીંગરપ્રિન્ટ એવિડન્સીસ શોધવા અને મેળવવાના નિષ્ણાત ફોરેન્સિક પ્રેક્ટિશનર વર્ષા મિસ્ત્રી; બાર્કલેઝ બેન્કના કોર્પોરેટ બેન્કિંગમાં ગ્લોબલ લેન્ડિંગ ગ્રૂપમાં યુકે ડેટ સ્ટ્રક્ચરિંગના વડા હીરલ શાહ; હાસ્ય યોગના પ્રોફેશનલ અગ્રણી અને લંડનના પ્રતીકસમાન વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝિયમમાં વિઝિટર એક્સ્પિરીઅન્સમાં પૂર્ણકાલીન કામ કરતાં કલ્પના દોશી; પતિ નીતિન પલાણ MBE સાથે ટ્રાવેલ કંપની ગોલ્ડન ટુર્સના સહસ્થાપક અને ડાયરેક્ટર કમુ પલાણ; વાસક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ચાંદની વોરા; એન્ફિલ્ડ સહેલીના ચીફ એક્ઝિક્યુટિવ કૃષ્ણા પૂજારા તેમજ કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં એક્યુટ પીડિઆટ્રિશિયન ડો. તૃષ્ણા રાણાનો સમાવેશ થાય છે.
અનિતા કહે છે કે,‘ વાચકની પશ્ચાદભૂ કોઈ પણ હોય, હું તીવ્રપણે માનું છું કે તેઓ આ મહિલાઓ દ્વારા અપાયેલા ચાવીરુપ સંદેશાઓની સાથે સંકળાઈ શકશે, ભારે મુશ્કેલીઓનો સામનો કરી વધુ મક્કમતાથી આગળ જવા તત્પર કોઈની પણ સાથે તે સુસંગત છે.’
અનિતા ગોયેલ MBE જાણીતા લેખિકા (Voices from Punjab, Troubador Publishing), એવોર્ડવિજેતા દાનવીર, અનેક ચેરિટેબલ સંસ્થાઓ અને ફાઉન્ડેશન્સના અધ્યક્ષા અને ટ્રસ્ટી તેમજ રીલાઈટ યોર ફાયર પોડકાસ્ટના હોસ્ટ છે. તેઓ હોલમાર્ક હોમ્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય છે, બર્નાર્ડોઝના વાઈસ પ્રેસિડેન્ટ, અલ્ઝાઈમર્સ સોસાયટીના એમ્બેસેડર હોવાં ઉપરાંત તેને સંબંધિત અન્ય ચેરિટીઝ સાથે સંકળાયેલાં છે. તેમણે ૨૦૧૪માં એજ્યુકેશનલ વર્કશોપ્સ અને સેમિનાર્સનું સંચાલન કરતી સંસ્થા ‘અલ્ટિમેટ - Ultimate You’ લોન્ચ કરી હતી.
તેમણે આ પુસ્તક તેમના પતિ અને જાણીતા એન્ટ્રેપ્રીન્યોર અને ફિલાન્થ્રોપિસ્ટ અવિનાશ ગોયેલને સમર્પિત કર્યું છે.
•••
મક્કમ મહિલાઓનું શ્રેષ્ઠ ચિત્રણ
‘અનિતાએ ગુજરાત મહિલાઓની શ્રેષ્ઠતા આ પુસ્તકમાં ઝીલી છે. યુ.કે.ની ગુજરાતી મહિલાઓનું બ્રિટિશ સમાજને યોગદાન ભારે પ્રેરણાદાયી છે અને આ પુસ્તક કદાચ કોમ્યુનિટીઓનું પરિવર્તન કરવા ઈચ્છતી મક્કમ મહિલાઓનું શ્રેષ્ઠ ચિત્રણ છે.’
- સી. બી. પટેલ (તંત્રી-પ્રકાશક, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ)