દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક એટલે ‘જીના ઇસી કા નામ હૈ!’. લેખકના આ ચૌદમા પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 33 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફ ચેન્જર સાબિત થાય તેવા આ વિવિધ લેખમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સ્પષ્ટ સંદેશ છે.
આજે ડિજિટલ યુગમાં યુવાનો કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું તે કોમ્પ્યુટરમાં કે મોબાઈલના ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકીએ છીએ, પણ આ કાર્ય હું શા માટે કરવા માંગુ છું? એ સવાલ ભાગ્યે જ કોઈ યુવાનના મનમાં થતો હોય છે. દરેક પાસે આંતરિક શક્તિઓ હોય છે, બસ માત્ર જરૂર હોય છે એને બહાર લાવવાની. આ પુસ્તક એ શક્તિ બહાર લાવવાની દિશામાં નક્કર પ્રયાસ છે.
પુસ્તકમાં અમુક લેખના શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. જેમ કે, ‘સપના જોવા પર GST નથી’, ‘જો ભી હૈ બસ યહી એક પલ હૈ’, ‘માણસે કેટલા પૈસા કમાવા જોઈએ?’, ‘અપમાનબોધ’, ‘કૃતજ્ઞતા’, ‘જીવન એક યાત્રા’, ‘નેવર લૂઝ હોપ’, ‘જીવનની સેકન્ડ ઈનિંગ્સ અને એની સાર્થકતા’ વગેરેનો સમાવેશ થાય છે.
અમદાવાદ સ્થિત ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ ‘જીના ઇસી કા નામ હૈ!’ માત્ર યુવાનો માટે જ નહીં, બલ્કે કોઈ પણ વયની વ્યક્તિ માટે પથદર્શક બની રહે તેવું છે. લેખક દ્વારા ગુર્જર સાહિત્ય પ્રકાશનના સહયોગથી આ પુસ્તક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભેટમાં આપવાનો એક સેવાકીય પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. યુવાનોને ઉત્તમ જીવન જીવવા માટેની પ્રેરણા મળે એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે લેખકે આ પુસ્તકની રોયલ્ટી પેટે થનારી તમામ આવક સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે વાપરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
(પૃષ્ઠઃ 80 • પ્રકાશકઃ ગુર્જર સાહિત્ય પ્રકાશન - અમદાવાદ • ઇમેઇલઃ [email protected])