પત્રકાર અને હાસ્ય લેખક તુષાર દવેની કલમથી, કી બોર્ડથી હાસ્યરસ છલકાવતી લેખન શ્રેણી એટલે ‘હોવ હમ્બો હમ્બો.’
આ પુસ્તકના નામ, તેના પીળા રંગના કવરપેજ અને પુસ્તકની ટેગલાઈન ‘હમકારા લેતા ઉડતા તીર જેવા હડેડાટ હાસ્ય લેખો’ પરથી જ લેખના ગુણો એટલે કે લખાણનો અંદાજ આવી જાય છે.
આ પુસ્તકમાં સામાન્ય મધ્યમ વર્ગીય ઘરમાં રોજેરોજ થતી પતિ - પત્ની વચ્ચેની ઝીણી મજેદાર તકરારો હાસ્યમય રીતે વર્ણવાઈ છે તો બીજી તરફ સરકારી કામકાજોમાં થતી ઢીલ, વિધાનસભામાં ઉપસ્થિત થતા પ્રશ્નો અને સરકારી પ્રક્રિયાઓ અંગે હળવો કટાક્ષ કરતા લેખ છે.
આળસ જેવી આદત પર પણ તુષાર દવે પુસ્તકમાં કહે છે કે, ‘મને એ ક્યારેય નથી સમજાતું કે આપણે ત્યાં વર્ષોથી આ વહેલા ઉઠવાનું આટલું મહિમામંડન કેમ કરવામાં આવ્યું છે? આઈ મિન, જો તમે છાપાવાળા કે દૂધવાળા ન હોવ તો વહેલા ઉઠીને તમારે કઈ લંકા લૂંટી લેવાની હોય છે? જીમવાળા પણ હવે તો બપોર સુધી ખુલ્લા રાખે છે, એટલે કસરત-ફસરતની વાત તો કોઈ કરતા જ નહીં.’
નવોદિત લેખકના આ પ્રથમ પુસ્તક માટે જાણીતા હાસ્યલેખક અશોક દવેએ પ્રસ્તાવનામાં જ કહ્યું છે કે, તુષાર દવે, આજ અને આવતીકાલની પેઢીનો તારક મહેતા છે.
નવેમ્બર, ૨૦૧૮માં પુસ્તકનું લોકાર્પણ થયા પછી તાજેતરમાં ૧૮, ૧૯, ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ એમ ત્રણ દિવસ વડોદરામાં યોજાયેલા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ‘હોવ હમ્બો હમ્બો’ પુસ્તક રિલોન્ચ પણ કરવામાં આવ્યું હતું.
પુસ્તકનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરવામાં આવ્યું છે અને પુસ્તકની મૂળ કિંમત રૂ. ૧૩૫ છે. જોકે અહીં દર્શાવેલી લિંક પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૧૧૫માં ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. https://navbharatonline.com/humbo-humbo.html