હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ ચલાવી રહ્યા છે તેવા ભારે ઉથલપાથલ અને પડકારજનક વર્ષ પછી એક ચોક્કસ જીવનચરિત્ર ‘A British Subject’ મારા મનમાં રણકાર પેદા કરે છે જે, આપણે આવી વિષમ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકીએ તેની કથા વર્ણવે છે. આરંભથી અંત સુધી વાંચવાનો આનંદ પ્રાપ્ત થયો હોય તેવા ઘણા ઓછાં પુસ્તકોમાં આ પુસ્તકનું સ્થાન છે.
મારા પરમ મિત્ર ડોલર પોપટ લિખિત પુસ્તક આપણી કોમ્યુનિટીમાં ઘણાને બંધબેસતી કથાને ઉજાગર કરે છે. યુગાન્ડામાં બહિષ્કૃત અને અત્યાચારનો ભોગ બનવાથી માંડી ખિસ્સામાં માત્ર ૧૦ પાઉન્ડ સાથે યુકે આવવા અને વિમ્પી બારમાં કામ કરવા તેમજ હર મેજેસ્ટીની સરકારમાં મિનિસ્ટર બનવા સુધીની ડોલરની જીવનયાત્રા એ પ્રકારની પ્રેરણાદાયક કથા છે. મને અને મારા જેવા ઘણા લોકો જેની સાથે પોતાની જાતને સરળતાથી જોડી-સાંકળી શકે તેવું આ મઝાનું અને અદ્ભૂત પુસ્તક સ્પષ્ટ કરે છે કે જીવનમાં આગવી ચડતી અને પડતી હોય છે પરંતુ, આપણે હિંમત અને બહાદુરી સાથે જીવનયાત્રાને આગળ ચલાવવાની જ હોય છે.
મને આનંદ છે કે ડોલરે આ આત્મકથાનક લખ્યું છે અને નવાઈની વાત તો એ છે કે તેમણે કદી આનો વિચાર પણ કર્યો ન હતો. આ દેશમાં આવતા નવા ઈમિગ્રન્ટના લાભાર્થે પોતાની જીવનકહાણી કાગળ પર ઉતારવાનો આગ્રહ કરવા બદલ તેમણે પોતાના મિત્ર અને હાઉસ ઓપ કાર્ડ્સ સહિત સંખ્યાબંધ પુસ્તકોના પ્રસિદ્ધ લેખક લોર્ડ માઈકલ ડોબ્સનો આભાર માન્યો છે. ડોલરની કથા એ સમજવામાં મદદ કરે છે કે કેબિનેટમાં સન્માનીય હોદ્દાઓ પર ચાર બ્રિટિશ ભારતીયો સાથે આપણે સહુ શા માટે વિશિષ્ટ સંજોગો ધરાવીએ છીએ. તેમની આ કહાણીએ મને વાસ્તવમાં પ્રેરણા પૂરી પાડી છે. મને ખાતરી છે કે તમને સહુને પણ તેમાંથી પ્રેરણા પ્રાપ્ત થશે.
‘બ્રિટિશ સબ્જેક્ટ’ ઈતિહાસના સેંકડો વર્ષના કાલખંડમાં ફેલાયેલા આપણા જેવા હજારો ઈમિગ્રન્ટની સાર્વત્રિક કથા હોવા સાથે આપણે જે વિશ્વમાં અત્યારે જીવીએ છીએ તે વિશ્વની સાથે સૌથી વધુ પ્રસ્તુત છે. ડેવિડ કેમરન દ્વારા લિખિત હૃદયસ્પર્શી પ્રસ્તાવના સાથે ડોલર જેને તેઓ પોતાનો દેશ તરીકે કહેવાનું ગૌરવ અનુભવે છે તે યુ.કે. પ્રત્યે પ્રેમ અને સ્નેહની ભીની લાગણી દર્શાવવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરે છે. તેમના મત પ્રમાણે બ્રિટન વિશ્વમાં સૌથી મહાન રાષ્ટ્ર છે અને પોતાના મૂલ્યોના કારણે જ સફળતા મેળવે છે. યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરાયા પછી બ્રિટનમાં ઘર મળવાનો યુગાન્ડન એશિયનો માટે શું અર્થ થાય તેનું લાગણીભીનું ચિત્રણ તેમણે કર્યું છે અને તેઓ બ્રિટનને પોતાના ‘વધુ એક ઈશ્વર’ કહેવાની હદ સુધી પણ જાય છે.
આટલા મોટા પ્રમાણમાં લોકો શા માટે બ્રિટનમાં સ્થળાંતર કરવા ઈચ્છે તેનું કારણ બ્રિટનના મૂલ્યો હોવાનું કહે છે અને વધેલા ઈમિગ્રેશનનો સીધો હવાલો આપે છે. તેઓ એવા લોકોની ટીકા કરે છે જેઓ બ્રિટનમાં સ્થળાંતર કર્યા પછી પણ ઈંગ્લિશ બોલતા નથી, કામકાજ કરતા નથી અને વેલ્ફેર બેનિફિટ્સના દાવાઓ કરે છે. આથી વધુ તો, બ્રિટિશ મૂલ્યો વિરુદ્ધ ઉપદેશો આપનારાને તો તેઓ ઉપેક્ષાસહ નકારી કાઢે છે. ડોલરે ‘પ્રાઉડ ટુ બી બ્રિટિશ, પ્રાઉડ ટુ બી હિન્દુ’ સૂત્ર પ્રચલિત કર્યું છે અને હિન્દુ ફોરમ ઓફ બ્રિટન આજે પણ તેનો પોતાના મુદ્રાલેખ તરીકે ઉપયોગ કરે છે. તેઓ કહે છે, ‘તમારી ઓળખ મુખ્યપણે બ્રિટિશ હોવાનું દર્શાવવાની ચોકસાઈનું કાર્ય છે. આથી તમે કદાચ બ્રિટિશ ભારતીય વ્યક્તિ હો અથવા તો બ્રિટિશ-ભારતીય-યુગાન્ડન વ્યક્તિ હોઈ શકો આમ છતાં, તમારે નિર્ણાયકપણે ‘હું બ્રિટિશ છું’ તેમ કહેવં જ જોઈએ.’
આ પુસ્તકમાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પોતાના લગાવની વાત કરે છે પરંતુ, તેમણે થેચરના વડા પ્રધાન પદ હેઠળ સક્રિય કાર્યકર તરીકે શરૂઆત કરી ત્યારે પાર્ટી સાથે સંકળાયેલા ઘણા ઓછાં બ્રિટિશ ભારતીયોમાં તેઓ એક હતા. કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંબંધ ક્યારથી શરુ થયો તે વિશે લોર્ડ ડોલર કહે છે કે તેનો આરંભ ટોરી પ્રાઈમ મિનિસ્ટર એડવર્ડ હીથથી થયો હતો જેમણે ૧૯૭૨માં ટયુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા ૨૮,૦૦૦ યુગાન્ડન એશિયનોને યુકેમાં વસવાટની પરવાનગી આપી હતી. તેઓ કહે છે કે ‘હું એ કદી ભૂલી નહિ શકું કે કેન્યા અને ટાન્ઝાનિયાએ પોતાની સરહદો અમારા માટે બંધ કરી દીધી હતી. ઈન્દિરા ગાંધીએ પણ યુગાન્ડન ભારતીયોને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો ત્યારે એડવર્ડ હીથ પોતાની પ્રતિજ્ઞાને વળગી રહ્યા અને અમને યુકેમાં વસાવવાની જવાબદારી સ્વીકારી હતી.’
કન્ઝર્વેટિવ પાર્ટી નિસ્તેજ અને નબળા મૂળિયાંને તેના કાર્યકરોના આધાર સાથે મજબૂત બનાવી આગેકૂચ કરી વર્તમાન કેબિનેટ સાથે શિખરે પહોંચી છે તેનો હું પણ સાક્ષી રહ્યો છું. પ્રીતિ પટેલ, સાજિદ જાવિદ અને રિશિ સુનાક હવે સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે. આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યાં, જ્હોન મેજરે તે માર્ગને ચમકાવવા પ્રયાસ કર્યો, અને આખરે ડેવિડ કેમરન આવ્યા જેમણે સમજીને આપણી કોમ્યુનિટી સાથે આવી મજબૂત કડીનું નિર્માણ કર્યું તે સર્વ કથા ડોલરે જણાવી છે. મને યાદ આવે છે કે આપણી કોમ્યુનિટી સાથે આટલા મોટા પાયા પર સંબંધ વધારવા કન્ઝર્વેટિવ પાર્ટીએ કરેલા અભૂતપૂર્વ પ્રયાસની પશ્ચાદભૂમાં હંમેશાંની માફક ડોલર જ અડીખમ ઉભા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૧૫માં બહુમતી બ્રિટિશ ભારતીય મત હાંસલ કર્યા હતા. આ પુસ્તકને વાંચતા એ લાગણી થાય કે આ તેમની સૌથી ગૌરવશાળી સિદ્ધિ હતી.
આઈડેન્ટિટી- ઓળખ, પિછાણ આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે. યુગાન્ડામાં વીતાવેલાં પ્રારંભિક વર્ષોથી ૧૯૭૦ના દાયકામાં નોર્થ લંડનમાં વસવાટના ગાળા સુધી ડોલર પોતાની ઘઉંવર્ણી ત્વચાના કારણે પરિસ્થિતિ શા માટે અલગ રહી અથવા તો તેવું લાગ્યું તે પ્રામાણિકતા સાથે કહે છે. એ બાબત તો સ્પષ્ટ જ છે કે બ્રિટનમાં રેસિઝમનું પ્રમાણ નોંધપાત્રપણે ઘટ્યું છે અને બ્રિટનમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ સફળતાની હરણફાળ ભરી છે તે બંને ક્ષેત્રમાં પ્રગતિ થવા વિશે ડોલર ગૌરવ અનુભવે છે.
જોકે, ઓળખ, ઈમિગ્રેશન અને એકતાથી પણ આગળ વધીને ડોલર બ્રિટનના અલગ આર્થિક ભવિષ્યની પણ કલ્પના કરે છે. બિઝનેસ મિનિસ્ટર તથા યુગાન્ડા અને રવાન્ડા માટે પ્રાઈમ મિનિસ્ટરના ટ્રેડ એન્વોય તરીકેનો તેમનો કાર્યકાળ વધુ જોશીલા અને ઉત્સાહી ડોલરનું દર્શન કરાવે છે.
ડોલર માને છે કે આપણે આપણા યુરોપિયન પડોશીઓની સાથે રહેવાના બદલે આંતરરાષ્ટ્રીય રીતે ભારત અને અન્ય આફ્રિકન દેશો જેવાં ઉભરતાં બજારોની સાથે ગાઢ સંબંધ વિકસાવવો જોઈએ. તેઓ કહે છે કે, ‘યુરોપિયન સિંગલ માર્કેટ અને કસ્ટ્મ્સ યુનિયનના આપણા સભ્યપદના કારણે વિશ્વમાં અગ્રેસર ઉત્પાદનોની નામના મેળવી શકે તેવું સર્જન કરનારા બ્રિટિશ બિઝનેસીસ હવે આપણી નિકટના વેપારી ભાગીદારોને નિકાસ કરવા સુધી જ મર્યાદિત બન્યા છે અને આપણે ખરેખર જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે ઉભરતાં બજારો અને કોમનવેલ્થ તરફ બેદરકારી દર્શાવી છે.’
તેમના બાળપણ સંબંધિત અગાઉના પ્રકરણોમાં આપણને સૌથી આશ્ચર્યજનક ખુલાસાઓ વાંચવા મળ્યા છે. જીવનના ઘડતરના પ્રારંભિક વર્ષોમાં અપમાન, મારપીટ અને હતાશા ઝળુંબતા જણાય છે અને અચાનક જ આપણને આ વ્યક્તિના એવા પાસા જોવા મળે છે જેના અસ્તિત્વ વિશે કદાચ ઘણાં ઓછાને જાણ હશે. આપણે એક કોમ્યુનિટી તરીકે ઘણા નસીબદાર છીએ કે આપણી પાસે અસંખ્ય લોકો એવા છે જેઓ ખાલી ખિસ્સે બ્રિટનમાં કેવી રીતે આવ્યા અને અત્યારે પોતાની પસંદગીના ધંધા-વ્યવસાયોમાં ભારે સફળતા સાથે કાર્યરત છે તેની રસપ્રદ કથાઓ જણાવી શકે છે. આમ છતાં, આવી ઘણી ઓછી કથાઓ વિનમ્રતા, ઉષ્મા અને પ્રામાણિકતાથી કહેવાય છે, જે ડોલર દ્વારા કહેવાઈ છે. દરેક બ્રિટિશ ભારતીય માટે આ પુસ્તક વાંચવા અને મનન કરવા લાયક છે.
‘A British Subject - How to make it as an immigrant in the best country in the world’ પુસ્તક ૨૦ પાઉન્ડની કિંમતે ABPL પાસેથી ખરીદ કરી શકાશે. નકલ પ્રાપ્ત કરવા [email protected] માટે ઈમેઈલ કરવા વિનંતી છે. આ રીતે પ્રાપ્ય તમામ આવક ABPLની નોમિનેટેડ ચેરિટીને આપવામાં આવશે તેની નોંધ લેશો.