1890ના દાયકામાં ઈસ્ટ આફ્રિકામાં રેલવે લાઈનના બાંધકામ માટે આશરે 32,000 મજૂરો બ્રિટિશ ભારતથી લાવવામાં આવ્યા હતા. અનિશ્ચિતતાથી ભરેલી જગ્યા હોવાં છતાં, ભારતીયો નોકરી શોધવા અથવા ધંધા કરવા આ ભૂમિ તરફ આકર્ષાતા રહ્યા છે. આવા જ એક માઈગ્રન્ટ મોહનલાલ કાલા સવાણી હતા. ‘JAMBO, SAMJI KALA’ પુસ્તક મનુભાઈ સવાણીના પ્રખ્યાત બિઝનેસમેન પિતા અને ઈસ્ટ આફ્રિકામાં સફળ અને મહેનતુ ભારતીય ઈમિગ્રન્ટ અને તેમના પરિવારની કથા અને વારસા વિશે છે. સંખ્યાબંધ તસવીરો સાથે અંગત અને પારિવારિક અનુભવોનું વર્ણન કરાયું છે.
‘જામ્બો, સામજી કાલા!’ પુસ્તક ખાલી ખિસ્સામાંથી મૂવી મુઘલ, ટેક્સ્ટાઈલ અને કોટનના મોટા વેપારી, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, રિયલ એસ્ટેટ ડેવલપર અને પરોપકારી સજ્જન બનવા તરફના ચડાવઉતારના માર્ગેો પરથી પસાર થયેલા કલ્પનાશીલ અને દીર્ઘદૃષ્ટા માનવીનું આ જીવનચરિત્ર છે. તેમણે અવરોધોને કેવી રીતે અપાર તકમાં ફેરવી નાખ્યા તેની કથા કહેતા આ પુસ્તકમાં 1918 પછીના પૂર્વ આફ્રિકાના સામાજિક-રાજકીય ઈતિહાસનું વર્ણન જાણવા મળે છે.
મોહનલાલ કાલા સવાણીએ પ્રાથમિક શાળાકીય શિક્ષણ અને ખાલી ખિસ્સે મોમ્બાસા બંદરે ઉતરાણ કર્યું હતું પરંતુ, દિલમાં વેપારવિશ્વમાં સફળ થવાની અદમ્ય ઈચ્છા હતી. ઈસ્ટ આફ્રિકા અને દેશપાર ભારતીય ફિલ્મ બિઝનેસનો વિકાસ પણ સવાણી પરિવારના ઈતિહાસમાં એક પ્રકરણ ધરાવે છે. ભારે સંઘર્ષ પછી તેમણે 1922માં અબોલ ભારતીય ચિત્રપટની આયાત કરી હતી. ફિલ્મો દર્શાવવા તેમણે હેન્ડ-ક્રેન્ક્ડ પોર્ટેબલ પ્રોજેક્ટર પણ આયાત કર્યું હતું.
‘JAMBO, SAMJI KALA!’ સ્વ. મોહનલાલ કાલા સવાણીના છઠ્ઠા અને સૌથી નાના પુત્ર મનુભાઈનું પ્રથમ પુસ્તક છે. તેમણે અગાઉ ઓક્સફર્ડની બ્રૂક્સ યુનિવર્સિટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થી તરીકે ‘ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી એન્ડ ધ વર્લ્ડ માર્કેટ’ થીસિસ લખ્યો હતો. કેન્યામાં જન્મેલા અને હાલ પત્ની વર્ષા (વિપુલા) બહેન સવાણી સાથે સધર્ન કેલિફોર્નિયામાં રહેતા મનુભાઈના ત્રણ મોટા બાળકો અને પાંચ ગ્રાન્ડચિલ્ડ્રન છે. સવાણી પરિવાર 100 કરતાં વધુ વર્ષથી ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલો છે. તેમના મોટાભાઈ સ્વ. ધીરુભાઈ સવાણી (De Luxe Films Ltd., London) યુકે અને યુરોપમાં છેક 1954થી ભારતીય ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનના પ્રણેતા હતા.