‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું.
નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર તાજેતરમાં યોજાયેલા પુસ્તક મેળાની. દસ દિવસના આ આઠમા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં બહુભાષી પુસ્તકોના સ્ટોલ્સ પર યુવાઓની ભીડ વધુ જોવા મળતી હતી જે આનંદની અનુભૂતિ કરાવનારું દૃશ્ય હતું.
આવી જ એક યુવતી ઢળતી સાંજે એક બુક સ્ટોલ પર આવી. થોડા પુસ્તકો જોયાં. ગુજરાતી સાહિત્યની અમર હાસ્યરચનામાં સ્થાન ધરાવતા લેખક રમણભાઈ નીલકંઠના પુસ્તક ‘ભદ્રંભદ્ર’ની પસંદ કરી. લેખના આરંભે થયેલો સંવાદ કર્યો.
સાહજિક ભાવે એની સાથે થોડી વાતચીત કરી એટલે તેણે કહ્યું કે તેણે સ્કૂલ સુધીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મેળવ્યું હતું, કોલેજ અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં કર્યો અને પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઇ હતી. સ્કૂલમાં આ અને આવા પુસ્તકોનાં સંદર્ભ આવ્યા તે તમામ સ્મરણ કર્યાં અને એમાંથી આજે થોડા પુસ્તકો ખરીદવા એ આવી હતી. એ ગર્વ અને ગૌરવ સાથે કહેતી ગઈ કે, ‘હું અંગ્રેજી નોવેલ તો વાંચું જ છું, પરંતુ મને ગુજરાતી પુસ્તકો વાંચવાનું પણ એટલું જ ગમે છે.’
એક એવી જ બીજી સરસ ઘટના બની, એ પુસ્તક મેળામાં. એક કંપનીની કામગીરીના ભાગરૂપે એક યુવાન રોજેરોજ આવે, સાહિત્યની-સંગીતની-પુસ્તકોની વાતો સાંભળે... એક દિવસ તેણે પુસ્તકના સ્ટોલધારકને કહ્યું કે, ‘મારું વેવિશાળ હમણાં થયું છે, આજે મારી વાગ્દત્તા (હા.. .એણે કહેલા શબ્દો છે વાગ્દત્તા) અહીં આવવાની છે... મારે એને બે-ત્રણ પુસ્તકો ભેટ આપવાના છે, મને પુસ્તકોની બહુ ખબર નથી, તમે સૂચવો અથવા યુવાઓને ગમે એવા પુસ્તકો શોધી આપો. હું એને અહીં ભેટ આપીશ.’
અને સ્ટોલધારકે એ યુવતીના રસ-રૂચિ બાબતે જાણકારી મેળવીને, એને અનુરૂપ પુસ્તકો કાઢી આપ્યા, અલગ રાખ્યા. એ બંને જ્યારે ફરી સ્ટોલની મુલાકાતે આવ્યા ત્યારે પેલા યુવાને આ પુસ્તકો એની વાગ્દત્તાને ભેટ આપ્યા ત્યારે સ્ટોલધારકે કહ્યું, ‘રિવરફ્રન્ટ પર ક્યારેક સાથે બેસીને આ પુસ્તકો વાંચજો... અભિનંદન.’
ત્રિવેણી કાર્યક્રમ હેઠળ ઢળતી સાંજથી રાત્રિ સુધી યોજાયેલા વિવિધ વિષયો પર પ્રવચનો - કાવ્ય-સંગીત- વાચિકમ્ - લોકસંગીત અને કવિ સંમેલનોના કાર્યક્રમો યુવાવર્ગ રસપૂર્વક માણતો જોવા મળ્યો, જે યુવાઓમાં રહેલી સાહિત્ય-રુચિના પ્રતિબિંબરૂપ હતું.
•••
સાહિત્યપ્રીતિ, પુસ્તકવાંચન એ માણસના પૂર્ણ વ્યક્તિત્વને ઘડે છે. એક અર્થમાં કહીએ તો સુષુપ્ત મનની શક્તિઓને જગાડે છે. લાગણીઓને વહેવાનો માર્ગ મોકળો કરી આપે છે.
પુસ્તકો વાંચવા તરફ યુવાવર્ગનો અભિગમ ધીમે ધીમે પણ વધતો જાય છે. પુસ્તકો ચાહે કોઈ પણ ભાષાના હોય, એ હંમેશા આપણા માટે ઉત્તમ મિત્ર બની રહ્યા છે. માત્ર જ્ઞાન કે માહિતી નથી આપતા, પરંતુ આપણા સ્વભાવને પણ ઘડે છે.
આપણી માતૃભાષા ગુજરાતી અને અન્ય ભાષાઓના પુસ્તકો જ્યારે જ્યારે વંચાય છે, એના વિશે ચર્ચા થાય છે, એના ગીતો ગવાય છે, એમાંથી સંદર્ભો અપાય છે, શુભ અવસરોએ પુસ્તકો ભેટ અપાય ત્યારે જ્ઞાનના દીવડા પ્રગટે છે, અને એમાંથી શબ્દના અજવાળાં રેલાય છે.