કાંતિભાઈ સવજાણી લિસ્બનમાં હિંદુત્વની જીવંત પ્રતિમા શા છે! જમનાદાસ સવજાણી અને લલિતાબહેન વતન પોરબંદર છોડીને મોઝામ્બિકના બેરા નગરમાં વસીને પ્રતિષ્ઠા અને પૈસાથી સમૃદ્ધ થયા તો એમના દીકરા કાંતિલાલ બેરા છોડીને પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વસીને પૈસા અને પ્રવૃત્તિએ સમૃદ્ધ થયા. તેમના કારણે સમગ્ર પોર્ટુગલમાં હિંદુ સમાજ અને સંસ્કૃતિ સમૃદ્ધ થયાં.
કાંતિલાલે લિસ્બનમાં હિંદુ સમાજની સ્થાપના કરી. લિસ્બનમાં ગુજરાતીઓની કેટલીક જ્ઞાતિને ખ્યાલમાં રાખીને સમાજ સ્થાપવા માગતા હતા. જુદી જુદી કેટલીક જ્ઞાતિઓ અલગ અલગ સમાજમાં વહેંચાઈ જાત એને બદલે તેમણે સમગ્ર હિંદુઓને એક તાંતણે જોડતો હિંદુ સમાજ સ્થાપ્યો.
કાંતિભાઈનું ખાસ કામ લિસ્બનમાં સનાતન હિંદુ મંદિરની સ્થાપનાનું છે. મેં યુરોપમાં અન્યત્ર હિંદુ મંદિર જોયાં છે છતાં ખૂબ મોટું, ભવ્ય, કલાયુક્ત અને બધી સવલતો સહિતનું સનાતન મંદિર પોર્ટુગલમાં જ જોયું. બીજી રીતે પણ આવું મંદિર બનાવવાનું કામ સંખ્યામાં ખૂબ થોડાં અને નવેનવા પોર્ટુગલમાં વસેલા હિંદુઓમાં કરવાનું. નવા વસેલાને તેમના ઘરબાર વસાવવાનાં હોય, ધંધામાં સ્થિર થવાનું બાકી હોય ત્યારે તેમની પાસેથી ખૂબ મોટું ખર્ચ કરવાનું હોય તેવા મંદિર માટે દાન કેટલું મળે? મંદિરના બાંધકામનો વિસ્તાર ૨૨,૭૦૦ ચોરસ મીટરનો અને મંદિરમાં ત્યારે ૬૦ લાખ યુરોનું ખર્ચ થયું. આનો યશ કાંતિભાઈની સૂઝ, ધગશ અને હિંદુ તથા બિન હિંદુ સૌને સાથે મેળવવાની આવડતને જાય છે. આ સનાતન મંદિરને પોતાનાં બે, મોટાં અને બંધિયાર પાર્કિંગ છે. જેથી વરસાદ કે સ્નો વખતે પણ આગંતુક વિના છત્રીએ મંદિર સુધી પહોંચી શકે છે. યુરોપના કોઈ પણ હિંદુ મંદિરમાં આવી સવલત નથી.
મંદિરની બીજી વિશિષ્ટતા છે. શાકાહારી ભોજનની સવલત અને શાકાહારનો પ્રસાર. મંદિર સુંદર કેન્ટિન ચલાવે છે. તેમાં રોજ બંને વખત શુદ્ધ, સ્વાદિષ્ટ, શાકાહારી ભોજનની સગવડ છે, આથી પૈસા ખર્ચીને સાજે-માંદે રસોઈ બનાવનારની ગેરહાજરીમાં અને એકલા નોકરી કરનારને સગવડ રહે છે.
દરિયાપાર વસતા હિંદુઓ માટે મંદિર સુંદર ભારતીય વાતાવરણ સર્જે છે. મંદિરના કાર્યક્રમો, ઊજવણી, તહેવાર, પૂજા, બાધા, આરતી કે કથા નિમિત્તે ભેગા મળવાની તકથી હિંદુઓના પરસ્પર સંબંધો ટકે છે. જે પારકી ભૂમિમાં જરૂર પડ્યે મદદરૂપ થાય છે. ગુજરાતીઓમાં પરસ્પર મિલનથી હિંદુત્વની ભાવના અને એકતા દૃઢ થાય છે.
કાંતિભાઈએ મંદિર સર્જન કરીને હિંદુઓનું ગૌરવ વધાર્યું. મૂર્તિપ્રતિષ્ઠા વખતે પોર્ટુગલના રાષ્ટ્રપતિ અઢી કલાક હાજર રહ્યા તે કાંતિભાઈના જ સંબંધે. દુનિયામાં ક્યાંય રાષ્ટ્રના સર્વોચ્ચ વડા હિંદુ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠામાં હાજર રહ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. આથી પોર્ટુગીઝોમાં પણ હિંદુઓનું માન વધ્યું.
કાંતિભાઈના ઉદ્યોગપતિ તરીકેના સંબંધો, કામ લેવાની આવડત, બધાને મદદરૂપ થવાનો સ્વભાવ અને રજૂઆતની કલાને લીધે મંદિર માટે સરકારે રાહત દરે જમીન આપી હતી. તેમની નિષ્ઠા, નમ્રતા અને સંબંધોથી મંદિર માટે સારી રકમ ભેગી થઈ. લિસ્બન પછી બીજા નંબરે આવતા નગર પોર્ટો, પાડોશી દેશોમાંના સંબંધીઓ, કાંતિભાઈની પોતાની ડેનકેક કંપની અને તેમના એજન્ટો - એ બધાના દાનની ભેગી રકમ ગણીએ તો લિસ્બનથી ય વધી જાય. આ બધું કાંતિભાઈની હિસાબી પારદર્શિતા અને વિશ્વાસને કારણે થયું.
કાંતિભાઈએ મંદિરની બાજુમાં જ સરકાર પાસેથી રાહત દરે જમીન અને મંજૂરી મેળવીને સ્મશાનગૃહ સર્જ્યું. બાકી ખ્રિસ્તીધર્મી નગરમાં દફનક્રિયા હોય, ત્યાં સ્મશાન ન હતું. અગ્નિદાહ પછી નજીકના સંબંધીઓને નજીકના જ હિંદુ મંદિરમાં પ્રાર્થના કરવા જવાની તક મળી.
કાંતિભાઈએ તેમના સંબંધો, સૂઝ અને હિંદુત્વની લગનથી સમગ્ર ભારતીય પ્રજાને ગૌરવ અપાવે તેવું કામ કર્યું. મહાત્મા ગાંધી કે કસ્તૂરબાની ભારતમાં પ્રતિમા કે રસ્તાની નવાઈ નથી. જોકે બંનેની ભેગી પ્રતિમા જાહેર સ્થળે વિદેશમાં હોય તેવો એક માત્ર દેશ પોર્ટુગલ છે. લિસ્બનમાં કસ્તૂરબા અને ગાંધીજીની ગ્રેનાઈટથી બનેલી ભેગી પ્રતિમા તેમણે મંદિર નજીકના બાગમાં મૂકાવી છે. વળી, તેમણે મંદિરના નજીક રસ્તાને ‘મહાત્મા ગાંધી માર્ગ’ નામ અપાવ્યું છે. દુનિયામાં પ્રથમ વાર જ કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિએ ગાંધી માર્ગનું ઉદ્ઘાટન કર્યું હોય તેવું લિસ્બનમાં જ થયું. આ કાંતિભાઈને કારણે થયું.
કાંતિભાઈ સાદગીભર્યાં છે. લિસ્બનનું એમનું ભવ્ય અને વિશાળ ઘર સાધુ-સંતો અને મહેમાનોથી સદા ભરેલું હોય છે. વિભૂતિબહેન આંગણે આવેલા સાધુ-સંતને આદર સહિત આવકારે છે. પોર્ટુગલમાં ભારતીયતા અને હિંદુત્વની જ્યોત શા કાંતિભાઈ સૌને ફાવતા અને ભાવતા છે.