સિત્તેરના દાયકાના શરૂઆતના વર્ષોમાં સૌરાષ્ટ્રથી આફ્રિકા ગયેલા એક પરિવારની વાત છે. પિતા અને કાકાની સાથે કરિયાણાની દુકાનમાં કામ કરતો એક યુવાન અજય હજી ચારેક વર્ષ પહેલા લગ્ન કરીને પોતાની પત્ની સવિતા સાથે રહેવા લાગ્યો હતો. આ યુવાન દંપતીને એક દીકરો હતો જેને માંડ દોઢેક વર્ષ થયા હશે. આમ તો તેનું નામ કમલેશ હતું, પણ રૂ જેવા રૂપાળા એ બાળકને ઘરના બધા લોકો ભૂરો કહીને જ બોલાવતા.
આવનાર દીકરાના નસીબ હોય કે પછી વર્ષોથી કરેલી મહેનત હોય, અજયને લાગવા માંડેલું કે હવે આર્થિક સમૃદ્ધિ વધી રહી છે અને આવકમાં વધારો થયો છે તો જલ્દી બે પાંદડે થવાશે. થોડા દિવસ પહેલાં જ તેની પત્ની સવિતાએ પ્રસ્તાવ મુકેલો કે આપણે એકાદ વાર ગુજરાત આંટો મારી આવીએ. તેણે લગ્ન કરીને પિયર છોડ્યું ત્યાર પછી પોતાના મા-બાપને મળવાનું થયું નહોતું. નાના-નાની અને મામાને પણ ભાણેજને મળવાની તાલાવેલી હતી તેવું કાગળમાં વારે વારે લખતા.
પણ કાળને ક્યારેય કોઈ કળી શક્યું નથી. અજય અને સવિતાએ ધાર્યું પણ નહિ હોય કે વર્ષોથી મહેનત કરીને માંડ માંડ જમાવેલા ધંધા પર આંચ આવશે અને આફ્રિકાથી સ્થળાંતર કરવાની જરૂર પડશે. જયારે રાજકીય વંટોળ ફૂંકાવા મંડ્યા અને લોકો ઘરબાર છોડીને જે હાથમાં આવ્યું તેટલું લઈને દેશ ભેગા થવા માંડ્યા ત્યારે અજયના પિતા અને કાકાએ મળીને નક્કી કર્યું કે કાકાનો પરિવાર યુકે તરફ રવાના થાય અને ત્યાં થોડુંક સેટિંગ પડે પછી અજય તેના માતા-પિતા સાથે આફ્રિકાથી નીકળે. સવિતાને મન તો નહોતું પણ નાના ભુરાની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાથી તેણે આનાકાની ન કરી.
કાકાજી સસરા, સાસુ અને તેમની વીસેક વર્ષની પુત્રી સાથે સવિતા પણ કમલેશને લઈને યુકે આવી પહોંચી. શરૂઆતના દિવસોમાં ઘણા સંઘર્ષ હોય. કાકા-કાકીએ તો આફ્રિકામાં સ્થાયી થવા માટે પણ ઘણી મહેનત અને સંઘર્ષ કરવા પડેલા. હવે આ જીવનમાં જ તેમને ફરીથી બીજી વાર સ્થાયી થવાની અને ત્યારબાદ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને બોલાવવાની જવાબદારી હતી. જુના ઓળખીતા લોકો એકાદ વર્ષ પહેલા યુકેમાં આવેલા અને ધીરે ધીરે કામધંધો કરતા થયેલા. તેમનો સંપર્ક કરીને જેવું મળ્યું તેવું કામ કાકાએ શરૂ કર્યું. પણ તેનાથી કઈ ઘર ચાલે તેમ ન હતું. છ એક મહિના થયા ત્યાં તો આફ્રિકાના અણસાર બગાડ્યા અને અજય તેના માતા-પિતાને લઈને યુકે આવી ગયો.
આફ્રિકાથી આવેલા બીજા ગુજરાતીઓની માફક હવે તો ઘરના બૈરાને પણ નોકરી કરવી પડે તેવી સ્થિતિ આવી ઉભી હતી. ઘરની મહિલાઓએ પણ ધીમે ધીમે જેવું થાય તેવું કામ કરવાનું શરૂ કર્યું. ઓછું ભણેલા લોકોને વધારે સારી નોકરી તો મળે તેમ ન હતી, પણ કોઈ જ કામ કરવામાં લાજ ન રખાય એવા ઉમદા વિચારને અનુસરીને પરિવારે સાથે મળીને મહેનત કર્યા કરી. આજે પાંચ દાયકા થયા. કમલેશ તો મોટો થઇ જ ગયો પણ તેના બાળકો પણ જુવાન છે.
આ પ્રયાણ, સ્થાપન, વિસ્થાપન, સંઘર્ષ અને પુનઃ સ્થાપનની કથા કેટલાય લોકો માટે સામાન્ય છે. કોઈએ કહેલી આ વાતમાં નામ બદલ્યા છે અને ઘટનાઓનો સાર આપ્યો છે. ([email protected])
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)