પ્રાર્થના એટલે પ્રત્યેક માનવની વ્યક્તિગત સંવેદના

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 06th November 2019 07:02 EST
 

‘બેટા, જુઓ આ થોડું જીર્ણ થયેલું પુસ્તક છે, પણ એમાં જે શબ્દો છે એ અમૂલ્ય છે, કારણ કે એ શબ્દોમાં પ્રાર્થનાઓ છે.’ ડેડીએ દીકરી સ્તુતિને કહ્યું. પુસ્તક બતાવ્યું. હજીયે એવું જ આમ તો સચવાયું છે પુસ્તક... પુસ્તકનું શીર્ષક ‘પરમ સમીપે’ બતાવીને દીકરીએ પુછ્યું, આનો અર્થ શું થાય?... ને ડેડીએ વાત માંડી...

પરમ એટલે ઉત્તમ, શાશ્વત, અને હા... સંન્યાસીઓના જે ચાર પ્રકારો છે તેમાંનો એક ઉત્તમ પ્રકાર છે તે પણ પરમહંસ રૂપે ઓળખાય છે. અને સમીપે એટલે નજીક, નિકટ. આમ પરમ સમીપે એટલે જે ઉત્તમ છે, જે શાશ્વત છે તેની નજીક. આ પુસ્તકમાં પ્રાર્થનાઓનો સંગ્રહ છે જે સંકલિત કરી છે લેખિકા કુન્દનિકા કાપડિયાએ. પહેલી વાર નવેમ્બર ૧૯૮૨માં બહાર પાડ્યા બાદ એ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે.

પુસ્તકમાં અંતરની વાણીરૂપે કુન્દનિકાબહેન લખે છે, ‘ઋષીઓ - સંતો - મહાન ભક્તો અને સામાન્યજનો સૌના કંઠેથી પરમાત્માને સીધી સંબોધતી વાણી ફૂટી છે. ઈશ્વર સાથે અંગત સંબંધ પર રચાયેલી આ પ્રાર્થનાઓમાં ભગવાન માટેનો પ્રેમ છે, હૃદયનું સમર્પણ છે, તો કપરી પળોમાં સહાયની માગણી અને અંધકારમાંથી પ્રકાશમાં જવાની અભિપ્સા પણ છે.’

ત્યાં તો પુસ્તક જોતાં જોતાં સ્તુતિનું ધ્યાન પડ્યું, ‘એ ડેડી, તમે તો જોયું જ હોય, આ જુઓ આમાં તો મોરારિબાપુએ પણ એમના હસ્તાક્ષરમાં કાંઈક લખી આપ્યું છે’ ને અંગ્રેજી માધ્યમમાં ભણેલી દીકરીએ હળવે હળવે એ વાંચ્યું જેમાં બાપુએ આશીર્વાદરૂપે લખ્યું છે, ‘પરમાત્માને લક્ષમાં રાખીને જે કાંઈ બોલીએ તે પ્રાર્થના છે. પરમાત્મા ભજન માટે જ ભજન કરાવજે બસ.’ ૧૯૮૪માં આ પુસ્તક લઈને તલગાજરડા જવાનું થયું ને બાપુને વિનંતી કરી ત્યારે તેઓએ લખેલા આ શબ્દો અને આ પુસ્તકમાં સમાવિષ્ટ પ્રાર્થનાઓ ડગલને પગલે જીવનમાં અજવાળાં પાથરે છે. જ્યારે જ્યારે પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, દુઃખ કે વિષાદ આવે, અરે આવું બધું જ નહીં, જ્યારે જ્યારે જન્મદિવસ આવે, ઉત્સવ આવે કે આનંદ આવે ત્યારે ત્યારે પણ આ પુસ્તકની પ્રાર્થનાઓ જીવનમાં બળ આપે છે. ઉત્સાહ અને ઉલ્લાસ આપે છે ને નિર્હેતુ ભજન તરફ નામ સ્મરણ તરફ તન-મનને દોરી જાય છે. મારા જેવા અનેક લોકોના અનુભવો હશે કે સાચા હૃદયથી થયેલી પ્રાર્થના અસ્તિત્વ સાંભળે જ છે.

મનસઃ કામમાકૂર્તિ વાચઃ સત્યમશીયં - યજુર્વેદ.

અર્થાત્ મારા મનના સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ. મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ.

વૃત્તિ સહિત મારો અહંકાર ઓગાળી દે, મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિની છાપ ઊઠવા દે, મારું મન તારા ચરણોમાં રહેવા દે. -સંત જ્ઞાનેશ્વર

આ રહ્યું તારું પુણ્ય, આ રહ્યું તારું પાપ, બંને લઈ લે અને મને કેવળ તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ. - રામકૃષ્ણ પરમહંસ

વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. - રવીન્દ્રનાથ ટાગોર

એક પછી એક પાનાંઓ ખુલતાં જાય અને વૈદિક-પૌરાણિક, સંતો-ભક્તોની અને વિદેશી લેખકોની અને કુન્દનિકાબહેને લખેલી પ્રાર્થનાઓ મન-હૃદય પર ઘેરી અસર કરાવી જાય છે. એવું લાગે છે કે ક્યાંક કશુંક કોઈક આપણને દોરે છે, પ્રેરે છે, પ્રેમ અને પ્રસન્નતાથી સભર કરે છે.

ડેડી એક પછી એક પાનાંઓ ઉકેલતા જતા હતા. દીકરીને પ્રાર્થનાનો ભાવ સમજાવતા જતા હતા અને અચાનક એ દીકરી હસી પડી... પુછ્યું, ‘કેમ?’ તો કહે ‘ગયા વર્ષે બારમાની પરીક્ષામાં એકાઉન્ટના પેપર સમયે હું બાને કહેતી હતી કે બા તમે મારું પેપર સારું જાય એ માટે થોડી પ્રાર્થના કરજો...’ બાએ લાડકી પૌત્રી માટે કરેલી પ્રાર્થનાઓ અને દીકરીની મહેનત કબૂલ થઈ ને એને જ્યાં જોઈતું હતું ત્યાં એડમિશન મળી ગયું.

પ્રાર્થના એ પ્રત્યેક માનવની વ્યક્તિગત સંવેદના છે, સમયે સમયે એ જૂજવે રૂપે વ્યક્ત થાય છે, ક્યારેક હાથ જોડીને, ક્યારેક હાથ લંબાવીને, ક્યારેક આંસુ ઝરીને ને ક્યારેક આંસુ લૂછીને, ક્યારેક બંધ આંખે ને ક્યારેક ખુલ્લી આંખે. ક્યારેક ધ્યાન મુદ્રામાં તો ક્યારેક નૃત્યરૂપે... ક્યારેક માયાના મણકા ઉપર ફરતી આંગળીના ટેરવાંથી ને ક્યારેક અનહદ મૌનરૂપે... વાદ્યકારના વાદનમાં ને ગાયકના ગાયનમાં... લક્ષ બધામાં એક છે - પરમ સમીપે, પરમાત્મા-અસ્તિત્વ... આવી પ્રાર્થનાઓ આપણા મન-હદયને શરીરમાં પ્રેમ અને પ્રસન્નતાના દીવડા પ્રગટાવે છે ને ક્ષણ ક્ષણને ઉત્સવમય બનાવે તેવા અજવાળાં પથરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter